શુભારંભ:વ્યારામાં સખી મેળો તેમજ વંદે ગુજરાત પ્રદર્શન શરૂ

વ્યારા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અઠવાડિયા માટે 50થી વધુ સખી મડળનાં સ્ટોલ મૂકાયા

વ્યારા સ્થિત દક્ષિણાપથ ગ્રામ સેવા સમાજ ગ્રાઉન્ડ ખાતે કૃષિ, ઊર્જા, અને પેટ્રોકેમિકલ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી અને તાપી જિલ્લા પ્રભારી મંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને સખી મેળો તેમજ વંદે ગુજરાત પ્રદર્શન નો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ વેળાએ સાંસદ પ્રભુભાઇ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ સુરજભાઇ વસાવા સહિત અન્ય મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.

અધ્યક્ષસ્થાનેથી મંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યુ હતું કે, આજે યોજાયેલા પ્રદર્શનનો હેતું ભાવી પેઢીને વર્તમાન સરકારના 20 વર્ષના શાસન દરમિયાન ગુજરાત રાજ્યમા આવેલ પરિવર્તનનો પરિચય કરવાનો છે. તેમણે તાપી જિલ્લા વહિવટી તંત્રની સરાહના કરતા જણાવ્યું હતું કે, તમામ પ્રકારની સરકારી યોજનાઓનો અમલ જો કોઇ જિલ્લામાં થતો હોય તો તે તાપી જિલ્લો છે. વધુમાં વધુ કાર્યરત સખી મંડળો તાપી જિલ્લામાં છે.

આ પ્રસંગે સાંસદ પ્રભુભાઇ વસાવાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળ વર્તમાન સરકાર પુરી ધગશ અને કુનેહ સાથે ગુજરાતને નવી રાહ બતાવી રહ્યા છે. મહિલાઓ આર્થિક રીતે પગભર બની શકે તે માટે સરકારની અનેકવિધ યોજનાઓ અમલી છે. તાપી જિલ્લામાં સખી મંડળની મહિલાઓ દ્વારા ઉચ્ચ કોટીની કામગીરી કરવામાં આવી રહી છે. જેની નોંધ રાજ્યસરકાર સુધી લેવાઇ રહી છે. વધુમાં તેમણે સખી મંડળોને પોતાની પ્રતિભા નગરજનો સમક્ષ મુકવા ઇ-રીક્ષા અપાવવા સાંસદ નિધી ફંડમાંથી સહાય કરવાની તત્પરતા દાખવી હતી.

કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણીયાએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, સખીમંડળો દ્વારા વિવિધ કલાત્મક વસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવે છે. જેમાં સ્થાનિક લોકોને મદદ કરવાની ભાવના રાખી તમામે આ મેળાનો લાભ લેવો જોઇએ.

વ્યારાના મેળામાં 50થી વધુ સ્ટોલ ખાતે ગ્રામિણ મહિલાઓ દ્વારા તૈયાર કરેલ વિવિધ હેન્ડીક્રાફ્ટની ચીજવસ્તુઓ, બામ્બુક્રાફ્ટ, હેન્ડલુમ, ઓર્ગેનિક હર્બલ પ્રોડક્ટ, આર્ટીફિશિયલ જ્વેલરી, નારીયેળના રેશાની બનાવટો, વિવિધ પ્રકારનાં અથાણાં અને પાપડ અને મસાલાઓ તેમજ પારંપારિક જાત-જાતની વાનગીઓ સહિતની ચીજવસ્તુઓના સ્ટોલ ઉપલબ્ધ છે.

અન્ય સમાચારો પણ છે...