કાર્યવાહી:થાનગઢમાં ગેરકાયદે બાયોડીઝલનું વેચાણ કરતાં 2 શખ્સો ઝડપાયા

થાન2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 3200 લીટર બાયોડિઝલ, બેરલ, ફ્યુઅલપંપ,ટ્રક, કાર સહિત રૂ.8.83 લાખનો મુદામાલ જપ્ત કરાયો

થાનગઢમાં ગેરકાયદેસર બાયોડિઝલનો વેપલો ચાલતો હોવાથી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.ત્યારે શહેરના ધુધા ગેરેજ સામે પેટ્રોલપંપની પાછળના વિસ્તારમાં પોલીસે દોરડો કર્યો હતો. જ્યાં 3200 લીટર બાયોડિઝલ, બેરલ, પંપ, કાર સહિત રૂ.8.83 લાખનો મુદામાલ સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા હતા.

સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર રીતે બાયોડિઝલના વેપલો ચાલતો હોવાથી જિલ્લા પોલીસવડાએ કાર્યવાહીની સુચના આપી છે.ત્યારે થાન પોલીસને શહેરમાં ગેરકાયદેસર બાયોડિઝલ અંગે બાતમી મળી હતી. આથી શહેરના ઘુઘા ગેરેજની સામે ભારતીય પેટ્રોલપંપની પાછળ સરકારી પડતર જમીન વિસ્તારમાં દરોડો કર્યો હતો. જ્યાં થાન જોગ આશ્રમ પાછળ રહેતા જાવેદભાઇ હારૂનભાઇ લાંઘા અને ભોયરેશ્વર પ્લોટ થાનમાં રહેતા વાઘાભાઇ લખાભાઇ અલગોતરને ઝડપી પાડ્યા હતા. તેમની પાસે બાયોડિઝલ સંગ્રહ રીટેઇલ રજીસ્ટ્રેશન અપ્રુવલ, જીપીસીબીનું એનઓસી, પીઇએસઓ લાયસન્સ, એનવાયર ક્લીયરન્સ સર્ટી કે પેટ્રોલીયમ પેદાશો સંગ્રહ કે વેચાણ કરવાનું લાયસન્સ કે સર્ટી મળી આવ્યુ નહતુ.

આથી મંજુરી વગર ગેરકાયદેસર રીતે સંગ્રહ કરેલા બાયોડિઝલ જેવુ જ્વલનશીલ પદાર્થ 3200 લીટર, 22 બેરલ, ટાંકી, ફ્યુઅલ પંપ, હેન્ડપંપ, ટ્રક, કાર એમ કુલ રૂ.8,83,600નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ અંગેની થાન પોલીસ સ્ટેશનમાં કોન્સટેબલ કરશનભાઇ લોહએ ફરીયાદ નોંધાવતા વધુ તપાસ પીઆઇ એમ.ડી.ચૌધરી ચલાવી રહ્યા છે.