વ્યારા નગરમાં એપીએમસી માર્કેટમાં ચાલુ વર્ષે કેરીનું આગમન શરૂ કરાયું છે. આ વર્ષે કેરીની શરૂઆત થોડી મોડી શરૂ થઈ છે. વ્યારા માર્કેટયાર્ડમાં દેશીથી લઈને કેસર, રાજપુરી, ટોટાપુરી સહિત કેરીની આવક શરૂ થતાં વેપારીઓને રાહત થઈ હતી. બીજી તરફ ખેડૂતોને પણ સ્થાનિક માર્કેટમાં પોષમક્ષમ ભાવ મળી રહ્યા છે. હાલ વ્યારા માર્કેટમાં કેરીઓને આવકમાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે. જોકે ગત વર્ષે રોજના 50 ટન કેરીની સામે 30 ટનથી શરૂઆત થઈ છે.
વ્યારામાં આવેલા એપીએમસી માર્કેટએ તાપી જિલ્લાના ખેડૂતો માટે આશિર્વાદરૂપ બની ગયું છે. રોજના વિવિધ વસ્તુઓના ખરીદ-વેચાણ માટે 1 હજારથી વધુ ખેડૂતો અને 15થી વધુ વેપારીઓ કામગીરી હાથ ધરે છે. જેમાં પણ હાલ કેરીની સીઝન શરૂ થતા માર્કેટમાં રોજ 30 ટન કેરીથી શરૂઆત થઈ છે. વ્યારા સહિત અન્ય ગામોમાંથી 100 જેટલા ખેડૂતો કેરી વેચવા આવે છે અને પાંચ વેપારીઓએ હાલ ખરીદી કરી રહ્યા છે.
ગત વર્ષ કરતાં આ વર્ષે કેરીનો પાક હાલ મોડો તૈયાર થયો છે, જેને લઇને કેરીનું આગમન થોડું મોડું થયું છે. વ્યારામાં લોકલ ખેડૂતોથી લઈને મોટા ખેડૂતો કેરી વેચવા આવતા, આવનાર દિવસમાં કેરીના ખરીદ-વેચાણમાં વધારો થઈ જશે. હાલ વાદળછાયા વાતાવરણ અને પવનના કારણે કેરીના પાકને અસર થઈ રહી છે. જેને લઇને ખેડૂતોમાં પણ મુશ્કેલી વધી જતાં કેરીના પાકનો ઓછો ઉતાર થઈ ગયો છે.
શરૂઆતનો સમય હોય, હાલ ઓછી કેરી
હાલ દેશી કેરી સહિત રાજાપુરી, ટોટાપુરી, કેસર સહિત કેરીઓ આવી રહી છે. શરૂઆત હોય, હાલ ઓછી કેરી આવતા ઓછા વેપારીઓ ખરીદ વેચાણ સંભાળી રહ્યા છે. પરંતુ કેરીની આવક વધશે, તેમ વેપારીઓ પણ ખરીદી કરવા આવશે. હાલ કેરીના 20 કિલોના 250થી 1500 સુધી ભાવો મળી રહ્યા છે.
20થી વધુ ગામના ખેડૂતો વેચાણ માટે આવે છે
વ્યારા એપીએમસી માર્કેટએ ખેડૂતો માટે આશીર્વાદરૂપ બની રહેતા આ વિસ્તારના ખેડૂતો ખરીદ વેચાણ કરવા માટે આવે છે. વ્યારા વિસ્તારમાં સોનગઢ, બુહારી, માંડવી સહિતના 20 જેટલા ગામોના ખેડૂતો પોતાના મહામૂલી પાકોને વેચવા આવે છે. ઘર આંગણે જ ખેડૂતો કેરીના પોષણક્ષમ ભાવો મળવાને કારણે ખેડૂતોને રાહત થઈ રહી છે.
રોજની 30 ટન જેટલી કેરીની આવક
હાલ કેરી ચાલુ થયા ને બે ત્રણ દિવસ થયા હોવાથી રોજની 30 ટન જેટલી જ કેરી આવે છે. જોકે હાલ થોડા દિવસોમાં કેરીનો પાક તૈયાર થઇ જવાને પગલે કેરીની આવકમાં વધારો થશે.
આવનારા દિવસમાં કેરીની આવકમાં વધારો થશે
વ્યારા માર્કેટમાં હાલ રોજની 30 ટન કેરીની આવક માર્કેટયાર્ડમાં નોંધાઇ રહી છે. આવનારા દિવસોમાં વધુ કેરીની આવક આવશે. - રોબિનભાઈ ગામીત, ઇન્ચાર્જ સેક્રેટરી, એપીએમસી વ્યારા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.