ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:કાઠી હોળી પ્રગટાવવા 80 કિલોમિટરની પદયાત્રા કરી 80 ફૂટનું બાંબૂ લવાયું, સવા માસની સાધના બાદ ભક્તો હોળીની તૈયારીમાં જોતરાયા

કુકરમુંડા21 દિવસ પહેલાલેખક: જહેરસિંગ વસાવે
  • કૉપી લિંક
વાંસ લાવવા ઉપરાંત હોળીના વિશેષ શણગાર માટે  ઘરેણા અને વસ્ત્રો ધોઇ રહેલા ગ્રામજનો. તેમજ ગત  વર્ષે પ્રગટાવેલી હોળીના સ્થળેથી રાખ કાઢતા લોકો. - Divya Bhaskar
વાંસ લાવવા ઉપરાંત હોળીના વિશેષ શણગાર માટે ઘરેણા અને વસ્ત્રો ધોઇ રહેલા ગ્રામજનો. તેમજ ગત વર્ષે પ્રગટાવેલી હોળીના સ્થળેથી રાખ કાઢતા લોકો.
  • ગુજરાતની બોર્ડરને અડીને આવેલા અંતરિયાળ વિસ્તારમાં આજે પણ રાજવીકાળથી ચાલતી પરંપરા મુજબ હોળીની ઉજવણી
  • સાતપૂડા ગિરિમાળામાં હોળીની રોનક છવાઇ
  • વાંસ લાવવા ઉપરાંત ઘરેણા ધોવા તેમજ હોળી માટે ખાડો ખોદવાની તૈયારી શરૂ

અક્કલકૂવા સાતપુડામાં 4 દિવસ પહેલા હોળી પ્રગટાવવા માટે ડાબ ગામના મોરીરાહ ફળિયાના સાધના કરેલ યુવાનો 80 કિમી પગપાળા નર્મદાના રોહ્યાબારી જંગલમાંથી 80 ફૂટ લાંબો કાઠી વાંસ લાવવામાં આવ્યો છે. બુધવારે સવારે નીકળેલા યુવકો ગુરુવારે સવારે વાંસ લઇને આવ્યા હતા. ગામમાં હોળીના ઉત્સવની તૈયારી માટેનો માહોલ જાણવા દિવ્યભાસ્કરના પ્રતિનિધિ ગામમાં પહોચ્યા હતા. ગામમાં સવારથી જ ઉત્સવનો માહોલ હતો.

જેમાં શરૂઆતમાં મોરીરાહ ફળિયાના કિશોરભાઇ મળી વાત કરતા તેમણે જણાવેલ કે, હું 15 વર્ષથી હોળીની સાધના કરૂ છું અને દર વર્ષે હોળી પ્રગટાવવા માટે કાઠીવાંસ લેવા જાઉં છું. હોળી પ્રગટાવવાના આગલા દિવસે બુધવારે સવારે નીકળ્યા હતા, 40 કિમી દૂર નર્મદાના જંગલમાં સાંજે પહોંચ્યા હતા.

રાત્રે વાંસ લઇને નીકળ્યા હતા, કુલ 80 કિમી કાપીને આજે સવારે 6 વાગ્યે આવ્યા છે. ત્યાંથી આગળ નદીમાં સાધના કરેલ ગામના લોકો સ્નાન કરવા અને તૈયારી કરતા હતા, ત્યાં પહોંચતા જ બધી અલગ અલગ તૈયારી કરતા જોવા મળ્યા હતાં. કાડિયાભાઈ છાલમાંથી દોરો ગુંથતા હતા.

ગામમાં સવારથી જ ઉત્સવનો માહોલ
તેમને જણાવેલ કે હોળી પહેલા જ જંગલી ભીડી છોડ ભેગા કરીને તેની છાલ કાઢીને તેના દોરા બનવું છું. આ દોરો હોડીમાં બાંધવાથી લઈ, સાધના કરેલ લોકો શરીરે અલગ અલગ વસ્તુ બાંધવા માટે ઉપયોગ કરતા હોવાનું જણાવ્યું હતું. જ્યારે વિષ્ણુભાઈ વાંસના અને લાકડાંમાંથી ચપ્પુ અને તલવાર જેવા હથિયાર બનાવ્યા હતા, જેનું કલર કામ કરતા હતા.

