રાજ્ય અને દેશના લોકો પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયેલા ખેડૂતો સામે આશાની મીટ માંડી રહ્યા છે. તેમ જણાવતાં ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, પ્રાકૃતિક ખેતીના રાજયવ્યાપી અભિયાન બાદ ખેડૂતો અને તેમના ખેત ઉત્પાદનની માગ વધશે. દેશના લોકો પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને સન્માનની દ્રષ્ટિએ જોશે.
ગાય, ગોબર અને ગૌમૂત્રનુ મહત્વ વર્ણવતા રાજયપાલશ્રીએ પ્રાકૃતિક ખેતીના માધ્યમથી ‘સર્વજન હિતાય, સર્વજન સુખાય’ ની ભાવના સાથે ખેત ઉત્પાદન કરતા ખેડૂતોને અભિનંદન પાઠવી ખેતીમાં થતા નીંદામણ/કચરાને કંચન સમજવાની અપીલ કરી તેના ઉપયોગનું મહત્વ સમજાવ્યું હતું. રાજ્યપાલએ તાપી જિલ્લાના વ્યારામાં પ્રાકૃતિક કૃષિ સંમેલનમાં ઉપસ્થિત ખેડૂતો વચ્ચે જૈવિક ખેતી અને પ્રાકૃતિક ખેતી વચ્ચેનો સૂક્ષ્મ તફાવત સ્પષ્ટ કરી, પ્રાકૃતિક ખેતી અંગેના તેમના વિચારો સ્પષ્ટ કર્યા હતા.
રસાયણ મુક્ત ખેતી, અને જીવામૃતને જીવનનું અમૃત સમજવાની અપીલ કરતાં રાજયપાલએ ધરતીનું ધન ફળદ્રુપતા છે તેમ ઉમેર્યું હતું. કેન્દ્ર અને રાજ્ય સરકારોના પ્રયાસોની પ્રસંશા કરતાં રાજ્યપાલએ સિદ્ધહસ્ત વૈજ્ઞાનિકો અને અનુભવ પ્રચુર વરિષ્ઠ અધિકારીઓના જ્ઞાન અને સમજણના માર્ગ ઉપર આગળ વધવાની પણ ખેડૂતોને હિમાયત કરી હતી.
રાજ્યપાલએ પ્રકૃતિના ચક્રની બારીકાઈ વર્ણવી ધરતીના સૂક્ષ્મ જીવાણુઓની કાર્યપદ્ધતિ સ્પષ્ટ કરી હતી. ગાય, અળસિયા, સૂક્ષ્મ જીવાણુ, વર્ષાનું પાણી અને આચ્છાદન એ પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતોના સાચામિત્રો છે, તેમ રાજ્યપાલએ સદ્રષ્ટાંત સ્પષ્ટ કર્યું હતું. પૃથ્વી અને ઓર્ગેનિક કાર્બનનુ સંતુલન જાળવી, ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાથી જીવોનુ રક્ષણ કરી શકાય છે તેમ જણાવ્યું હતું.
પ્રાકૃતિક ખેતીને અપનાવીને ખેડૂતો ક્રમશઃ તેનું ઉત્પાદન વધારી શકે છે, તેમ કહી રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ ઓછા ખેત ઉત્પાદન સામે રાજ્ય સરકારની સહાય યોજના, અને ગૌ ઉછેર માટે અપાતી સહાયનો ઉલ્લેખ કરીને, પ્રાકૃતિક ખેતીના તજજ્ઞો અવાર-નવાર અહીની મુલાકાત લઈ ખેડૂતોને માર્ગદર્શન આપશે તેમ જણાવ્યું હતું. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને રાજ્યની પાંજરાપોળોમાંથી વિનામૂલ્યે દેશી ગાય આપવાની નીતિ તૈયાર થઈ રહી હોવાનું જણાવી રાજ્યપાલએ, દેશ આખાના ખેડૂતો અહીંના પરિશ્રમી ખેડૂતો પાસેથી પ્રાકૃતિક ખેતીની તાલીમ લેશે તેવો આશાવાદ વ્યકત કરી, સ્થાનિક ઉત્પાદનોના વેચાણ માટે રાજ્ય સરકાર વ્યવસ્થા ઉપલબ્ધ કરાવી રહી છે તેમ જણાવ્યું હતુ.ભારતીય નસ્લની ગાયોના જતન સંવર્ધન અર્થે પણ નવી નીતિ અમલી બની રહી છે, તેમ રાજ્યપાલએ વધુમાં ઉમેર્યું હતું.
ભાવિ પેઢીને શુદ્ધ હવા, પાણી, જમીન, અને આબોહવા આપવા સાથે સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલી આપવાનું પવિત્ર યજ્ઞકાર્ય પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો કરી રહ્યા છે. તેમને રસાયણનો ત્યાગ કરીને સંપૂર્ણ ઝેરમુક્ત ખેતી કરવાનું આહ્વાન પણ રાજયપાલએ કર્યુ હતું.
ડાંગ જિલ્લો રાજ્ય અને દેશને પ્રાકૃતિક ખેતી અંગે દિશાદર્શન કરી રહ્યો છે
પાડોશી ડાંગ જિલ્લો રાજ્ય અને દેશને પ્રાકૃતિક ખેતી અંગે દિશાદર્શન કરી રહ્યો છે, તેમ જણાવતાં રાજ્યપાલએ તાપીના મહેનતકશ ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે સીમાચિહ્નરૂપ કામગીરી કરશે, તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. તાપીને પ્રાકૃતિક ખેતી માટે પસંદ કરીને રાજ્ય સરકારે ખુબ જ ઉપકારક કાર્ય કર્યું છે તેમ જણાવતાં રાજયપાલશ્રીએ, ખેડૂતોને ખુશહાલ અને સમૃદ્ધ થવાના સાધુવાદ સાથે આશીર્વચન પાઠવ્યા હતા. પોતાના સ્વાનુભાવો વર્ણવતા રાજ્યપાલએ, જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીની આગેવાની હેઠળની સમગ્ર ટીમ તાપીના સંનિષ્ઠ પ્રયાસોની સરાહના કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.