ભાસ્કર વિશેષ:મેઘા આદિવાસી મહિલા ખેતી સહકારી મંડળી લિ.ની આઠમી સભા

વ્યારા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તાપી જિલ્લામાં સેવા યુનિયનમાં 2010થી સંગઠન કરવાનું શરૂ કર્યું જેમાં 7000 બહેનો જોડાયેલી છે

તાપી જિલ્લાના વ્યારા મુખ્ય મથકે આવેલ સરિતાનગર હોલ ખાતે તાપી જિલ્લા મેઘા આદિવાસી મહિલા ખેતી ઉત્પાદક સહકારી મંડળી લિ.ની આઠમી વાર્ષિક સાધારણ સભા જિલ્લા વિકાસ અધિકારી ડી. ડી. કાપડિયાના અધ્યક્ષસ્થાને તથા તાપી જિલ્લા મેઘા આદિવાસી મહિલા ખેતી ઉત્પાદક સહકારી મંડળી લિ.ના પ્રમુખ લત્તાબેન ગામીત ઉપસ્થિતીમાં યોજાઇ હતી.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.કાપડિયા એ જણાવ્યું હતું કે, આ મંડળની મોટા ભાગના બહેનો સખી મંડળ સાથે જોડાયેલ છે. છેલ્લા 8 વર્ષથી સંસ્થા સારૂ કાર્ય કરી રહી છે. આ સંસ્થા સાથે જોડાઇ સરકારની વિવિધ યોજનાનો લાભ લઇ બહેનોને આગળ વધે તેવો અનુરોધ કર્યો હતો. આઇસીડીએસ વિભાગ દ્વારા ઉપસ્થિત તમામ બહેનોને કુપોષણને દૂર કરવા સરકાર દ્વારા શરુ કરવામાં આવેલી વિવિધ યોજનાઓ જેવી કે પોષણ સુધા યોજના, મુખ્યમંત્રી માતૃવંદના યોજના વિશે વિસ્તૃત માહિતી આપી હતી.

કુપોષણ દુર કરવા સૌ બહેનોને ઘરે બનતી વિવિધ લીલી શાકભાજીઓ, દૂધ, કઠોળ, જેવા વિવિધ આરોગ્યપ્રદ ખોરાકો લેવા જણાવ્યું હતુ. તાપી જિલ્લા મેઘા આદિવાસી મહિલા ખેતી ઉત્પાદક સહકારી મંડળી લિ.ના સંચાલક મંડળ પ્રમુખ શ્રીએ મંડળીની પ્રવૃત્તિઓ અંગેનો વાર્ષિક અહેવાલ તથા હિસાબી પત્રકો રજુ કરી સહુના સાથ-સહકારથી મંડળીએ આઠ વર્ષ પૂરા કર્યા છે એમ જણાવી સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે મેધા સહકારી મંડળી તેના સભ્યો માટે રોજગારી અને આવક ઊભી કરે છે. આ મંડળીના સંચાલક, ઉત્પાદક, અને માલિક શ્રમજીવી બહેનો છે. તાપી જિલ્લામાં બહેનો દ્વારા સેવા યુનિયનમાં 2010 થી શ્રમજીવી બહેનોનું સંગઠન કરવાનું શરૂ કર્યું જેમાં આજે 7000 ખેડૂત બહેનો જોડાયેલા છે.

આઠમી વાર્ષિક સાધારણ સભામાં પ્રમુખની વરણી કરવા બાબત, ગત વાર્ષિક સાધારણ સભાની કાર્યવાહી વંચાણે લઈ બહાલી રાખવા બાબત, સને 2021-2022ના વર્ષની કામગીરી રિપોર્ટ વંચાણે લેવા બાબત, આંતરિક ઓડીટરની નિમણુક કરવા બાબત,2022-2023ના વર્ષનું મંડળીના વાર્ષિક આયોજન વંચાણે લઇ મંજૂર કરવા બાબત અહેવાલો રજૂ કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...