તાપી જિલ્લામાં વ્યારાના કૃષિ કેન્દ્ર ખાતે તાજેતરમાં જિલ્લા વિકાસ અધિકારી ડી. ડી. કાપડીયા (IAS)ની અધ્યક્ષતામાં આઉટ સ્કેલીંગ ઓફ નેચરલ ફાર્મિગ થ્રુ કેવિકે અંતર્ગત પ્રાકૃતિક ખેતી વિષય ઉપર જાગૃતતા કાર્યક્રમ યોજાયો હતો. જેમાં તાપી જિલ્લામાંથી 200 થી વધારે ખેડૂત ભાઇ-બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
કાર્યક્રમના અધ્યક્ષ અને તાપી જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી ડી. ડી. કાપડીયા (IAS) એ કેવિકે દ્વારા પ્રાકૃતિક ખેતી માટે કરવામાં આવતી કામગીરીની પ્રશંસા કરી હતી અને વધુમાં ઉમેર્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કરવામાં આવેલ આહવાન મુજબ દરેક તાલુકામાં ઓછામાં ઓછા 75 ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે ખેડૂતોને પ્રોત્સાહિત કરવાની સાથે સાથે તેઓને યોગ્ય માર્ગદર્શન આપવું જરૂરી છે.
તેમણે ભારત સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય હલકા ધાન્ય પાક વર્ષ – 2023 ની ઉજવણી પાછળનો હેતુ પણ ખેડૂતોને સમજાવ્યું હતું. તાપી જિલ્લામાં વન ડિસ્ટ્રીકટ વન પ્રોડકટ તરીકે નિઝર તાલુકાની ગોટી જુવારની પસંદગી કરાઇ તેવી તેમને માહિતી આપી હતી. તેમણે જુવાર પકવતા ખેડૂતો સાથે વાર્તાલાપ પણ કર્યો હતો અને તેમની માર્કેટ વ્યવસ્થા વિશે ચર્ચા કરી માહિતી આપી હતી. તેમણે ખેડૂત મિત્રોને આવનારા વર્ષોમાં પ્રાકૃતિક ખેતી કરવા માટેનો સંક્લ્પ પણ લેવડાવ્યો હતો. કાર્યક્રમની શરૂઆતમાં કેન્દ્રના વડા ડૉ. સી. ડી. પંડયાએ બધાં મહેમાનોને આવકારી કાર્યક્રમની વિગતવાર માહિતી આપી હતી.
ડૉ. પંડયાએ જણાવ્યું હતું કે, આડેધડ અને અસમજપૂર્વકના રાસાયણિક પદાર્થોના ઉપયોગ થકી ખેતીની જમીનની ફળદ્રુપતા અને ઉત્પાદન શક્તિ ઘટી છે. જો પ્રાકૃતિક ખેતી અપનાવીએ તો આ સમસ્યા દૂર કરી શકાય તેમ છે.પ્રો. કુલદીપ રણા, વૈજ્ઞાનિક (પાક ઉત્પાદન) કેવિકે, વ્યારા દ્વારા પ્રાકૃતિક ખેતી એટલે શું, પ્રાકૃતિક ખેતીના ફાયદાઓ અને તકો વિશે વિગતવાર સમજણ આપી હતી.
ડૉ. એચ. આર. જાદવ, વૈજ્ઞાનિક (પાક સંરક્ષણ)એ પ્રાકૃતિક ખેતી દ્વારા કરવામાં આવેલ પાકોમાં રોગ – જીવાત નિયંત્રણ વિશે માર્ગદર્શન આપ્યું હતું. શ્રી ઘનશ્યામ ઢોલે, નાયબ પ્રોજેકટ ડાયરેકટરશ્રી, આત્મા – તાપીએ આત્મા પ્રોજેક્ટની પ્રાકૃતિક ખેતીની યોજનાકીય માહિતી આપી હતી. પિયુષ ચૌધરી, મદદનીશ ખેતી નિયામક – વાલોડ એ પ્રાકૃતિક ખેતીમાં સરકારની ખેડૂતલક્ષી સહાય યોજના વિશે માહિતી આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.