વિધાનસભા સામાન્ય ચુંટણી મુક્ત, ન્યાયી, નિષ્પક્ષ તેમજ શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે તાપી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ત્યારે આજે જિલ્લા સેવા સદન તાપી ખાતે તાપી જિલ્લા ચૂંટણી અધિકારી ભાર્ગવી દવેના અધ્યક્ષસ્થાને તથા કેન્દ્રિય ચૂંટણી ખર્ચ ઓબ્ઝર્વર આનંદકુમાર અને ડીડીઓ ડી. ડી. કાપડિયાની ઉપસ્થિતીમાં જિલ્લાની વિવિધ બેન્કોના બ્રાંચ મેનેજરો સાથે બેંક ખાતાઓમાં થતી શંકાસ્પદ લેવડ-દેવડ અંગે બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં ચૂંટણી ખર્ચ ઓબ્ઝર્વર આનંદકુમારે સૌને વિગતવાર માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, ચૂંટણી પ્રક્રિયામાં મતદારોને લોભાવવા, વિવિધ રોકડ કે ભેટ દ્વારા લાલચ આપી મત ખરીદવા તે ગુનો છે. આ કાર્યમાં પૈસાની લેવડ-દેવડ માટે બેંકના વિવિધ ખાતાઓમાંથી આ રકમ પહોચાડવામા આવે છે. જેના ઉપર નિયંત્રણ અને દેખરેખ ખુબ જ અગત્યની બાબત છે. તેમણે ચૂંટણી જાહેર થવાના બે મહિના પહેલા ખોલેલા નવા ખાતાઓ, તથા રોજ બરોજ થતા ટ્રાન્ઝેક્શન અને ઉપાડ ઉપર ખાસ દેખરેખ રાખવા જણાવ્યું હતું.
તેમણે 1 લાખથી વધુની રકમ અને કોઇક વખત અમુક ચોકકસ રકમની લેવડ-દેવડ અંગે ખાસ પેટર્ન બનતી હોય છે તે પેટર્નને ઓળખવા અંગે સૌનું ધ્યાન દોર્યું હતું. આ અંગે દૈનિક અહેવાલ આપવા અંગે સૌને પ્રાથમિકતા આપવા જણાવ્યું હતું. તાપી જિલ્લા ચૂંટણી અધિકારી સુશ્રી ભાર્ગવી દવે સૌને બેંકિંગ ચેનલમાં બોર્ડર લાઇન ટ્રાન્ઝેક્શનને પણ ધ્યાને લેવા સમજ આપી હતી. તેમણે ચૂંટણી પ્રક્રિયામાં બેંકોના ખાતાના માધ્યમથી થતી લેવડ-દેવડની મોનીટરીંગ પ્રક્રિયાને ખુબ જ અગત્યની જણાવી હતી.
આ ઉપરાંત જિલ્લા કલેક્ટર કચેરી તાપી ખાતે 24*7 મોનેટરિંગ સેલ ખાતે જાહેર નાગરીક/મતદારો માટે ટોલ ફ્રી નં 1800-233-1005 થતા 1950 પણ કાર્યરત કરવામાં આવેલ છે. જેના ઉપર આ સંબંધિત ફરિયાદો, રજુઆતો નોંધાવવા અપીલ કરી હતી. ડીડીઓ કાપડિયાએ સૌને ચૂંટણીમાં બેંકના ખાતાઓ દ્વારા થતી લેવડ-દેવડ અંગે દેખરેખ રાખવાની જરૂરીયાત જેવા અગત્યના મુદ્દાને સરળ રીતે સૌને રજુ કરી પોતાની કામગીરી જવાબદારી પુર્વક કરવા સુચનો કર્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.