વ્યારા વન વિભાગ દ્વારા આજે વ્યારા સ્થિત વન વિભાગની કચેરી ખાતે કરૂણા અભિયાન-2023 જાગૃતિ કાર્યક્રમ જિલ્લા કલેક્ટર ભાર્ગવી દવેના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ પ્રસંગે અધ્યક્ષસ્થાનેથી જિલ્લા કલેક્ટર ભાર્ગવી દવે સૌને પ્રેરિત કરતા જણાવ્યું હતું કે, કરૂણાની ભાવના એ એક દિવસ કે સપ્તાહ પુરતી સિમીત ન રહેવી જોઇએ. આ ભાવના સદૈવ માટે દરેકના હદયમા રહેવી જરૂરી છે.
આપણી પૃથ્વી ઉપર અનેક પ્રકારના પશુપક્ષીઓ અને જીવો છે દરેકના જીવનનું મહત્વ છે. તેમણે તમામ વોલન્ટીયર્સને ખાસ અભિનંદન પાઠવતા કહ્યું હતું કે, આપ સૌ પોતાના મુખ્ય રોજગાર ધંધામાંથી સમય કાઢીને ઉમદા હેતું જીવદયા માટે કામ કરી રહ્યા છો ત્યારે આપ સૌને વંદન છે.
તેમણે વન વિભાગ સહિત પશુપાલન વિભાગની કામગીરીની પણ સરાહના કરી હતી કે, આપ સૌ દ્વારા કરવામા આવતી સક્રિય કામગીરીના પરિણામે તાપી જિલ્લાની જનતામાં જાગૃતતા આવી છે. તેમણે અંતે સમજાવ્યું હતું કે, જ્યારે ઓછામાં ઓછા પશુ-પક્ષીઓને રેસ્ક્યુ કરવુ પડે ત્યારે જ કરૂણા અભિયાન સિધ્ધ થયુ કહેવાશે.
કાર્યક્રમમાં જિલ્લા પશુપાલન અધિકારી બ્રિજેશ શાહએ પશુપાલન વિભાગ દ્વારા કરવામાં આવતી કામગીરીને વર્ણવતા જણાવ્યુ હતું કે, વન વિભાગ અને સાથે પશુપાલન વિભાગના સહયોગથી કરુણા અભિયાન દરમિયાન અને ત્યાર બાદ પણ પશુપક્ષીઓને બચાવવા માટે કટીબધ્ધ છીએ. એનિમલ રેસ્ક્યુ, સ્નેક રેસ્ક્યુ બર્ડ રેસ્ક્યુ, લેપર્ડ રેસ્ક્યુ જેવા અનેક બનાવો જિલ્લામાં બન્યા છે. જેમાં પશુપાલન વિભાગના કર્મીઓ દ્વારા પશુપક્ષીનો જીવ બચે તે જ પ્રાથમિકતા હોઇ છે. જિલ્લા તંત્ર જીવદયા અંગે ખંતથી કામગીરી કરી કર્યુ છે.
તાપી જિલ્લા ડી.સી.એફશ્રી પુનિત નૈયરે કરૂણા અભિયાન સાથે જોડાયેલા તમામ વોલન્ટીયર્સ, પશુપાલન વિભાગ, વન વિભાગના અધિકારી-કર્મચારીઓ સહિત જાગૃત જનતાને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે અબોલા પશુપક્ષીઓ પ્રત્યે સંવેદનશીલતા દાખવવા સૌને અપીલ કરી હતી. કાર્યક્રમમાં WCCBના સભ્ય અલ્પેશ દવેએ સૌને સુર્યોદય અને સુર્યાસ્ત સમયે પતંગ ન ચગાવવા અપીલ કરી હતી. તેમણે વન વિભાગ અને પશુપાલન વિભાગના સહયોગ અંગે સરાહના કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.