5 વર્ષથીઅટવાતો પ્રશ્ન ઉકેલાયો:સોનગઢમાં 215 લાખના ખર્ચે સેમી ઇન્ટરનેશનલ લેવલનો સ્વિમિંગ પૂલ બનશે

સોનગઢ16 દિવસ પહેલાલેખક: દીપક શર્મા
  • કૉપી લિંક
  • પાલિકાએ 1.75 કરોડ આપી સરકાર પાસેથી સ્વિમિંગ પૂલ માટે જમીન લીધી , ટુંક સમયમાં કામ શરૂ થશે

સોનગઢ માં નગરજનોની સુખાકારી માટે હાલ એક પણ સ્વિમિંગ પૂલ ની સુવિધા ઉપલબ્ધ નથી.ગત પાંચ વર્ષ પહેલાં નગર ના દેવજીપૂરા વિસ્તારમાં આવેલ પાણીની ટાંકી પાસેની સરકારી જમીનમાં સ્વિમિંગ પૂલ બનાવવાનું નક્કી થયું હતું. જો કે વહીવટી આંટીઘૂટી ગણો કે પછી ચૂંટાયેલા સભ્યોની આળસ આ કારણે સ્વિમિંગ પૂલ નો પ્રશ્ન લાંબા સમય થી પેન્ડિંગ હતો.જો કે હવે જ્યાં આ સ્વિમિંગ પૂલ બનવાનો છે એ સરકારી જમીન ના ભરવા પાત્ર નાણાં રૂપિયા 1.75 કરોડ પાલિકાએ સરકારી તિજોરીમાં જમા કરાવી દેતાં જમીનનો કબ્જો પાલિકા ને મળી ગયો છે અને ટૂંક સમયમાં કામગીરી શરૂ થનાર છે.

સોનગઢ પાલિકા વિસ્તારમાં હાલ સ્વિમિંગ ના શોખીન લોકો માટે ખાનગી કે સરકારી એક પણ સ્વિમિંગ પૂલ ની સુવિધા હાલ ઉપલબ્ધ નથી.આ સુવિધા મેળવવા બાબતે ભૂતકાળ માં ગ્રામજનો દ્વારા અનેક વખત રજુઆત થઈ હતી પણ જે તે સમયના પાલિકા શાસકો દ્વારા કામ આગળ વધ્યું ન હતું.સોનગઢ નગરમાં અદ્યતન સ્વિમિંગ પૂલ બને તે માટે ગત પાંચ વર્ષ પહેલાં સાંસદ પ્રભુભાઈ વસાવા એ દેવજીપૂરા પાણીની ટાંકી પાસે આવેલ સરકારી જમીનમાં ખાતમુહૂર્ત વિધિ પણ કરી હતી પણ તે જ સમય થી કામ આગળ વધી શક્યું ન હતું.

ક્યારેક જમીનના રૂપિયા ભરવાનો પ્રશ્ન હોય કે ક્યારેક અન્ય વહીવટી ગૂંચ ના કારણે કાગળ આગળ વધતાં ન હતાં.આ અંગે તાપી જિલ્લા બીજેપી મહામંત્રી મયંક ભાઈ જોશી અને પાલિકા પ્રમુખ ટપુ ભાઈ ભરવાડ દ્વારા આ કામગીરી પૂર્ણ થાય એ દિશામાં કામ શરૂ કરવામાં આવ્યું હતું. તેમણે અને પાલિકા સભ્યો તથા સંગઠનના આગેવાનો એ આ અંગે રાજ્ય સરકાર માં જમીનની કિંમત ઓછી કરવા બાબતે રજુઆત કરવામાં આવી હતી.આખરે ગત ડિસેમ્બર ની 28 મી તારીખે તાપી જિલ્લા કલેક્ટર દ્વારા સોનગઢ નગર પાલિકા ચીફ ઓફિસર ને એક પત્ર પાઠવી આ સરકારી જમીન પૈકી ની 5000 ચો.મીટર જમીન નિયમો ને આધિન પાલિકા ને ફાળવી આપવામાં આવી હોવાની જાણ કરી હતી અને નિયમ મુજબ જમીન પેટે રૂ.1,75 ,000,00 ની રકમ 30 દિવસ માં ભરવા માટે સૂચના આપી હતી.

