ડોલવણ ઉમરાવદુર ગામે ચારો કાપવા મુદ્દે થયેલા ઝઘડામાં જેઠાણીએ પતિને બોલાવતાં તેણે આ દેરાણીના ઘરે જઇ તેના માથામાં પથ્થર મારી દીધો હતો. આ ઘટનામાં 3 સામે પોલીસમાં ફરિયાદ નોંધાવા પામી છે.
ડોલવણ તાલુકા સ્વરાજ ફળિયામાં રહેતી અને પોતાના વિસ્તારમાં આંગણવાડીમાં હેલ્પર તરીકે ફરજ બજાવતી રીના વિનોદ ચૌધરી (ઉં.વ.૪૨) કેન્દ્રમાંથી બપોરે બે વાગે ઘરે આવી હતી. તેને ઘરે લીપણકામ કરવાનું હોવાથી ઘર પાછળ ગઈ તે વખતે તેણે કચરો ભેગો કરીને ઢગલો કર્યો હતો.
તેની બાજુમાં રહેતા તેનાં દેરાણી મમતાબેન લીલો ચારો કાપીને નાંખતા હોવાથી તેમણે દેરાણીને કહ્યું કે, તને દેખાતું નથી કે કચરો ઢગલો કર્યો હતો. જે સળગાવ્યા પછી તમારે અહીં ચારો નાંખવાનો હતો. મમતાબેને કહ્યું કે, આ મારી જગ્યા છે. હું જ્યાં ચારો નાંખું ત્યાં તમારે શું લેવા દેવા, કહી ચારો લાવી નાંખ્યા જ કરતાં હતાં.
દેરાણી મમતાબેને તેના પતિ નીલેશને ફોન કરી આ વાતની જાણ કરી હતી. ત્યારબાદ આશરે અઢી વાગેના સુમારે આ મમતાબેનના પતિ નિલેશે રીનાના ઘરે જઈ ગાળો આપી હતી. સાથે પથ્થરથી રીનાના માથામાં ડાબી બાજુએ બે વખત પથ્થર મારી દીધો હતો.
એ વેળા દેરાણી મમતા તથા તેની કાકી સાસુ તારાબેન શાંતિલાલ ચૌધરી બંને ઢીક્કામુક્કીનો માર મારી ગાળો બોલી કહેતાં હતાં કે તારી અહીં જગ્યા નથી. તમને જગ્યા આપી છે ત્યાં તમારું ઘર બનાવો. આ વખતે નિલેશે “આજે તો જીવતી બચી ગઇ છે, હવે પછી એકલી મળશે તો જીવતી નહીં રહેવા દઇએ” તેવું કહેતાં રીના ચૌધરીએ નિલેશ શાંતિલાલ ચૌધરી, મમતા, તારા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.