થાનના સોનગઢ ગામની ખારા વિસ્તાર તરીકે ઓળખાતી સીમમાં માટીમાં ખોદકામ કરતા એક પુરુષની લાશ મળી આવતા ચકચાર ફેલાઇ હતી. ત્યારે આ બનાવમાં પ્રેમસંબંધમાં પત્નીને ભગાડી ગયાની શંકા રાખી હત્યા કરી લાશને માટી-પથ્થરના ઢગલામાં દાટી દેનારો રાતિયા ગામનો હત્યારાને દબોચી લઇને મંગળવાર સુધીના રિમાન્ડ પર તપાસ શરૂ કરી હતી.
પીઆઈ એ.એચ. ગોરી સહિતની ટીમે તપાસ કરતા આ લાશ પોરબંદર જિલ્લાના કુછડી ગામના 30 વર્ષના અરજણભાઈ ઉર્ફે અર્જુનભાઈ સવદાસભાઈ કુછડિયાનું હોવાનું બહાર આવ્યું હતું. આ ઉપરાંત તપાસ દરમિયાન અરજણભાઈની હત્યા પોરબંદરના રાતીયા ગામના ભાવેશભાઈ દેસુરભાઈ રાતીયાએ કરી હોવાનું ખૂલ્યું હતું.
આથી પીઆઈ એ.એચ.ગોરી, પીએસઆઇ જી.એન.શ્યારા સહિતના સ્ટાફે બાતમીના આધારે વોચ ગોઠવી જામવાળી ગામથી ચોટીલા તરફ જતા રોડ ઉપરથી ભાવેશભાઈ રાતીયાને દબોચી લીધો હતો. આ કામગીરીમાં થાન પોલીસ મથકના મદીનખાન, હિતેષભાઈ, મનસુખભાઈ, સુરેશભાઈ, કેહાભાઈ, પ્રવિણભાઈ, વિહાભાઈ, વિઠ્ઠલભાઈ વગેરે સ્ટાફ જોડાયો હતો. ઝડપાયેલા આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવતા મંગળવાર સુધીના રિમાન્ડ મંજૂર થતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
હત્યાના ગુનામાં ઝડપાયેલા ભાવેશને પોરબંદર જિલ્લાના સીમર ગામના કિરણૃબેન ઉર્ફે ક્રિષ્ના કરશનભાઈ કાળાવદરા સાથે પ્રેમસંબંધ થઇ જતા ફુલહાર લગ્ન કરી લીધા હતા. અને થાનગઢ વિસ્તારમાં આવેલ કાબ્રોસેલ (કોલસા)ની ખાણમાં હીટાચી મશીન ચલાવતા હતા. અને અંદાજે 4 માસ પહેલા અર્જુનભાઈને ભાવેશભાઈએ થાનગઢ ખાતે કામ ધંધા અર્થે બોલાવી લીધો હતો.
અને અર્જુનભાઈ ભાવેશભાઈની ગેરહાજરીમાં ભાવેશભાઈની પત્ની કિરણને મળવા જતો હોવાની તેમજ કિરણબેન છેલ્લા 15 દિવસથી ક્યાંક જતી રહેલી હોવાથી અર્જુન ભગાડી ગયો હોવાની શંકા રાખી તા. 5-3-2022ના રોજ હિટાચી મશીનનું બ્રેકટથી અર્જુનને મારી ખાડામાં પાડી દઇ નીચે ઉતરી લોખંડના પાનાથી ભાવેશે અર્જુનને આડેધડ મારી ખૂન કરી લાશને ખાડામાં નાખી દઇ ઉપર માટી પથ્થરથી દાટી દીધી હોવાની કબૂલાત કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.