આ સરકારી જમીન નવી અવિભાજ્ય અને વિક્રયાદી તથા નિયંત્રિત શરતે ફાળવવામાં આવી છે. નગર પાલિકા શાસકો દ્વારા સ્વિમિંગ પૂલ માટે સરકારી જમીન મેળવવા બાબત ની રૂપિયા 1.75 કરોડ ની રકમ સરકારી તિજોરીમાં જમા કરાવી દેવા માં આવી છે જેથી આવનાર ટૂંકા સમયમાં પ્રજાજનો માટે સેમી ઇન્ટરનેશનલ કક્ષાના સ્વિમિંગ પૂલ ની સુવિધા મળનાર છે.

દેવજીપૂરા ખાતે રૂપિયા 215 લાખના ખર્ચે અદ્યતન સ્વિમિંગ પૂલ તૈયાર કરાશે
સોનગઢના દેવજીપૂરા પાણીની ટાંકી પાસે આવેલ સરકારી ખુલ્લી જમીનમાં રૂપિયા 215 લાખના ખર્ચે અદ્યતન સ્વિમિંગ પૂલ બનવાનો છે. આ સ્વિમિંગ પૂલમાં તરણના શોખીન લોકો માટે ડાઇવિંગ,સ્પ્રિંગ બોર્ડ,સ્વિમિંગ,બેલ્ટ , સાવર અને એવી તમામ પ્રકાર ની અન્ય સુવિધાઓ ઉભી કરવામાં આવનાર છે.આ સ્વિમિંગ પૂલ માં સ્થાનિક લોકોને તો સુવિધા મળશે જ પણ સાથે સાથે ભવિષ્યમાં અહીં તરણ સ્પર્ધાઓનું પણ આયોજન કરી શકાય એ બાબતને પણ ધ્યાને રાખવામાં આવી છે.

આ કારણે અડધા રૂપિયા ભરવા પડ્યા
સોનગઢ પાલિકા દ્વારા દેવજીપૂરા વોર્ડ નંબર 1 માં આવેલ પાણી ની ટાંકી નજીકની સરકારી જમીન બ્લોક નંબર 94 કે જેનું ક્ષેત્રફળ 2-12-46 હેક્ટર છે તે પૈકી ની 0-50-00 એટલે કે 5000 ચોરસ મીટર જમીન સ્વિમિંગ પૂલ માટે સરકાર પાસે મંગાઇ હતી.જો કે સરકારી જંત્રી અને નિયમ મૂજબ આ જમીન ની કિંમત અંદાજિત 3 કરોડ કરતાં વધું થતી હતી. જો કે બીજેપી ના આગેવાનો દ્વારા જમીનની કિંમત ઘટાડવા માટે સરકારમાં સતત રજૂઆત કરાઇ . આખરે સ્વિમિંગ પૂલ ની આ સુવિધા મરજિયાત સેવાના અંતર્ગત હોય જમીન ના અડધા રૂપિયા ભરવા માટે સરકાર માંથી મંજૂરી આપવામાં આવી હતી.આ જમીનની હાલની બજાર કિંમત રૂપિયા 7000 પ્રતિ ચોરસ મીટર પ્રમાણે જમીન ની કુલ કિંમત રૂપિયા 3.50 કરોડ થાય છે. પણ સ્વિમિંગ પૂલ મરજિયાત સેવાકીય પ્રવૃત્તિમાં આવતી હોય નગર પાલીકાને આ જમીન માત્ર અડધા ભાવે એટલે કે રૂપિયા 1.75 કરોડમાં ફાળવાઇ છે.

હાલ નગરજનો સ્વિમિંગ માટે વ્યારા સુધી લાંબા થાય છે
સોનગઢ- ઉકાઈ વિસ્તારમાં હાલ એક પણ સ્વિમિંગ પૂલ આવેલ ન હોવાથી તરણ ના શોખીન યુવકો પોતાના પ્રાઇવેટ વિહિકલ ની મદદ થી ખાસ કરી ને ઉનાળા ના સમય માં વ્યારા પાલિકા સંચાલિત તરણ કુંડ નો લાભ લેવા ઠેઠ વ્યારા સુધી લાંબા થતાં હોય છે અને આ કારણે તેમનો સમય અને નાણાં નો બગાડ થઈ રહ્યો છે.હવે જ્યારે સોનગઢ નગર ખાતે જ અદ્યતન તરણ કુંડ બનવા નું છે ત્યારે સ્વિમિંગ ના શોખીન લોકો માટે ઘર આંગણે સુવિધા ઉભી થશે.

અન્ય સમાચારો પણ છે...