વ્યારા તાલુકાના કપુરા ગામની સીમ પાસે મોટરસાયકલ પુલની દિવાલ સાથે અથડાઈ જતા ચાલક યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે પાછળ બેઠેલ યુવકને ગંભીર ઇજા થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. ડોલવણ તાલુકાના મંગળીયા ગામના તળાવ ફળિયામાં વિજયભાઈ રામુભાઈ ભીલ અને રાહુલકુમાર ચીમનભાઈ પવાર તેમના પરિવાર સાથે રહે છે.
મજૂરી કામ કરી જીવન ગુજારે છે. ગતરોજ વિજયભાઈ ભીલ મોટરસાયકલ નંબર (GJ.26Q.5862) પર પાછળ રાહુલ પવારને બેસાડી પલસાણા ખાતે ગયા હતા. જ્યાંથી સાંજે ઘરે મંગળિયા પરત ફરી રહ્યા હતા ત્યારે વ્યારા તાલુકાના કપુરા ગામની સીમમાં પસાર થતી વેળાએ વિજયભાઈ સ્ટેરીંગ પર કાબુ ગુમાવી દેતા કેનાલની પાસે આવેલા નાના પુલકાની જમણી બાજુની દીવાલમાં મોટરસાયકલ અથડાવી દેતા અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતમાં વિજયભાઈ રામુભાઈ ભીલ (19) ને માથા તેમજ શરીરના ભાગે ઇજા પહોંચતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે રાહુલભાઈ પવાર (18) ને ડાબા હાથ ઉપર ફેક્ચર અને ખભા ના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. બનાવ અંગે રાહુલભાઈ પવારની ફરિયાદને આધારે વ્યારા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.