તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના પીઠાદરા પ્રાથમિક શાળાના રુમમાં બે પોલીસ જવાનો પાસ પરમીટ વગર કેફીપીણાનો નશો કરેલી હાલતમાં લવારા-બકવાસ કરતા મળી આવ્યાં હતા. આ અંગે તાપી જિલ્લા પોલીસ મથકમાં ફરજ બજાવતાં કર્મીએ ફરિયાદ નોંધાવી છે.
ડોલવણ પોલીસે જાણ કરી હતી
તાપી જિલ્લા પોલીસમાં ફરજ બજાવતાં ગીરીરાજસિંહ વનરાજસિંહ જાડેજા તારીખ 28.11.2022ના રોજ વિધાનસભાની ચૂંટણીના અનુસંધાને ડોલવણ પોલીસ સ્ટેશન ખાતે અન્ય પોલીસ કર્મીઓ સાથે બંદોબસ્ત અર્થે આવ્યાં હતા. તેઓને પાટી ગામ, પાંચોલ ગામ, અંધાર વાડી દુર, પીઠાદરા ગામના સેક્ટર મોબાઈલ ઇન્ચાર્જ તરીકેની ફરજ સોંપવામાં આવી હતી. તેથી તેઓ તેમના સેક્ટરમાં આવતા પોલીંગ બુથો ઉપર ફરજ પરના પોલીસ કર્મચારી, હોમગાર્ડ તથા જી.આર.ડીના સભ્યોને ચેક કરતા હતા. તે દરમિયાન તેમને ડોલવણ પોલીસ સ્ટેશનથી જાણ કરાઈ હતી કે, પીઠાદરા ગામની પ્રાથમિક શાળામાં બે પોલીસ કર્મચારીઓ અંદરો અંદર ઝઘડો તકરાર કરે છે. તમે સેક્ટર મોબાઈલ સાથે જગ્યા પર પહોંચો તેવી વાત કરી હતી.
બંને કોન્સ્ટેબલો કેફીપીણું પીધેલી હાલતમાં હતા
જેથી તેઓ સેક્ટર મોબાઈલ સાથે પીઠાદરા બુથ નં.1 તથા બુથ નં.2 ઉપર પહોંચ્યા હતા, એટલીવારમાં પો.સ.ઇ. આર.જી.વસાવા આવી જતાં અને ત્યાં બુથ પરના પોલીસ માણસોને ચેક કરતાં પોલીસ કોન્સ્ટેબલ મયુરધ્વજસિંહ સતુભા ગોહિલ(નોકરી. મેઘાણીનગર, પોલીસ સ્ટેશન, અમદાવાદ) તથા પોલીસ કોન્સ્ટેબલ મુકેશકુમાર શ્યામરાવ કુંવર(નોકરી એરપોર્ટ પોલીસ સ્ટેશન, અમદાવાદ) કોઈ કેફીપીણું પીધેલી હાલતમાં પ્રાથમિક શાળાના રુમમાં લવારા બકવાસ કરતાં મળી આવ્યા હતા.
તોતડાતી જીભે પોતાનું નામ કબુલ્યું
જેથી બે પંચોના માણસોને બોલાવી રુબરુ ઇસમનું નામઠામ પુછતાં તેણે તોતડાતી જીભે પોતાનું નામ પોલીસ કોન્સ્ટેબલ મયુરધ્વજસિંહ સતુભા ગોહિલ જણાવ્યું હતું. તેમજ તેની સાથેના બીજાને પણ નામઠામ પૂછતાં તેણે તોતડાતી જીભે પોતાનું નામ પોલીસ કોન્સ્ટેબલ મુકેશકુમાર શ્યામરાવ કુંવર હોવાનું જણાવ્યું હતુ.
બંનેની આંખો લાલચોળ નશાથી ઘેરાયેલી હતી
આ બંને પોલીસ કોન્સ્ટેબલને પંચો રુબરુ હલાવી ચલાવી જોતાં પોતે પોતાના શરીર સ્થિતિનું ભાન રાખી શકતાં ન હોવાથી તેમજ જાહેરમાં લવારા બકવાસ કરતાં મળી આવ્યાં હોવાથી તેમજ બંનેની આંખો જોતાં લાલચોળ નશાથી ઘેરાયેલી હોવાથી બંને પાસે કેફીપીણું પીવા અંગે પંચો રુબરુ પાસ પરમીટની માંગણી કરતાં બંને ઈસમોએ પાસ પરમીટ નહીં હોવાનું જણાવ્યું હતું. જેથી બંને ઇસમોનું પંચનામું કરી બંનેને શારીરિક તપાસણી અર્થે મેડીકલ ઓફિસર CHC ડોલવણનાઓ તરફ મોકલી આપવા તજવીજ કરી છે. આ બંને ઇસમો વિરુદ્ધ પ્રોહી એક્ટ કલમ 66(1)બી, 85 મુજબ કાયદેસર થવા ફરિયાદ ડોલવણ પોલીસ સ્ટેશન ખાતે ગીરીરાજસિંહ વનરાજસિંહ જાડેજાએ નોંધાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.