થાનગઢમાં આવેલી દેના બેંકનું બેંક ઓફ બરોડામાં વિલીનીકરણ થતા બંન્ને બેંકોના ખાતેદારોની એક જગ્યાએ કામ ભેગા થયા છે. ત્યારે આઠના મહેકમ સામે બે જ વ્યક્તિ હાજર હોવાથી કામગીરી ધીમી થઇ રહી હોવાથી ખાતેદારોમાં રોષની લાગણી ફેલાઇ છે. આથી મહેકમ પ્રમાણે સ્ટાફ ભરતી કરવા માંગ ઊઠી છે.
થાનએ સિરામિક ઉદ્યોગનું શહેર હોવાથી અહીં દરરોજ અનેક નાણાકીય વ્યવહારો થતા હોય છે. ત્યારે થાનગઢ દેના બેન્કનું બેંક ઓફ બરોડા વિલિનીકરણ કરવામાં આવ્યું હતું. આ સાથે લોકોને આશા હતી કામની વ્યવસ્થામાં ઝડપ થશે પણ આશા ઠગારી નીવડી હતી. જેમાં બેંક ઓફ બરોડા 8નો મહેકમ છે તેવી જગ્યાએ આજે 4 જ વ્યક્તિનો સ્ટાફ હોવાથી 25થી 30 હજાર ખાતાધારકોને હાલાકી પડે છે.
આ અંગે રોનકભાઇ દવે, હસુભાઇ પરમાર, ભાવેશભાઇ દાવડા સહિતના ઓએ જણાવ્યું કે અમારે આ બેંકમાં ખાતુ હોવાથી અમારે દરરોજ આવવાનું થાય છે. પૈસાભરવા, ઉપાડવા કે પાસબુક અપડેટ કરાવવું સહિતના કામો માટે સતત લાઇનોમાં સવારેથી ઉભા રહી જઇ વારો આવે તેની રાહ જોવી પડે છે. ગ્રાહકોને સુવિધા માટે વહેલી તકે સ્ટાફની ભરતી કરાય તેવી અમારી માંગ છે. આ અંગે બેંક મેનેજર જિતેન્દ્રભાઇ શાહે જણાવ્યું કે સ્ટાફની ઘટ અંગે રિજનલ ઓફિસમાં જાણ કરી દેવામાં આવી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.