કાર્યવાહી:વિકાસ કામોમાં 2 વર્ષથી ગાફેલ તાપીની 86 ગ્રામ પંચાયતને નોટિસ

સોનગઢ-વ્યારાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તમામને 14મી જાન્યુઆરી 2023 સુધીમાં પૂર્ણ કરવા કડક સૂચના
  • મંજૂરી મળી ગઈ હોવા છતાં પ્રજાલક્ષી કામો હાથ ન ધરાતા કાર્યવાહી

તાપી જિલ્લાના ખાસ કરીને વ્યારા અને સોનગઢ તાલુકાના ગામડાંના સરપંચ અને તલાટી દ્વારા ગ્રામ્ય કક્ષાના પ્રજાલક્ષી વિકાસના કામો સમય મર્યાદામાં 2 વર્ષથી શરૂ કરવામાં આવ્યા ન હોય, જે બાબત જિલ્લા વિકાસ અધિકારી ડી. ડી. કાપડિયાને ધ્યાને આવતા 86 ગ્રામપંચાયતમાં સરપંચ સહિત અધિકારીઓને લેખિત નોટિસ ફટકારી ખુલાસો માંગતા જિલ્લાના સરપંચોમાં ફફડાટ ઉભો થયો છે.

ગુજરાત સરકાર ગ્રામ્ય કક્ષાએ વિકાસના કામો હાથ ધરવા માટે તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયત મારફત જુદા જુદા વિકાસ કામો માટે ગ્રાન્ટ ફાળવે છે.આ ગ્રાન્ટના નાણાંમાંથી ગામડામાં વિકાસના કામો કરવાના હોય છે. એ સાથે જ આ કામો સમય મર્યાદામાં પણ પૂર્ણ કરવાના હોય છે.

જોકે તાલુકા કક્ષાએથી આવા પ્રજા હિતના વિકાસ કામો પૂર્ણ કરવા માટે યોગ્ય સૂચના આપવામાં આવતી ન હોય, ગામડામાં સમયસર કામો શરૂ થતાં નથી. આ બાબત તાપીના જિલ્લા વિકાસ અધિકારીને ધ્યાને આવી હતી.

આ 5 તાલુકાની ગ્રામપંચાયતના જવાબદારોને નોટીસ
વર્ષ 2021/22 માં વ્યારા તાલુકાની કુલ 33 અને સોનગઢ તાલુકાની કુલ 39 ગ્રામ પંચાયત દ્વારા પ્રજા લક્ષી વિકાસ ના કામો છેલ્લા બે વર્ષ ઉપરાંતનો સમય થયેલ હોવા છતાં સંબંધિત સરપંચ,તલાટી કમ મંત્રી દ્વારા કામો શરૂ કરવામાં આવેલ નથી. ઉચ્છલ તાલુકાની 07, વાલોડની 05 અને કુકરમુંડા તાલુકાની 02 ગ્રામ પંચાયત મળી જિલ્લામાં કુલ 86 ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા કામ શરૂ કરાયા નથી.

બાકી રહેલા કામોની ભૌતિક, નાણાકિય પ્રગતિ નબળી
15 માં નાણાપંચ યોજના હેઠળ જે ગ્રામ પંચાયતના સરપંચ તથા તલાટી કમ મંત્રી દ્વારા બાકી રહેલ કામોની નાણાંકીય અને ભૌતિક પ્રગતિ ઘ ણી જ નબળી છે.જેઓ ને આ તમામ કામો આગામી 14 મી જાન્યુઆરી 2023 સુધી માં પૂર્ણ કરવાના રહેશે એવી સૂચના આપવામાં આવી છે. જિલ્લા કક્ષાની સમીક્ષા બેઠક માં જિલ્લા તાલુકાના અને ગ્રામ્ય તમામ કામો પૂર્ણ કરવા જાણ કરવામાં આવી છે.

મંજૂર થયેલાં કામોની ઝીણવટ ભરી સમીક્ષા થતાં આખું ભોપાળું ખુલ્યું
તાપી જિલ્લા વિકાસ અધિકારી ડી ડી કાપડિયા સાથે મોબાઈલ સંપર્ક સાધી વિગત મેળવવામાં આવી હતી. તેમના જણાવ્યા મુજબ 15 માં નાણાપંચની યોજના હેઠળ નાણાકીય વર્ષ 2020/21 અને 2021/22 ના વિકાસ કામો અંગે તાલુકા અને જિલ્લા કક્ષાના તમામ અમલી કરણ અધિકારીઓ તથા ગ્રામ્યકક્ષાના કામો અંગે જિલ્લા કક્ષાએ વારંવાર અમલી કરણ અધિકારીઓની બેઠકો મેળવવામાં આવી હતી. સાથે જ મંજૂર થયેલ વિકાસ કામોની નાણાકીય અને ભૌતિક પ્રગતિની ઝીણવટ ભરી સમીક્ષા કરી કરવામાં આવેલ હતી. જેમાં આ ભોપાળું બહાર આવ્યું છે. ઈ-ગ્રામ સ્વરાજ પોર્ટલ મારફત ઓનલાઈન ચુકવણું અંગેના જિલ્લા કક્ષાએ રિપોર્ટ જનરેટ કરવામાં આવેલ હતો. જેમાં આ ગ્રામ પંચાયતમાં નાણાંકીય પ્રગતિ શૂન્ય જણાય આવેલ, જે ગ્રામ પંચાયતના સરપંચ તથા તલાટી કમ મંત્રીની પ્રજાલક્ષી કામો કરવામાં નિષ્કાળજી તેમજ પોતાની કામ કરવાની અન આવડતને લીધે કામો શરૂ કરવામાં આવેલ નથી. જેને લઇ પ્રજા વિવિધ સુવિધાથી વંચિત રહેવા પામી છે.

86 ગ્રા. પં.ના સરપંચ તલાટી સહિત આટલા લોકોને નોટીસ
તમામ સંબંધિત કુલ 86 ગ્રામ પંચાયતના સરપંચ,તલાટી કમ મંત્રી,ટેક્નિકલ ,સુપર વાઇઝર સ્ટાફ અને જે તે તાલુકાના તાલુકા વિકાસ અધિકારી સહિતનાઓને કારણ દર્શક નોટિસ આપી છે. આ અંગે ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમો તેમજ શિસ્ત અને અપીલના નિયમો હેઠળ કડક પગલાં લેવા માટેની તાકીદ પણ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...