બેદરકારી:કરોડોના ખર્ચે બનેલ વઢવાણ સેવાસદનનું ધાબુ લીકેજ, અરજીઓ- ફાઇલો પર પાણી ટપકે છે

વઢવાણએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વઢવાણ તાલુકા સદન કરોડો રૂપીયાના ખર્ચે પાંચ વર્ષ પહેલા બન્યુ હતુ પરંતુ આ નવી ઇમારતમાં ચોમાસાનું પાણી ધાબામાંથી લીકેજ થઇ રહ્યુ છે. આથી અરજદારોની અરજીઓ અને મહત્વની ફાઇલો પલળી રહી છે. ત્યારે આ કચેરી રીપેરીંગ જવાબદારો સામે પગલા લેવાની વંદેમાતરમ ગૃપ દ્વારા માંગણી કરાઇ છે.

વઢવાણ મામલતદાર કચેરી ભુકંપમાં જર્જરીત થતા અરજદારો પરેશાન હતા. ત્યારે બાર વર્ષે બાવો બોલતા વઢવાણ તાલુકા સેવાસદન બન્યુ હતુ. જેમાં કરોડો રૂપીયાના ખર્ચે બનેલ વઢવાણ તાલુકા સેવાસદનનું લોકાર્પણ તા.21-ડિસેમ્બર -2013ના રોજ થયુ હતુ. પરંતુ પાંચ થી છ વર્ષમાં આ ઇમારતનુ નબળુ બાંધકામ સામે આવ્યુ છે. જેમાં સૌપ્રથમ લાદીઓ તુટી ગઇ હતી. ત્યારબાદ અન્ય તુટફુટ ધ્યાને આવી છે. જ્યારે ચોમાસામાં થોડાવરસાદ શરૂ થતા અમુક રૂમો કે ઓફિસોમાં ધાબાપર લીકેજ જોવા મળી રહ્યુ છે. આ અંગે વંદેમાતરમ ગૃપે ઉચ્ચકક્ષાએ લેખિત રજૂઆત કરી છે.

જેમાં વઢવાણ તલાટી રૂમ સહિતની ઓફિસોમાં ધાબા પરથી પાણી નીચે પડી રહ્યુ છે. જ્યારે અરજદારો અને સરકારી ફાઇલો પલળી રહી છે. આથી સેવાસદનમાં તાત્કાલીક રિપેરીંગ કરવા માંગ છે. આ અંગે વઢવાણ મામલતદાર કચેરીના નાયબ મામલતદાર બી.જી.બરોલીયાએ જણાવ્યુ કે આ અંગે ફરિયાદ ઉઠતા તપાસ કરી હતી. આ અંગે માર્ગ અને મકાન વિભાગને જાણ કરી હતી. આથી તેઓની ટીમ આ પાણી લીકેજ અંગે માહિતી મેળવી ગઇ છે.

અન્ય સમાચારો પણ છે...