ડોલવણના ગડત ગામે નિરાધાર વિધવાની આર્થિક પરિસ્થિતિ બાબતે જાણ થતાં તાપી કલેકટર ભાર્ગવી દવે ડોલવણ તાલુકાના ગડત ગામે નિરાધાર વિધવા મહિલાના ઘરે વહીવટીતંત્રની ટીમ સાથે પહોંચ્યા અને સરકારી યોજનાકીય લાભો આ પરિવારને તાત્કાલિક સ્થળ પર જ મળી રહે તે માટે સબંધિત અધિકારીઓને તાકીદ કરી હતી. કલેક્ટર દ્વારા મહિલા અને તેમની પૌત્રીઓને જરૂરી તમામ સરકારી સહાય મળે એ માટે અધિકારીને સૂચનો પણ કર્યા હતા.
તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના ગડત ગામના ગોડાઉન ફળિયામાં રહેતા વિધવા વન્તીબહેનનો પરિવાર નિરાધાર હોવાની માહિતી મળતા જ કલેકટર ભાર્ગવી દવે તાબડતોબ જીલ્લા વહીવટી તંત્રની ટીમ સાથે આ પરિવારની મુલાકાતે પહોંચ્યા હતા. ખરેખર જ જ્યારે આ પરિવારની સ્થિતિ નિહાળી અને દિવ્યાંગ બાળકોની દયનીય હાલત વિશે તાગ મેળવ્યો ત્યારે કલેકટર સુશ્રી ભાર્ગવી દવેનું માતૃહ્દય દ્રવી ઉઠ્યું. આ પરિવારને શક્ય એટલી બધી જ યોજનાકીય મદદ કરવા માટે સબંધિત અધિકારીશ્રીઓને તાકીદ કરી નિરાધાર પરિવારને પુરી મદદની ખાત્રી આપી હતી.
ગડત ગામના વન્તીબેન ગામીતની કહાની હ્દયદ્રાવક છે. તેમની માનસિક સંતુલન ગુમાવેલી દિકરીના એક દિકરો અને દિકરી, આ બંને સંતાનો દિવ્યાંગ છે. આ લોકોના આધારકાર્ડ પણ નથી અને યોજનાકીય લાભો માટે આધાર પુરાવા હોવા જરૂરી છે. ત્યારે આ ડોક્યુમેન્ટસ તૈયાર કરવા માટે તલાટીને તાકીદ કરી ઝડપથી આ પરિવારને મદદ કરવા સૂચના આપી હતી. રાજ્ય સરકાર દ્વારા ગુડ ગર્વનન્સ થીમને પ્રાધાન્ય આપી શ્રેષ્ઠ કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે કલેકટર ભાર્ગવી દવેના માર્ગદર્શન હેઠળ મામલતદાર હાર્દિક સતાસીયા, બાળ અને સમાજ સુરક્ષા અધિકારી, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી જયદિપ ગામીત અને તલાટીએ નિરાધાર પરિવારને મદદ કરવાની કવાયત હાથ ધરાઇ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.