ટેકનોલોજી:તાપી જિલ્લામાં પણ ડ્રોન વડે દવાના છંટકાવનો પ્રારંભ

વ્યારા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કૃષિ વિમાન દ્વારા ઓછા ખાતરથી વધુ જમીનમાં છંટકાવ શક્ય બનતા ખેડૂતોના નાણાની બચત

તાપી જિલ્લામાં સૌ પ્રથમવાર વાલોડ તાલુકાના હથુકા ગામના પ્રગતિશીલ ખેડૂત ભરતભાઇ પરસોત્તમભાઇ પટેલે પોતાના 5 એકર ખેતર માટે કૃષિ વિમાનનો પ્રથમ વખત ઉપયોગ તાપી જિલ્લા ખેતીવાડી વિભાગ અનેવાલોડ તાલુકાના કોપર સુગર ફક્ટરી દાદરીયાના માર્ગદર્શન હેઠળ કરી રહ્યા છે.

ખેડૂત ભરતભાઇના જણાવ્યા મુજબ મે આજે નેનો યુરિયાનો છંટકાવ કરવાની શરૂઆત કરી છે. મારા 10 એકરના ખેતરમાં એક જ દિવસમાં ખાતરનો છંટકાવ થઇ ગયો જેથી સમયની પણ બચત થઇ અને મજૂરનો પણ ખર્ચો બચ્યો. તમામ ખેડૂતો આનો ઉપયોગ કરે તો ફાયદો છે. પહેલા હુ 10 એકરના ખેતરમાં 30 ગુણ યુરિયા નાખતો હતો.

આજે કૃષિ વિમાનની મદદથી 10 લીટરમાં આખા ખેતરમાં યુરિયાનો છંટકાવ થતા ખાતર ખર્ચમા બચત થઇ છે. તાપી જિલ્લા ખેતીવાડી અધિકારી ચેતન ગરાસીયા આ અંગે જણાવે છે કે, તાપી જિલ્લામાં નેનો યુરિયાનો છંટકાવ વાલોડ, સોનગઢ અને નિઝર તાલુકાઓમાં કૃષિ વિમાન દ્વારા સ્પ્રે કરવામાં આવી રહ્યો છે. જે અન્વયે ખેડૂતો તરફથી ખૂબ સારા પ્રતિભાવો મળી રહ્યા છે. કૃષિ વિમાન યોજના હેઠળ સરકારશ્રી દ્વારા પ્રતિ એકર 500રૂપિયા યુરિયાના છંટકાવ માટે સહાય પણ આપવામાં આવે છે.

સમય અને નાણાની બચતની સાથે દવાની અસરકારતામાં વધારો
ખેડુતો દ્વારા સામાન્ય રીતે મજુરો પાસે પાક સંરક્ષણ રસાયણ/નેનો યુરીયા/FCO માન્ય પ્રવાહી ખાતરો/જૈવિક ખાતરનો પાકમાં છંટકાવ કરવામાં આવે છે. આ પરંપરાગત પધ્ધતિમાં વધુ સમય તથા વધુ પાણીની જરૂર પડે છે. જેની સામે છંટકાવ કરેલા રસાયણ તથા ખાતરોની અસરકારકતા પણ ઓછી જોવા મળે છે.

જે માટે અધ્યતન ડ્રોન ટેકનોલોજી (કૃષિ વિમાન)ના ઉપયોગથી સમય તથા પાણીનો બચાવ કરવાની સાથે છંટકાવ કરવામાં આવતા પાક સંરક્ષક રસાયણ અને ખાતરના છંટકાવની અસરકારકતા પણ વધુ મેળવી શકાય છે તથા મજુરોની અછત જેવી સમસ્યાઓ પણ નિવારી શકાય છે. તાપી જિલ્લામાં આ યોજનાનો વધુમાં વધુ લાભ લેવા માટે ગ્રામ સેવક, વિસ્તરણ અધિકારી કે જિલ્લાના કૃષિ વિભાગનો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા અનુરોધ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...