વ્યારા નગર પાલિકા દ્વારા સાફસફાઈ અને પાણીના મુદ્દે સેવા આપવામાં કેટલાક વિસ્તારમાં સદંતર નિષ્ફળ નીવડી છે.વ્યારા નગર નજીક આવેલી શ્રદ્ધા રેસીડેન્સીમાં ગટરનું પાણી નિકાલના અભાવે છેલ્લા 03 વર્ષથી સ્થાનિકો માટે અત્યંત મુશ્કેલ બનતાં સ્થાનિકોમાં રોષ વ્યાપી ગયો છે. નગરપાલિકા દ્વારા 02 દિવસમાં કોઇ નિરાકરણ ન કરે તો ગટરનું ગંદુ પાણી નગરપાલિકાનાં સતાધીશોના ઘરે ફેંકવાની સ્થાનિકો દ્વારા ચીમકી આપવામાં આવી હતી.
વ્યારા નગરપાલિકા દ્વારા કેટલીક વાર વહાલા-દવલાની નીતિ અપનાવી દેતા મુશ્કેલીઓ ઉભી કરી દેતા હોય છે. વ્યારા નગર નજીક આવેલ શ્રદ્ધા રેસીડેન્સીમાં ગત ત્રણ વર્ષ પહેલાં સાફ-સફાઈ અને ગંદકી બાબતે વારંવાર નગરપાલિકામાં રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા બે વર્ષ અગાઉ સ્થાનિકો દ્વારા કચરો લઈ ગઈ નગરપાલિકાની વિવિધ ઓફિસમાં ટેબલો પર કચરા નાખી વિરોધ કરી રજૂઆત કરી હતી.
ત્રણ વર્ષ શ્રદ્ધા રેસીડેન્સી દ્વારા ગટરના ઉભરાતા પાણી અંગે વારંવાર વ્યારા નગરપાલિકામાં રજૂઆત કરતા નગરપાલિકા દ્વારા કામ ચલાવ પાણીનો નિકાલ કરી યોગ્ય કાર્યવાહી ન કરતા સ્થાનિકો દ્વારા વારંવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ગટરનું ઉભરાતું ગંદુ પાણી હાઇવેના માર્ગ પર આવી જતા વાહનચાલકો માટે પણ મુસીબત ભર્યું બની જાય છે.
સ્થાનિકો દ્વારા વ્યારા નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાં તેમના પ્રશ્નોના નિરાકરણ આવતું નથી અને ગટરનું ગંદુ પાણી તેમના સ્વાસ્થ્ય માટે પણ મુશ્કેલી ઉભી કરી રહ્યો છે. ત્યારે નગરપાલિકા દ્વારા શ્રદ્ધા રેસીડેન્સી માંગણી બાબતે યોગ્ય નિરાકરણ કરી તેમને પડતી મુશ્કેલીઓ દૂર કરવા એવી સ્થાનિકોની માગ ઉઠવા પામી છે.
બે દિવસમાં આ સમસ્યાનો ઉકેલ લાવો
વ્યારા નગરપાલિકા દ્વારા શ્રદ્ધા રેસિડેન્સી ગટરના પાણીનો 02 દિવસમાં ઉકેલ ન લાવે તો રસ્તા રોકીશું અને નગરપાલિકાનાં સત્તાધીશોના ઘરે ગંદુ પાણી ફેકવામાં આવશે જેથી નગરપાલિકાના હોદેદારોને ખબર પડે કે ગંદકી શું કહેવાય. જયેશ વસાવા સ્થાનિક રહીશ ,વ્યારા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.