ઉજવણીની તડામાર તૈયારીઓ શરૂ:તાપીમાં ‘વિશ્વ આદિવાસી દિવસ’ની ભવ્ય ઉજવણી સાથે અનેકવિધ વિકાસલક્ષી કામોનું લોકાર્પણ કરવામાં આવશે

તાપી (વ્યારા)2 મહિનો પહેલા
  • કૉપી લિંક

સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા આગામી 9મી ઓગષ્ટે સમગ્ર રાજ્યમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. આદિજાતિ વિસ્તારો અન્ય શહેરોની સરખામણીમાં વિકાસના ક્ષેત્રે આગળ વધે તે માટે "વિશ્વ આદિવાસી દિવસ"ની ભવ્ય ઉજવણીની સાથે સાથે અનેકવિધ વિકાસલક્ષી કામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત તેમજ યોજનાકીય લાભાર્થીઓને સહાય વિતરણ થનાર છે. એમ પ્રાયોજના વહીવટદાર અંકિતા પરમારે જણાવ્યું હતું.

સમય મર્યાદામાં પોતાની કામગીરી પૂર્ણ કરવા સૂચન
સમગ્ર તાપી જિલ્લામાં "વિશ્વ આદિવાસી દિવસ"ની ભવ્ય ઉજવણી થાય તે માટે વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ તાપી જિલ્લા આદિજાતિ વિભાગ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. તાપી જિલ્લામાં સમાવિષ્ઠ 170 મહુવા વિધાનસભા સીટ ઉપર વાલોડના બુહારી ખાતે મહેસુલ અને આપત્તિ વ્યવસ્થાપન મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીના અધ્યક્ષ સ્થાને "વિશ્વ આદિવાસી દિવસ"ની ભવ્ય ઉજવણી કરાશે. 171 વિધાનસભા સીટ ઉપર વ્યારા નગરપાલિકાના શ્યામા પ્રસાદ હોલ ખાતે પ્રભારી મંત્રી અને કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ મંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને અને172 નિઝર સીટ ઉપર રૂમકીતલાવ ગામે સામાજીક ન્યાય અધિકારિતા મંત્રી પ્રદિપભાઈ પરમારના અધ્યક્ષ સ્થાને "વિશ્વ આદિવાસી દિવસ"ની ઉજવણીના સુચારુ આયોજન માટે વાલોડ તાલુકા પંચાયતના સભાખંડમાં 5મી ઓગષ્ટના રોજ પ્રાયોજના વહીવટદાર એ.કે.પરમારના અધ્યક્ષપણા હેઠળ બેઠક યોજાઇ હતી. જેમાં આ કાર્યક્રમના સુચારુ આયોજન માટે સબંધિત વિભાગના વડાઓને સમય મર્યાદામાં પોતાની કામગીરી પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી હતી.

વિવિધ પાસાઓની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી
ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાએ "વિશ્વ આદિવાસી દિવસ"ની ઉજવણી નિમિત્તે માર્ગદર્શન પુરૂ પાડ્યુ હતું. બેઠકમાં સભામંડપ, સ્ટેજ, બેઠક વ્યવસ્થા, વીજળી, પાણી, આરોગ્ય, વાહન વ્યવહાર,પાર્કિંગ, કાયદો વ્યવસ્થા, ભોજન વ્યવસ્થા, લાભાર્થીઓની યાદી નક્કી કરવી, સ્ટેજ સજાવટ, પૂજા સમગ્રી, સ્વચ્છતા જાળવણી તેમજ પારંપારિક સાંસ્કૃતિક કાર્યક્રમોના સુચારૂ આયોજન સહિત વિવિધ પાસાઓની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.

બેઠકમાં અધિકારી/પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા
અત્રે ઉલ્લેખનિય છે કે, તાપી જિલ્લામાં તમામ સ્થળોએ "વિશ્વ આદિવાસી દિવસ"ની ઉજવણી નિમિત્તે કલાકારો, વિવિધ ક્ષેત્રે નામના મેળવનાર વ્યક્તિઓનું સન્માન, આદિવાસી શૈલીને દર્શાવતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, આદિવાસી સમાજજીવન આધારિત દસ્તાવેજી ફિલ્મ નિદર્શન કરાશે. તથા મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને વિવિધ યોજનાકિય સહાયપત્રો, સન્માન પત્રો એનાયત કરવામાં આવશે.​​​​​​​ વાલોડ ખાતે યોજાયેલ બેઠકમાં પ્રાંત અધિકારી આર.સી.પટેલ, જિલ્લા પુરવઠા અધિકારી સાગર મોવાલિયા, વાલોડ મામલતદાર જયેશભાઈ પટેલ, બારડોલી મામલતદાર પ્રતિકભાઈ પટેલ, બારડોલી, વાલોડ, મહુવા તાલુકા વિકાસ અધિકારીઓ, વાલોડ તાલુકા પંચાયત પ્રમુખ ચંદ્રેશભાઈ કોંકણી, કૃષિ અને સહકાર ચેરમેન ભૂપેન્દ્રભાઈ ગામીત સહિત અધિકારી/પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...