ભાસ્કર વિશેષ:કોઇ શિક્ષક સામાન્ય નથી,દરેક શ્રેષ્ઠ જ છે : સૂરજ વસાવા

વ્યારા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 100 ટકા પરિણામ ધરાવતી સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓના 14 આચાર્યો પ્રશસ્તિપત્ર એનાયત

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પ્રેરિત તાપી જિલ્લાના શિક્ષણાધિકારીની કચેરી, તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી દ્વારા આયોજિત ૫મી સપ્ટેમ્બર ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિ અને “શિક્ષક દિન” નિમિત્તે તાપી જિલ્લાના પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના તાલુકા અને જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોના સન્માન સમારોહ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સુરજ વસાવાના અધ્યક્ષસ્થાને આર.પી.ચૌહાણ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ વ્યારા ખાતે યોજાયો હતો.

તાપી જિ. પં. પ્રમુખ સુરજ વસાવાએ સારસ્વતોનું સન્માન કરતા જણાવ્યું હતું કે, કોઇ શિક્ષક સામાન્ય નથી, દરેક શિક્ષક શ્રેષ્ઠ છે. તેમણે સૌ શિક્ષકોને વંદનિય વર્ણવ્યા હતા. શિક્ષકોને માતાના પર્યાય તરીકે બાળકના જીવન નિર્માણમાં ઉમદા ભાગીદારી નોંધાવવા અનુરોધ કર્યો હતો. કલેકટર એચ. કે. વઢવાણિયાએ જણાવ્યું હતું કે, આપણા જિલ્લામાં શિક્ષકો દ્વારા વિદ્યાર્થીના શિક્ષક અને વાલી બન્નેની ભૂમિકા નિભાવવામાં આવે છે. જિલ્લામાં 14 શાળાના 100 ટકા પરિણામ આવ્યા છે. જે અન્ય શિક્ષકો માટે પ્રેરણારૂપ છે.

શાળાઓ આ ક્ષેત્રમાં સહભાગી બને તે માટે તેમણે સૌને પ્રેરિત કર્યા હતા. અંતે તેમણે દરેક શિક્ષકને કર્મવિર બની દરેક વિદ્યાર્થીને સમાન ન્યાય આપી તેની પ્રતિભાને ઉજાગર કરવા આહવાન કર્યું હતું. શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રના સાચા ઘડવૈયા એક શિક્ષક છે. તેમણે શિક્ષકોને દરેક વ્યક્તિની સમૃધ્ધિના શિખરે પહોંચાડવા પાયારૂપ ભૂમિકા અદા કરી છે.

સાત શિક્ષકોનું સન્માન કરાયું
આ કાર્યક્રમમાં જિલ્લાકક્ષાના 2 અને તાલુકાના 5 શ્રેષ્ઠ શિક્ષકોને પ્રશસ્તિ પત્ર, શાલ ઓઢાડી અને બુકે આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં જિલ્લા કક્ષામાં પ્રા. શાળા. વ્યાવલ, તા. નિઝરના વિજયભાઇ સેનાભાઇ સામુદ્ર, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, તાપી (કેળવણી નિરીક્ષક) શૈલેષભાઇ ભગવાનભાઇ પરમારને જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત કરાયા હતા. જ્યારે પ્રાથમિક શાળા વાંકલા, તા. ડોલવણના ભાવનાબેન ભરતભાઇ ગામીત, પ્રાથમિક શાળા એક્વાગોલણ, તા. સોનગઢના પ્રવિણભાઇ દિલ્યાભાઇ ગામીત, પ્રાથમિક શાળા ગહિયાલા, તા. ઉચ્છલના હિતેન્દ્રભાઇ રાયસિંગભાઇ ચૌધરી, પ્રાથમિક શાળા કાકડવા તા.ડોલવણના ઉમેશભાઇ મહેન્દ્રભાઇ પટેલ અને પ્રાથમિક શાળા બાલપુર તા. વ્યારાના પ્રિતાબેન ગીરીશભાઇ ગામીતને તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...