સિરામિક ઉદ્યોગકારોમાં રોષ:નેચરલ ગેસમાં 10.50 રૂપિયાનો ભાવવધારો, ઓગસ્ટમાં 4.62 વધાર્યા હતા

થાન11 દિવસ પહેલા
  • કૉપી લિંક
નેચરલ ગેસમાં કરેલા ભાવ વધારાથી થાન સિરામીક ઉદ્યોગને અસર. - Divya Bhaskar
નેચરલ ગેસમાં કરેલા ભાવ વધારાથી થાન સિરામીક ઉદ્યોગને અસર.
  • સિરામિક ઉદ્યોગકારો ગેસના ભાવવધારા મુદ્દે લડી લેવાના મૂડમાં
  • એસોસિયેશનની બેઠક બોલાવાશે, આગળની રણનીતિ નક્કી કરાશે : પ્રમુખ

ગુજરાત ગેસ કંપની દ્વારા ઉદ્યોગોને આપવામાં આવતા નેચરલ ગેસના ભાવમાં રૂ.10નો વધારો કરી દેતા ઉદ્યોગકારોમાં રોષની લાગણી ફેલાઇ છે. હાલ કોરોનાનો મૃત:પ્રાય કરી નાંખે તેવો માર સહન કરી માંડ બેઠા થતાં ઉદ્યોગને ગેસનો ભાવ વધારો મૃત્યુઘંટ વગાડી દે તેવો હોવાથી ભાવ વધારો પાછો લેવા ઉદ્યોગકારોની માંગ ઉઠી છે. ઝાલાવાડના થાનગઢમાં વર્ષ 1913માં સોરાબ દલાલ ટાઇલ્સથી શરૂ થયેલો 103 વર્ષના ગૌરવ વંતા ઇતિહાસ સાથે જોડાયેલો છે.

કોરોનામાં પણ ભાવવધારો કર્યો હતો
આ સિરામિક ઉદ્યોગ વધી આશરે 300થી વધુ એકમો સાથે વિશ્વકક્ષાએ સિરામિક વસ્તુઓ ઓરસિયા, કમળ, પોખરા, વેસ્ટર્ન પોખરા સાથે આધુનિક ગેડી સહિતની 100થી વધુ વસ્તુઓ એક્સપોર્ટ કરી જિલ્લાને આગવી ઓળખ આપી રહ્યો છે. થાનમાં વર્ષ 2005માં ગુજરાત સરકારે એકમોને ગેસની લાઇન આપી ત્યારે 1 કિલો ગેસના રૂ.13 ભાવ હતો.જેમાં ઓગષ્ટ 2020માં ભાવ 26.08 હતો તેમાં જેમાં ઓગષ્ટ 2021 માસમાં રૂ.4.62 વધારો કરતા તે રૂ.35.14ના ભાવે 1 કિલો મળતો હતો તેના રૂ.39.76 થઇ ગયા હતા. આમ કોરોના કપરા સમયમાં રૂ.13.07નો વધારો થયો હતો.

ભાવવધારાને કારણે કારખાનાઓ બંધ થયા
કોરોના કાળના મૃત:પ્રાય કરી નાંખે તેવા મારને જીરવી માંડ બેઠા તથા સિરામિક ઉદ્યોગને નેચરલ ગેસના ભાવમાં રૂ.10.50નો ભાવ વધારો કરાયો છે. આથી ભાવ રૂ.50.96 થઇ ગયો છે. થાન ઉદ્યોગોમાં હાલ 2.40 લાખ કિલો ગેસનો વપરાશ છે. જૂના ભાવ રૂ.39.76 મુજબ ઉધોગકાર રૂ.95,42,400 ચૂકવતા હતા. તે હવે રૂ.50.26 થઇ જતા રૂ.12,230,400 વધારે ચુકવવા પડશે.આમ સિરામિક ઉદ્યોગ પર 26,88,000નો બોજો પડશે. આમ રો-મટિરિયલ અને ગેસના ભાવ વધારાથી અગાઉ 300માંથી 40થી 50 કારખાના બંધ થઇ ગયા હતા. ત્યારે આ નવો ભાવ વધારો ઇન્ટરનેશનલ હરિફાઇમાં માંડ ટકી રહેવા મથતા ઉદ્યોગને મૃત્યુઘંટ વગાડી દે તેવી સ્થિતિ છે. જેમાં વધુ કારખાનાઓ આગામી સમયમાં બંધ થાય તેવી ઉદ્યોગકારો ભીતિ સેવી રહ્યા છે. ત્યારે ઉદ્યોગકારો સરકાર સામે લડી લેવાના મૂડમાં છે. આગામી સમયમાં ભાવ વધારા અંગે બેઠક યોજી રણનીતિ નક્કી કરવામાં આવશે.

