ટેન્કરે બાઈક ચાલકને કચડ્યો:સોનગઢ-ઉકાઈ રસ્તા પર ટેન્કર ચાલકે બાઈકને અડફેટે લીધું, વાગદા ગામના યુવકનું સારવાર દરમિયાન મોત

તાપી (વ્યારા)4 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • અજાણ્યા ટેન્કર ચાલક સામે ઉકાઇ પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે ગુનો દાખલ કર્યો

સોનગઢ-ઉકાઈ રસ્તા પર ટેન્કર ચાલકે પોતાનું વાહન ગફલત ભરી રીતે હંકારી બાઈકને હડફેટે લેતાં વાગદા ગામના શખ્સનું સારવાર દરમિયાન મોત થયું હતું. ​​​​​ઘટનાને પગલે ઉકાઈ પોલીસે ટેન્કર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

ટેન્કર ચાલકે બાઈકને હડફેટે લીધું
સોનગઢના વાગદા ગામે નદી ફળિયામાં રહેતાં અવિત ભાઈ સુભાષ ભાઈ ગામીત ગુરુવારે સાંજના સમયે યામાહ બાઈક નંબર GJ/૦૫/MS/3458 લઇ સોનગઢ તરફ આવ્યા હતાં. આ સમયે વ્યારા ખાતે નોકરી કરતાં અવિત ગામીતનો મિત્ર યોહાન ગામીત અને ઇન્દ્રજીત ગામીત બંને રહેવાસી ગુણસદા તેને મળ્યાં હતા અને ત્રણે મિત્રો મોડે સુધી સોનગઢ ખાતે વાતચીત કરતાં બેઠા હતાં. રાત્રે 9:45 કલાકના સમયે અવિત અને યોહાન ગામીત પોતપોતાની બાઇક લઈને જ્યારે ઇન્દ્રજીત ભાઈ કાર લઈ ઘર તરફ જવા નીકળ્યા હતા.

બાઈક ચાલકને ગંભીર હાલતમાં સારવાર અર્થે ખસેડાયો હતો​​​​​​​
​​​​​​​અવિત પોતાની યામાહા બાઇક પર આગળ ચાલતો હોય ગુણસદા ગામના હાર્દિક પેટ્રોલપંપ પાસેથી પસાર થતો હતો. ત્યારે એક ટેન્કર ચાલક પોતાનું વાહન ગફલત ભરી રીતે હંકારી પેટ્રોલપંપથી ડીઝલ ભરાવી અચાનક રોડ તરફ આવી ગયો હતો અને તેણે અવિતની બાઇકને અડફેટે લઈ લીધી હતી.

પોલીસે ટેન્કર ચાલક સામે ગુનો નોંધ્યો
આ અકસ્માતના બનાવમાં અવિત રોડ પર ફેંકાઇ ગયો હતો અને માથામાં અને શરીરે ગંભીર ઇજા પામ્યો હતો. આ અકસ્માત અંગે તેની પાછળ જ આવી રહેલાં મિત્રોને જાણ થતાં તેઓ ગંભીર ઇજાગ્રસ્ત અવિત ગામીતને પોતાની કારમાં સોનગઢ ખાતે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને બાદમાં તેને વધુ સારવાર માટે વ્યારા રેફરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન અવિત ગામીતનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે યોહાન ગામિતે અજાણ્યા ટેન્કર ચાલક સામે ઉકાઇ પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...