વ્યારા નગરપાલિકા દ્વારા સોમવારના રોજથી નગરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક બાબતે ચકાસણી હાથ ધરી દીધી હતી. ગતરોજ સામાન્ય જથ્થો કબજે કર્યા બાદ મંગળવારે ફરી નગરપાલિકાની ટીમ દ્વારા વ્યારા નગરમાં ચેકિંગ કર્યું હતું, જેમાં 110 કિલો પ્લાસ્ટિકનો જથ્થો કબજે કરી જથ્થા રાખનાર દુકાનદારોને 3,500 નો દંડ ફટકારી દેતા વ્યારા નગરમાં પ્લાસ્ટિકના ઉપયોગ કરતા લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
વ્યારા નગરપાલિકા દ્વારા વ્યારા નગરમાં પ્લાસ્ટિક અટકાવવા માટે મેદાનમાં આવી હતી. સોમવારના રોજ વ્યારા નગરમાં કેટલાક સ્થળેથી સામાન્ય પ્લાસ્ટિકના જથ્થો પકડી લીધા બાદ બીજા દિવસે વ્યારા નગરપાલિકાના આરોગ્ય વિભાગના સેનેટરી કમ ફૂડ ઇન્સ્પેક્ટર રાજેશભાઈ શેઠ તેમજ સબ સેનેટરી ઇન્સ્પેક્ટર સુરેશભાઈ રાણા તેમજ સુપરવાઇઝર સંજયભાઈ રાણા, મલય ભાઈ વ્યાસ અને ટીમ દ્વારા વ્યારા નગરપાલિકાના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધર્યું હતું.
અંદાજિત ત્રીસ થી વધુ દુકાનોમાં ચેકિંગ કર્યા બાદ પાલિકાના અધિકારીઓ દ્વારા પ્રતિબંધિત 110 કિલો પ્લાસ્ટિક કબજે કર્યુ હતુ તેમ જ દુકાનદારો પાસેથી 3,500 નો ચાર્જ વસૂલ કરી કાર્યવાહી હાથ ધરી હતી. પાલિકા દ્વારા અવારનવાર તમામ વિસ્તારોમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક બાબતે ચેકિંગ હાથ ધરે એવી જાગૃત નગરજનોની માગ ઉઠી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.