ગુજરાત પોલીસના ‘સીટીઝન ફર્સ્ટ’ એપ અને પોર્ટલ ઉપર E-FIR સેવા ઉપલબ્ધ કરાઈ છે. જેના અનુસંધાને તાપી જિલ્લામાં વ્યારા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષસ્થાને તથા જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.કાપડીયા, જિલ્લા પોલીસ અધીક્ષક રાહુલ પટેલની ઉપસ્થિતીમાં એક દિવસીય સેમીનારનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે જિલ્લા પોલીસ અધીક્ષક રાહુલ પટેલે પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે, આજના મોબાઇલ યુગમાં ટેકનોલોજી સાથે સાથે ગુનાના પ્રકાર પણ બદલાયા છે. જેમાં લોટરી માટે ફોન કે એસએમએસ, ઓટીપી માંગવા, ઓનલાઇન ટ્રાન્ઝેક્શન કે બેંકમાથી ફોન જેવી મીસલીડીંગ ફોન કે મેસેજ આવવા જેવા અનેક ફ્રોડના બનાવો બને છે. ત્યારે આ અંગે જાગૃતતા કેળવવી ખુબ જરૂરી છે. તેમણે ‘સીટીઝન ફર્સ્ટ’ એપ સાથે સાથે ગુજરાત પોલીસના વિવિધ ઓનલાઇન આયમોનો ઉપયોગ કરવા ખાસ અનુરોધ કર્યો હતો.
નાગરિકોને આંગણીના ટેરવે પોલીસ વિભાગની વિવિધ સેવાઓ મળશે
સેમીનારમાં પી.આઇ કે.બી.ઝાલાએ ‘સીટીઝન ફર્સ્ટ’ ગુજરાત પોલીસ મોબાઇલ એપમાં E-FIRના ઉપયોગ અંગે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે, નાગરિકોને આંગણીના ટેરવે પોલીસ વિભાગની વિવિધ સેવાઓ મળે અને ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને પોલીસ સ્ટેશન આવવુ ના પડે તે માટે E-FIRની શરૂઆત કરવામાં આવી છે. તેમણે E-FIR ના ઉપયોગ માટે ગુગલ પ્લે સ્ટોરમાં જઇ ‘સીટીઝન ફર્સ્ટ’ એપ ડાઉનલોડ કરવા અને તેમા સામેલ વિવિધ સેવાઓમાંથી E-FIRનો ઉપયોગ કરવા ખાસ અપીલ કરી હતી.
સૌને જાગૃત બની નિયમોના પાલન કરવા અનુરોધ કર્યો
આ ઉપરાંત સાઇબર સુરક્ષા અને ટ્રાફિક અવેરનેશ માટે પણ વિસતૃત જાણકારી આપી સૌને જાગૃત બની નિયમોના પાલન કરવા અનુરોધ કર્યો હતો. સેમીનારમાં ‘સીટીઝન ફર્સ્ટ’ ગુજરાત પોલીસ મોબાઇલ એપમાં E-FIR અંગે, ટ્રાફિક અવેરનેસ, સાયબર સુરક્ષા, રોડ સેફ્ટી અંગે વિવિધ વિડિયો ક્લીપ નીહાળી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન લોટરવા પ્રા.શાળાના જીલેશભાઇ એ અને આભારદર્શન DYSP ચંદ્રસિંહ જાડેજાએ કર્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓએ બહોળી સંખ્યામાં ‘સીટીઝન ફર્સ્ટ’ એપ ડાઉનલોડ કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
વધુ ઝડપથી અને વધુ પારદર્શી રીતે પોલીસ સેવા લોકો સુધી પહોંચશે
આ ઓનલાઈન ફરીયાદ નોંધાયા અંગેની તથા તપાસમાં થયેલ પ્રગતિની જાણ પણ ફરીયાદીને Email-SMS થી કરવામાં આવશે. સાથેસાથે પોલીસ દ્વારા વીમા કંપનીને પણ Email- SMS દ્વારા જાણ કરાશે. જેથી ફરીયાદીને તેના વાહન-મોબાઇલ ચોરી અંગેના વીમાનો ક્લેઈમ સરળતાથી મળી શકે. ઓનલાઈન સેવા હોવાથી લોકોને પોલીસ સ્ટેશન જઈ ફરીયાદ નોંધાવાની જરૂર નહી રહે. નાગરિકોના સમયનો બચાવ થશે અને ફરીયાદોનો ત્વરીત નિકાલ થશે. આમ, ટેક્નોલોજી આધારિત આ ફેસલેસ વ્યવસ્થાથી નાગરિકોની સુગમતામાં વધારો થશે અને વધુ ઝડપથી અને વધુ પારદર્શી રીતે પોલીસ સેવા લોકો સુધી પહોંચાડી શકાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.