દુર્ઘટના:બામણામાળ નજીક અકસ્માતમાં વાલોડના પોલીસ કર્મીનું મોત

વ્યારા, માયપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એલઆઈબીમાં ફરજ બજાવનારને અજાણ્યા વાહનની ટક્કર

વ્યારાનાં બામણામાળ નજીક ગામની સીમમાંથી પસાર થતા વ્યારા- ઉનાઇ રોડ ઉપર તા.17/05/2022 ના રોજ સવારે ઘરેથી પોતાની નોકરીએ જઈ રહેલા પોલીસકર્મીને અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતાં મોત નિપજ્યુ હતુ. વાલોડ પોલીસ મથકે ફરજ બજાવતા રણજીત જશવંતભાઇ ગામીત (32) રહે. ભાઠી ફળીયુ, ગડત ગામ, તા. ડોલવણ જી. તાપી પોતાની મોટર સાયકલ સી.બી.ઝેડ નં. (GJ.26 D 2162) ઉપર ઘરે ગડત ગામેથી વાલોડ પોલીસ સ્ટેશનમાં નોકરી ઉપર જતા હતા.

ત્યારે બામણામાળ નજીક ગામની સીમમાંથી પસાર થતા વ્યારાથી ઉનાઈ જવાના માર્ગે અજાણ્યા ટ્રક ચાલકે પોતાની ટ્રક પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારતા હોય આ પોલીસની મોટર સાયકલ અડફેટમાં લેતા પોલીસ કર્મી રણજીતભાઈ જશવંતભાઇ ગામીતને ગંભીર ઇજાઓ થઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે જમણો હાથ બાવળામાંથી છુટો પડી ગયો હતો. ગંભીર ઇજાઓ થતા સ્થળ પર જ મોત નિપજ્યુ હતુ. ટ્રક ચાલક અકસ્માત કરી ભાગી છુટ્યો હોય પોલીસે ટ્રક ચાલક વિરૂધ્ધ મૃતકના પિતા જશવંતભાઇ ગામીતની ફરિયાદનાં આધારે ગુનો નોંધી વધુમાં તપાસ હાથ ધરી છે.

ઘરમાં માત્ર એક જ કમાનાર વ્યક્તિ
રણજીતભાઈના સંતાનમાં બે બાળકો છે જેમાં મોટો છોકરો છ વર્ષનો અને નાનો છોકરો ચાર વર્ષનો છે, માત્ર ઘરમાં એક જ કમાનાર વ્યક્તિ હોય પરિવાર પર આભ તૂટી પડયો હતો.રણજીતભાઈ ગામીત પોલીસ વિભાગમાં 2011માં ભરતી થયા હતા અને તેઓ પ્રથમ હેડક્વાર્ટર તાપી ખાતે ફરજ બજાવી હતી.

અન્ય સમાચારો પણ છે...