ભાવવધારો સિરામિક ઉદ્યોગને અસર કરશે
ગુજરાત ગેસ કંપની, સરકારે લઘુ ઉદ્યોગને અપાતા નેચરલ ગેસમાં આપેલો રૂ.10નો ભાવ વધારો સિરામિક ઉદ્યોગને અસર કરશે. થાનગઢ વિસ્તારમાં ગેસની પાઈપલાઈન આવ્યા પછી અત્યાર સુધીમાં આ સૌથી મોટો ભાવ વધારો છે.જે કોઈ પણ સ્થિતિમાં કોરોનામાંથી માંડ ઉભા થતા ઉધોગને સહન થાય તેમ નથી. આગામી સમયમાં બેઠક બોલાવી રણનીતિ નક્કી કરાશે. - સુરેશભાઇ સોમપુરા, પ્રમુખ, પાંચાળ સિરામિક એસોસિયેશન

આ વધારો બેકારીમાં પણ વધારો કરશે
પહેલાં 26 ભાવ હતો તે 36 કર્યો વેપારી સાથે મનમેળ ભાવનો સેટ ન થયો ત્યાં 46 કરી નાંખ્યો. અનિયમિત ભાવ વધવાથી વેપારી સાથે ભાવ શું બાઘવા તે નક્કી નથી થતું.આમ ઉદ્યોગોને ગેસના ભાવનો વધારો બેકારીમાં વધારો કરશે. આથી રોજગાર પર પણ અસર પડશે. - દિનુભાઇ ભગત, ઉપપ્રમુખ, પાંચાળ સિરામિક એસોસિયેશન વિકાસ ટ્રસ્ટ થાનગઢ

એક વર્ષમાં ગેસનો ભાવ બમણો થઇ ગયો
નેચરલ ગેસમાં છેલ્લાં 1 વર્ષમાં ભાવ બમણો થઇ ગયો છે. થાનગઢ અને મોરબીના ગેસના ભાવ ક્યાં જઈ અટકશે નક્કી નથી. ગુજરાત ગેસ કંપનીએ MGOમાંથી મુક્તિ આપવા માટે હવે 24 કલાકનો સમય કરવો પડશે. અમારે પ્રોડક્ટના ભાવનું લિસ્ટ દર મહિને બદલાવતા રહેવું પડશે. - શાંતિલાલ પટેલ, ઉપપ્રમુખ, સિરામિક ઉદ્યોગકાર થાનગઢ

લોકલ અને એક્સપોર્ટ માર્કેટને અસર થશે
કોરોના કારણે સિરામિક ઉદ્યોગમાં મંદી આવી હતી. હાલ માંડ ઉદ્યોગો ઊભા થાય છે. ત્યાં ગેસના ભાવ વધારાથી અસર થશે. સિરામિક રો-મટિરિયલના ભાવ વધ્યા અમે ભાવ વધારાની વેપારી સાથે સમજૂતી કરી ત્યાં ગેસનો ભાવ વધારો આવી ગયો. આ અનિયમિત ભાવ વધારો થતા ઉત્પાદન ભાવ વધે છે. જેના કારણે લોકલ અને એક્ષપોર્ટ માર્કેટને અસર થશે. - ઇશ્વર ભાઇ પ્રજાપતિ, ઉદ્યોગકાર

અન્ય સમાચારો પણ છે...