રાત્રે હોળીમાં નાચવા માટે આ ચાંદીના આભૂષણો પહેરવામાં આવે
તેમણે આ હથિયાર હોળીના તહેવારમાં પાંચ દિવસ નાચવા માટે ઉપયોગ કરતા હોવાનું જણાવ્યું હતું. જ્યારે અલગ અલગ કાગળની ડિઝાઇન કરીને વાસની ટોપલીથી મુગુટ બનાવતા હોવાનું પણ જણાવ્યું હતું. નદીના પથ્થર પર ચાંદીના મોટા ઘરેણાં પણ ધોઈને સૂકવવા મૂક્યા હતા, જે અંગે પૂછતાં, રાત્રે હોળીમાં નાચવા માટે આ ચાંદીના આભૂષણો પણ પહેરવામાં આવે છે.

ઉત્સાહમાં ક્યાંય કમી લોકોમાં દેખાતી ન હતી
જેને માટે નદીના પાણીમાં પહેલા પવિત્ર કરવાની પરંપરા હોવાનું જણાવ્યું હતું. હોળી માતાની સવા માસની સાધના કરેલ દરેક નદીમાં પહેલા સ્નાન કરીને પવિત્ર થયા બાદ જ તૈયાર થતા હોવાની પરંપરા હોવાનું જણાવ્યું હતું. અહીંથી સ્નાન કરીને ઘરે જઈને તૈયારી કરી રાત્રે એક કિમી ડુંગર ચઢીને હોળી પ્રગટાવવાના સ્થળે જવા અંગે જણાવ્યું હતું. ગામમાં ભલે ઘર ઝૂંપડું હોય, પરંતુ ઉત્સાહમાં ક્યાંય કમી લોકોમાં દેખાતી ન હતી.

સવા માસની સાધનામાં આ નિયમ પળાય છે
સવા માસની સાધના અંગે વીરજી પાડવીના જણાવ્યા મુજબ ઘરમાં કે બહાર કોઈ પણ સ્થળે જવાનું હોય ચપ્પલ પહેરી નહી શકાય, ખાટલા કે બેડને તિલાંજલિ આપી જમીન પર જ સુવાનું, ઘરમાં બ્રહ્મચર્ય પાળવાનું હોય છે.

ગામમાં સુખ-શાંતિ માટે હોળીની સાધના થાય છે
સંદીપભાઈ પાડવી જણાવે હોળીના પાંચ દિવસની સાધનામાં પવિત્ર થયા બાદ, રાત્રે જે પહેરવેશ સાથે તૈયાર થયા હોય, સતત પાંચ દિવસ શરીરે ધારણ કરી રાખવો પડે. શરીરે પાણી લગાવી શકાય નહી, માત્ર હાથની હથેળીનો આંગળીના ખોબાથી પાણી પીવાનું અને હોઠ પર જ પાણી લગાવી શકાય. પરિવાર અને ગામમાં સુખ શાંતિ બની રહે, તે માટે પરંપરાગત રીતે સાધના કરતા આવ્યા હોવાનું જણાવ્યું હતું.

ગત હોળીની રાખ કાઢી તિલક કરવામાં આવે છે
ગત વર્ષની પ્રગટાવેલ હોળીના સ્થળે કાઠી વાંસ નાખવા પહેલા ત્યાં જ ખાડો કરવામાં આવે છે. ગત વર્ષની હોળી પ્રગટાવેલા હોય, ખાડો ખોદતા રાખ કાઢવામાં આવતી હોય છે, જે ગ્રામજનો ખાખરાના પાનમાં લઈ જવામાં આવે છે. જે હોળી પ્રગટાવવા પહેલા રાત્રે ઘરના સભ્યો રાખનો તિલક કરવાની પરંપરા હોવાનું સાયસિંગભાઈ પાડવીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...