ઠગાઈ:સોનગઢમાં વિદેશી કપલ વેપારીની નજર ચૂકવી 18 હજાર સેરવી ગયું

સોનગઢ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગઠિયાએ પહેલા નોટોના બંડલ પર બાંધેલું રબર નીચે પાડ્યું, વેપારી તે લેવા નમ્યો ત્યારે નોટો સેરવી લેવાઇ

સોનગઢ ના એક મેડિકલ સ્ટોર પર પરચૂરણ સામાન ખરીદવા માટે આવેલો એક વિદેશી યુવક સ્ટોર ના માલિકને વાતમાં ભોળવી ચલણી નોટના બંડલ માંથી 18,000 રૂપિયા સેરવી નાસી ગયો હોવા નો બનાવ નોંધાયો હતો. મળેલી વિગત મુજબ સોનગઢ ના બસ સ્ટેન્ડ નજીક હર્ષ મેડિકલ સ્ટોર નામની દુકાન આવેલી છે.આ મેડિકલ પર શુક્રવારે સવારે એક વિદેશી યુવક અને યુવતી આવ્યાં હતાં અને તેમણે સ્ટોરમાંથી કોલગેટ અને અન્ય પરચૂરણ ચીજવસ્તુઓ કઢાવી હતી.

એ પછી તેમણે દુકાનદાર ને પોતાની પાસે રહેલ વિદેશી કરન્સી બતાવી વાતમાં ભોળવ્યો હતો અને તેની પાસે થી ભારતીય કરન્સી જોવા માંગી હતી.દુકાનદારે ભારતીય કરન્સીનું 500 રૂપિયાની નોટનું બંડલ વિદેશી યુવકને જોવા આપ્યું હતું. આ જ સમયે નોટ ના બંડલ પર નું રબર નીચે પડતાં દુકાનદાર એ લેવા માટે નીચે વળ્યો ને એ જ વખતે વિદેશી યુવકે બંડલ માંથી રૂપિયા 18,000 સેરવી લીધા હતાં અને બાદમાં લીધેલી ચીજવસ્તુનું પેમેન્ટ ચૂકવી ત્યાંથી રવાના થઈ ગયો હતો.થોડી વાર પછી મેડિકલ સ્ટોર ના માલિકે બંડલ માં નોટ ની ગણતરી કરતાં એમાં 18,000 રૂપિયા ઓછાં હતાં.આ વિદેશી યુવક હાથ ચાલાકી કરી બંડલ માંથી રૂપિયા સેરવી નાસી ગયો હતો.આ અંગે સોનગઢ પોલીસમાં જાણ કરવામાં આવી હતી.

અગાઉ પર આ રીતે 2 જણા ઠગાયા હતા
છેલ્લા બે માસમાં વિદેશી વ્યક્તિ દ્વારા સોનગઢ માં ઠગાઈ કરવાના ત્રણ કિસ્સા બની ગયા છે. પહેલો બનાવ પેટ્રોલ પંપ પર અને બીજો બનાવ નવાગામમાં આવેલી સ્ટેશનરીની દુકાન ધરાવતાં દિનેશભાઇ સાથે પણ બન્યો હતો. આ બંને બનાવમાં પણ વિદેશી યુવક અને યુવતી આ જ પ્રકારે વિદેશી કરન્સી દેખાડી બાદમાં ભારતીય ચલણી નોટ ની ઠગાઈ કરી નાસી ગયા હતાં.

અન્ય સમાચારો પણ છે...