દક્ષિણ ઝોનકક્ષા અંડર-14 ,17 ઓપન વયજૂથની ભાઇઓ-બહેનો માટે ખોખો સ્પર્ધાઓનો શુભારંભ કાર્યક્રમ જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.કાપડીયાના અધ્યક્ષસ્થાને તથા જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલ સહિત મહાનુભાવોની ઉપસ્થિતીમાં આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, વ્યારા ખાતે યોજાયો હતો.
ડીડીઓ ડી. ડી. કાપડીયાએ ખેલાડીઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે, ખેલ મહાકુંભ હેઠળ 22 પ્રકારની ઓલમ્પીક-નોન ઓલમ્પીક સ્પર્ધાઓની પસંદગી એ રીતે કરવામાં આવી છે કે જે નાના બાળકથી લઇ 60 વર્ષથી ઉપરના નાગરિકો પણ ભાગ લઇ શકે છે. તાપી જિલ્લાને ઝોન કક્ષા સાથે-સાથે રાજ્યકક્ષાની સ્પર્ધાઓનું આયોજન કરવાની તક મળી છે જે સમગ્ર તાપી જિલ્લા વહિવટી તંત્ર અને નાગરિકો માટે ગર્વની બાબત છે.
તાપી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલે જણાવ્યું હતું કે, જીવનમાં રમતનું મહત્વ છે. ખેલમહાકુંભનો ઉદ્દેશ્ય આપણી જુની ભાતીગળ અને વિસરાતી રમતોને નવજીવન આપી સાથે જોડાયેલા રમત વિરોની પ્રતિભાને ઉજાગર કરવાનો છે. રમત આપણને જાતી, ધર્મ, પ્રદેશ જેવા ભેદભાવો ભુલી એક ટીમ તરીકે એક સાથે રમવાની ભાવના કેળવે છે.
જ્યારે ખેલાડીઓ ટીમ થઇને રમે છે ત્યારે ડિસીપ્લીન, એકતા જેવા ગુણો કેળવાય છે. ગુણો જીવનભર તેઓના અંદર જળવાઇ રહે છે. જે સશક્ત સમાજના નિર્માણમાં ભાગીદાર બનાવે છે. આ તાલમેલ સમાજમાં હોય તો સમાજનો સર્વાંગી વિકાસ થાય છે. આ ભાવના ખેલાડીમાં હોવી જરૂરી છે. શ્રેષ્ઠ દેખાવ કરવા ટીમોને પ્રોત્સાહિત કરી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર સુધી પહોચી પ્રતિભા સિધ્ધ કરવા આહવાન કર્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.