આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દીનદયાળ અંત્યોદય યોજના - રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત સ્વ-સહાય જૂથો માટે બેંક લિંકેજ અન્વયે કેશ ક્રેડીટ કેમ્પનું આયોજન કલેક્ટરના અધ્યક્ષસ્થાને તથા જિલ્લા વિકાસ અધિકારી સહિત મહાનુભાવોની ઉપસ્થિતીમાં ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ, વ્યારા ખાતે કરવામાં આવ્યું હતું.
કલેકટરએ બહેનોને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, તાપી જિલ્લાના ઘણી સખી મંડળની બહેનો ખૂબ જ પ્રેરણાદાયી કામગીરી રહી છે. આ સહાયનો ઉપયોગ પોતે આત્મનિર્ભર બનવા અને પોતાના સમાજને આત્મનિર્ભર બનાવવાની જરૂર છે. હાલ લોકો આરોગ્ય પ્રત્યે વધુ સજાગ થયા છે જેના પગલે પ્રાકૃતિક ખેતીના પાકને વધુ સારૂ માર્કેટ મળી રહ્યુ છે. જો સખી મંડળની બહેનો પોતાના ક્ષેત્રના પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતોના પાક ખરીદી તેની બ્રાન્ડીંગ કરી વેચે તો ખેડૂતો અને સખી મંડળ બન્ને સારી આવક મેળવી શકે છે. તેમણે બહેનોને મળેલી સહાયનો ઉપયોગ સુવ્યવસ્થિત રીતે કરવા અને આવકના મુખ્ય પ્રવાહમાં જોડાવા ખાસ આગ્રહ કર્યો હતો.
જિલ્લામાં 9904 સખી મંડળો નોંધાયા છે, જેમાંથી 6325 મંડળો એક્ટીવ છે. જે ઓર્ગેનિક ખેતી, પાપડ ઉદ્યોગ, મસાલા, મંડપ, ખુરશી, કેન્ટીન, વગેરે જેવા નાના મોટા ઉદ્યોગો સાથે સંકળાય આર્થિક ઉપાર્જન કરી રહી છે. તાપી જિલ્લાની ઇનએક્ટીવ સખી મંડળો એકટીવ બની વિવિધ કામોમા સંકળાય અને જિલ્લામાં વિવિધ ઉદ્યોગો દ્વારા જિલ્લાના પૈસા જિલ્લામાં મહત્તમ ઉપયોગમાં આવે એ દિશામાં કામ કરવાની જરૂર છે. ડોલવણના ધામણ દેવીની જય અંબે સખી મંડળની બહેનો ટ્રેકટર શીખી છે. બોરખડીની બહેનો નારીયેળના છાલમાંથી ગણપતીની મુર્તીઓ બનાવી 200થી વધુ મુર્તીઓનું વેચાણ કર્યું છે.
ચીખલીના અંજનાબેન ગામીત મશરૂમની ખેતી દ્વારા આત્મનિર્ભર બન્યા છે. તાપી જિલ્લામાં એક સખી મંડળ સીમેન્ટના વિક્રેતા બન્યા છે તો એકે ડીજે શરૂ કર્યું. આમ જિલ્લાના અનેક બહેનોએ મીશન મંગલમ યોજના ઉપર વિશ્વાસ રાખી જોડાવું લાભકારક બન્યું છે. અત્યાર સુધી 9206 સ્વ-સહાય જુથોને 7 કરોડ 21 લાખ રૂપિયાનું રિવોલ્વીંગ ફંડ આપવામાં આવ્યું છે. તથા કુલ 479 ગ્રામ સંઘઠનોની (VO) રચના કરવામાં આવી છે. તે પૈકી આજદિન સુધી 350 ગ્રામ સંગઠનોની (VO) ને 13 કરોડ 45 લાખ રૂપિયાનું કોમ્યુનિટી ઈન્વેસ્ટમેન્ટ ફંડ આપવામાં આવ્યુ છે.
આ ફંડ દ્વારા જિલ્લાની મહિલાઓને આર્થિક સધ્ધર કરવાનો પ્રયાસ જિલ્લા તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે. બહેનોને ક્વોન્ટીટી ઉપર નહી પરંતું ક્વોલીટી ઉપર ધ્યાન રાખી પશુપાલન અને વ્યવસાય કરવા અનુરોધ કર્યો હતો. વધુમાં તેમણે કોમ્યુનિટી ઈન્વેસ્ટમેન્ટ ફંડનો ઉપયોગ કરીને 50 કડકનાથ મરઘા ઉછેર યુનિટ, 12 મશરૂમ ઉત્પાદનના યુનિટ, 3 રાઇસ મીલ, 22.મસાલા ઉત્પાદનના યુનીટ, 11 બી.સી.પોઇન્ટ યુનિટ અને 3.પાપડ ઉત્પાદન યુનિટ શરૂ કર્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.