તાપી જિલ્લાના વાસમો વિભાગ સરકારી ચોપડે સો ટકા કામો પૂરા થયા હોવાના દાવા કરે છે, પરંતુ વાસ્તવિકતાઓ તદ્દન જુદી છે. ડોલવણના કાકડવા ગામોમાં દિવ્યભાસ્કરની ટીમ પહોંચી હતી. તપાસ કરતા ગામમાં વાસ્મો વિભાગના 4 સંપ છે, જેમાં દસ ફળિયામાં 800 ઘરોમાં 800 નળ કનેક્શન છે. જેમાં પાણીનું વિતરણ કરવા નિશાળ ફળિયુ અને કોકણવાણ બે જ સંપમાં પાણી ચાલુ છે, જ્યારે બે સંપમાં પાણી બંધ છે જેને લઈને 600 જેટલા નળ કનેક્શનમાં પાણી પહોંચ્યું જ નથી.
અધિકારીઓ કાગળ પર સારું કામ બતાવી વાહવાહી લઈ રહ્યા છે, હકીકતમાં ચિત્ર કઈક અલગ જોવા મળે છે. ડોલવણ તાલુકાના કાકડવા ખાતે ભર શિયાળે ગ્રામજનોએ પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો છે. તાપી જિલ્લાના કાકડવા ગામમાં 3,000 જેટલી વસ્તી છે, જેમાં વાસમો યોજના અંતર્ગત 4 પાણીના સંપ બનાવ્યા છે. જે સંપમાં વાસ્મો યોજના અંતર્ગત પાણી નહીં આવતા, આ યોજના ગ્રામજનો માટે ધોળા હાથી સમાન બની રહી છે. તાપી જિલ્લા કલેકટર ભાર્ગવી દવે દ્વારા આ ગ્રામજનોની મુલાકાતો લઈ મહિલાઓ સાથે એકવાર ચર્ચા કરે ત્યારે ગામની સાચી હકીકત એમને ખબર પડશે બાકી તંત્ર દ્વારા તેમને તમામ કામો થઈ ગયા હોવાનું જ રટણ ચાલુ રાખશે.
માત્ર કાગળ પર જ કામ પૂર્ણ થયાનું બતાવાઈ રહ્યું છે
ડોલવણ તાલુકાના કાકડવા ગામના પરિમલ ફળિયામાં પાણીના સંપ માં આજ દિન સુધી પાણી નથી આવ્યું ફળિયા વાસીઓમાં રોષ વ્યાપી રહ્યો છે. તસવીર સંદીપસિંહ ગોડાદરિયા
આ બાબતે તંત્ર ગંભીરતા દાખવે
ગામમાં સુવિધા વધે માટે વાસ્મો વિભાગ દ્વારા સંપ બનાવી 800 જેટલા ઘરોમાં કનેક્શન આપી દીધા હતા. પરંતુ માત્ર બે જ ફળિયામાં સંપથી પાણી ચાલુ છે. બાકી વાસ્મો યોજનાના 600થી વધુ નળોમાં પાણી પહોંચ્યું નથી. આ બાબતે તંત્ર ગંભીરતા દાખવે અને ગ્રામજનોના દરેક નળમાં પાણી આવે એવી અમારી માગ છે. > શાંતિલાલ ચૌધરી ,આગેવાન કાકડવા ગામ
પાણી પુરવઠા તરફથી હાલ પાણી અપાય છે
એક વર્ષથી ગ્રામ પંચાયતનો ચાર્જ લીધો છે. વાસ્મો દ્વારા કેટલાક સ્થળોએ ટેસ્ટીંગ કરી નળમાં પાણી ચાલુ કરી દીધું હતું જો કે હાલ સંપમાં પાણી જ નથી, અત્યારે જે પણ પાણી આવે છે. તે પાણી પુરવઠા વિભાગ તરફથી અપાઈ રહ્યું છે. હાલ ગામમાં પાણીની તકલીફ છે. > ધર્મેશ ચૌધરી, કાકડવા સરપંચ
અમારે પાણી લેવા એક કિમી દૂર જવુ પડે
પરિમલ ફળિયામાં નળ તો મૂકવામાં આવ્યા છે પણ આજ દિન સુધી પાણી આવ્યું નથી. અમારે પાણી લેવા માટે એક કિલોમીટર દૂર સુધી જવું પડે છે અમને પાણીની સુવિધાઓ આપો. > મંજુલાબેન ચૌધરી
રોજ પાણીની કડાકૂટથી કંટાળી ગયા છે
નળ કનેક્શન મૂકી દેવાયા છે, પરંતુ પાણી ક્યારે આવશે તે ખબર પડતી નથી રોજે રોજ પાણીની કડાકૂટથી કંટાળી ગયા છે. મહેરબાની કરીને નળમાં પાણી નીકળે એવું કરો. > ઇલાબેન ચૌધરી, પરિમલ ફળિયા
સંકલન કરી પાણી પુરવઠો શરૂ કરીશું
ડોલવણ તાલુકાના કાકડવા ગામે જ પરિસ્થિતિ ચકાસવા સ્થળ પર જ આવ્યા છે. સરકારના બે વિભાગનો સંકલન કરી પાણીના પુરવઠો શરૂ કરવામાં આવશે અને બધી જ પ્રકારની મદદ તંત્ર દ્વારા કરાશે. > અંકિતભાઈ ગરાસીયા વાસ્મો અધિકારી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.