તાપી જિલ્લાના બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન દ્વારા જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.કાપડિયાના અધ્યક્ષસ્થાને સખી મંડળની બહેનો માટે બીસી સખી કે બેંક સખી બહેનો તરીકે કામગીરી કરવા અંગે માર્ગદર્શક બેઠકનું આયોજન RSETI ભવન, ઇન્દુ ગામ ખાતે કરવામાં આવ્યું હતું. વ્યારામાં અધ્યક્ષસ્થાનેથી જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.કાપડિયાએ બહેનોને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે, ગ્રામ્ય કક્ષાએ બેન્કીંગ અંગે વન સ્ટોપ ડિલીવરી તરીકે બેંક સખીઓ કામ કરશે.
એટલે કે ગ્રામ્ય કક્ષાએ લોકોને બેંકમા મળતી તમામ સુવિધાઓ જેમાં નવુ એકાઉન્ટ ખોલવા અંગે, પૈસા જમા અને ઉપાડ, મોબાઇલ રિચાર્જ, ગેસ, લાઇટ, ટીવીનું બીલ ભરવું, ટ્રેન, બસ, ફ્લાઇટનું બુકિંગ કરવું, ઇન્સ્યોરન્સના પૈસા ભરવા, પશુ કે પાકનું ઇન્સ્યોરન્સ કઢાવવુ વગેરે જેવા કામો સરળતાથી ગ્રામ્ય સ્તરે બેંક સખી મારફત કરી શકાશે.
તેમણે બહેનોને કોઇ પણ એક બેંક સાથે જોડાઇ સખી તરીકે કામગીરી શરૂ કરવા અંગે અને તેના દ્વારા મળતા વિવિધ કમીશન વડે પોતાને આર્થિક રીતે પગભર બનાવવા અંગે જાણકારી આપી હતી. વધુમાં તેમણે બીસી સખી તરીકે જોડાતી બહેનોને ડીઆરડીએ દ્વારા મળતા 75 હજારની લોન જે-તે બેંક દ્વારા આપવામાં આવતા વિવિધ ફાયદા અંગે વિસ્તૃત જાણકારી આપી વધુમાં વધુ બહેનોને બીસી સખી તરીકે જોડાવા ખાસ આગ્રહ કર્યો હતો.
અત્રે ઉલ્લેખનિય છે કે, બેંક મિત્ર વન જીપી વન બીસી ટ્રેનિગ હેઠળ બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન દ્વારા જિલ્લાના 204 બહેનોને બીસી સખી તરીકે કામગીરી કરવા માટે તાલીમ આપવામાં આવી છે. બીસી સખી કે બેંક સખી તરીકે કામ કરવા સીએસસી આઇડી જરૂરી છે.
જેના થકી 10 સખી મંડળના જુથને ભેગા મળી 1 વીઓ આપવામાં આવે છે. વીઓ મળ્યા બાદ બહેનો પોતાની વ્યવસ્થા અનુસાર ગ્રામ પંચાયત, દૂધ મંડળી અથવા પોતાના ઘરે કે જેઓ સ્થળે જઇ બીસી સખી કે બેંક સખી તરીકે કામગીરી કરશે.
હાલ 51 બહેનોને આઇડી મળી છે અને તેઓ ગ્રામ્ય સ્તરે સારી રીતે કામગીરી કરી રહ્યા છે. જેમાં મનરેગા હેઠળ મળતા વેતન, દૂધ મંડળીની રકમ વગેરેને સ્થળ ઉપર પૈસા ઉપાડી આપવામાં આવે છે. વધુમાં બેંક સખીઓ જે-તે ઘરે જઇને પણ બેંકના કામો સરળતાથી કરી રહી છે. જેના થકી નાગરિકોને બેંક સુધી જવાની જરૂર પડતી નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.