સોનગઢ તાલુકાના બોરદા ગામ નજીક બાવલી પાસે ઉકાઈ જળાશયના પાણીમાં એક બોટ પલટી જતાં તેમાં બેસેલા ત્રણ વ્યક્તિ પૈકીનો એક યુવક પાણીમાં ડૂબી ગયો હતો. જ્યારે એક મહિલા સહિત યુવકનો બચાવ થયો હતો. આ અંગે મળેલી વિગત મુજબ મૂળ ઉચ્છલ તાલુકાના નાનછલ ગામે રહેતાં વિરસિંગભાઈ ગામીત અને તેમના પત્ની નજીકના ઉકાઈ જળાશયના પાણીમાંથી માછલી પકડી તેનું વેચાણ કરી જીવન ગુજરાન ચલાવતાં હતાં.
સંતાન માં તેમની 12 વર્ષીય એક દીકરી છે અને 08 વર્ષ નો એક પુત્ર છે. ગત બે દિવસ પહેલાં વિરસિંગભાઈ સાદી હોડીમાં તેમના પત્ની માર્થા બહેન અને અન્ય એક યુવકને બેસાડી તાપી નદીના સામે પાર આવેલા બાવલી ગામે ગયા હતાં. ત્યાં તેઓ વીનેશભાઈ નામના શેઠને ત્યાં પહોંચ્યા હતાં અને તેમના કહેવા પ્રમાણે ઉકાઈ જળાશયમાં બોટ લઈ માછીમારી કરવા ગયા હતાં. તેઓ તાપી નદીના જળાશયમાં થોડે જ દૂર ગયા હતાં ત્યારે ભારે પવનના કારણે તેમની બોટ નદીના પાણીમાં પલટી મારી ગઈ હતી અને બોટમાં સવાર ત્રણે લોકો પાણીમાં ડૂબવા માંડ્યા હતાં.
જો કે બોટ હંકારતા વિરસિંગભાઈના પત્ની અને અન્ય એક યુવક નદીના પાણીમાંથી તરીને કિનારે આવવામાં સફળ રહ્યા હતાં. જ્યારે વિરસિંગ ભાઈ ગામીત તાપી નદીના ઊંડા પાણીમાં ગરક થઈ ગયા હતાં. આ અંગે બાવલી અને અન્ય ગામના લોકોને જાણ થતાં તેઓ તાપી કિનારે દોડી આવ્યાં હતાં અને તાપી નદીના જળાશયના પાણીમાં વિરસિંગ ભાઈની શોધખોળ કરી હતી પણ આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી તેમનો કોઈ પતો મળ્યો ન હતો.
આ બનાવ જ્યાં નોંધાયો તે ગામ સોનગઢ પોલીસની હદ માં આવતું હોય ગુરુવારે વિરસિંગભાઈ ગામીતના પત્ની અને આગેવાનોએ સોનગઢ પોલીસ મથકે જાણ કરતાં પોલીસે જાણવા જોગ નોંધ કરી હતી. અત્રે નોંધનીય છે કે ઉકાઈ જળાશયમાં માછી મારી માટે જતાં લોકોને કોન્ટ્રાક્ટર અથવા શેઠ લોકો દ્વારા સુરક્ષા કે સલામતી અંગેના કોઈ સાધનો આપવામાં આવતા નથી. જેથી આવી દુર્ઘટના વખતે જાન માલ ના નુકસાન થવાની ઘટના અવારનવાર જોવા મળે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.