તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પડ્યા પર પાટું:ગૅસના ભાવમાં રૂ. 4.62નો વધારો ઝીંકાતાં સિરામિક ઉદ્યોગકારોને રોજનો રૂ. 11.08 લાખનો બોજ પડશે

થાન25 દિવસ પહેલા
  • કૉપી લિંક
સિરામીક એકમને અપાતા ગેસના ભાવમાં રાતોરાત રૂ.4.62નો વધારો કરાતા સિરામિક ઉદ્યોગને અસર થાય તેમ છે. - Divya Bhaskar
સિરામીક એકમને અપાતા ગેસના ભાવમાં રાતોરાત રૂ.4.62નો વધારો કરાતા સિરામિક ઉદ્યોગને અસર થાય તેમ છે.

સરકારે સિરામિક ઉદ્યોગોને અપાતા ગૅસના ભાવમાં રૂ. 4.62નો વધારો ઝીંકી દેતાં થાનના સિરામિક ઉદ્યોગકારોના માથે રોજના રૂ. 11,08,800ના ખર્ચનો બોજ આવ્યો છે. ગૅસના ભાવવધારાથી ધુંધવાયેલા ઉદ્યોગકારોએ આગળની રણનીતિ નક્કી કરવા બુધવારે તાકીદની બેઠક બોલાવી છે.

રો મટિરિયલમાં થયેલા 60 ટકા જેટલા ભાવવધારા સામે ઝઝૂમતા સિરામિક ઉદ્યોગ માટે ગૅસના ભાવનો વધારો ‘પડ્યા પર પાટું’ જેવો ઘાટ ઘડાયો છે. વર્ષ 2005માં ગુજરાત સરકારે એકમોને ગૅસલાઇનની સુવિધા આપી હતી ત્યારે 1 કિલો ગૅસના રૂ. 13 ભાવ હતો જ્યારે તાજેતરમાં રાતોરાત ગૅસના ભાવમાં રૂ. 4.62 વધારો ઝીંકી દેવાયો છે. આ કારણે વર્તમાન સમયે ઉદ્યોગકારોને રૂ. 35.14ના ભાવે 1 કિલો ગૅસ મળતો હતો, તે હવે રૂ. 39.76 ચૂકવવા પડશે.

વર્તમાન સમયે એકમોમાં રોજ 2.40 લાખ કિલો ગૅસનો વપરાશ છે. આ જોતાં જૂના ભાવ મુજબ ઉદ્યોગકારો રોજ ગૅસના રૂ. 84,33,600 ચૂકવતા હતા પરંતુ ભાવવધારો થતાં રૂ. 95,42,400 ચૂકવવા પડશે. આમ રોજ રૂ. 11,08,800 વધારે ચૂકવવા પડશે. તે જોતાં મહિને રૂ. 3.32 કરોડથી વધુનો ખર્ચ માત્ર ગૅસ પાછળ વધી જાય તેવી સ્થિતિ સર્જાઈ છે. ઑગસ્ટ, 2020માં ગૅસનો ભાવ રૂ. 26.08 હતો જે 2 વર્ષમાં વધીને રૂ. 39.76 થઈ ગયો છે. આમ, કોરોનાના કપરા સમયમાં ગૅસના ભાવમાં રૂ. 13.07નો વધારો કરી દેવાયો છે.

એક તરફ ભાવવધારો થઈ રહ્યો છે, બીજી બાજુ હરીફાઇને કારણે ઉદ્યોગકારો ઉત્પાદનના ભાવમાં વધારો કરી શકતા નથી. આ કારણે ભાવવધારાની ખોટ ઉદ્યોગકારને જ ખાવી પડે છે. પરિણામે, આગામી સમયમાં ઉદ્યોગકારો લડાયક મૂડમાં આવે તેવી સ્થિતિ સર્જાઈ છે. થાન પંથકમાં સિરામિક એકમનાં 300થી વધુ કારખાનાં ધમધમી રહ્યાં છે જેમાં તૈયાર કરાતાં પોખરાં, વેસ્ટર્ન પોખરાં, ગેડી સહિતની 100થી વસ્તુની વિશ્વભરમાં માંગ છે. અહીંયાંની ફૅક્ટરી સાથે જોડાઈને 45 હજારથી વધુ લોકો રોજીરોટી રળી રહ્યા છે.

સિરામિક એકમોના માલિકોએ તાકીદની બેઠક બોલાવી
ગૅસના ભાવમાં વારંવાર થતા વધારા સામે કાર્યવાહી કરવાના નક્કર નિર્ણય માટે બુધવારે થાનમાં ઉદ્યોગગકારોની બેઠક બોલાવવામાં આવી છે. બેઠકમાં આ બાબતે ચર્ચા કરીને છેક ગાંધીનગર સુધી પડઘો પાડવાની યોજના બનાવવામાં આવશે.

ગૅસના ભાવ વધારાથી માલ મોંઘો પડે તેમ છે, વિશ્વના બજારમાં ટકવું મુશ્કેલ
‘થાનના ઉદ્યોગકારો અનેક સમસ્યાનો સામનો કરી રહ્યા છે. તેમાં પણ ખાસ કરીને ચીન સહિતના દેશોમાં માલ સસ્તો બનાવીને વેચવામાં આવે છે. આથી આ વ્યવસાયને ખૂબ મોટી અસર પડી છે ત્યારે ગૅસના ભાવમાં જે વધારો કરવામાં આવ્યો છે, તેને લઈને માલ મોંઘો પડે તેમ છે, જેથી વિશ્વના બજારમાં ટકવું મુશ્કેલ બની જશે.’ > શાંતિલાલ પટેલ, ઉદ્યોગપતિ

ઓછા માર્જિનમાં ધંધો કરતા હોય આ ભાવનો ગૅસ કોઈ સંજોગોમાં પોસાય તેમ નથી
‘થાન સિરામિકની પ્રોડક્ટના રો-મટિરિયલના ભાવમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. મજૂરી પણ વધી ગઈ છે. ઉપરાંત માલનો બગાડ સહિતની મુશ્કેલીનો ઉદ્યોગકારો સામનો કરી રહ્યા છે ત્યારે ગૅસનો ભાવ વધારવામાં આવતાં ઉદ્યોગકારની હાલત કફોડી થઈ જાય તેવી સ્થિતિ છે. ઓછા માર્જિનમાં ધંધો કરતા હોઈ આ ભાવનો ગૅસ કોઈ સંજોગોમાં પોસાય તેમ નથી.’ > દુષ્યંતભાઈ સોમપુરા, ઉદ્યોગપતિ

અન્ય સમાચારો પણ છે...