બેઠક:3 મહિના કરતાં વધુ સમયથી ચાલતાં સિરામિક એકમોમાં 1 મહિનો ઉત્પાદન ઘટાડાશે

થાન25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગૅસના ભાવવધારા મુદ્દે થાનમાં પાંચાળ સિરામિક ઍસોસિયેશનની બેઠક યોજાઈ
  • ​​​​​​​આગામી સમયમાં પણ ગૅસનો ભાવ વધવાની શક્યતા સહિત પ્રશ્નો બેઠકમાં ચર્ચાયા

ગુજરાત ગેસ કંપની દ્વારા સિરામિક ઉદ્યોગને અપાતા ગૅસમાં સતત ભાવવધારાને કારણે પાંચાળ સિરામિક ઍસોસિયેશનની તાકીદની બેઠક યોજાઈ હતી. બેઠકમાં આગામી સમયમાં ભાવવધારાને પહોંચી વળવા રણનીતિ નક્કી કરાઈ હતી, જેમાં 3 માસથી વધુ સમય જે સિરામિક એકમ ચાલુ રહે તેને 1 માસ બંધ કરી પ્રોડક્શન ઘટાડવાનું અને ગૅસના ભાવ મુદ્દે સરકાર પાસે રજૂઆતનું નક્કી કરાયું હતું.થાનગઢમાં આવેલા સિરામિક ઉદ્યોગ પર અનેક પરિવારો નભે છે પરંતુ 18 દિવસમાં ભાવવધારો કરાયો છે.

હજુ 13 ઑક્ટોબરે જ ભાવમાં ઘટાડો કરવા ઍસોસિયેશને સરકારને રજૂઆત કરી હતી. આમ છતાં રૂ. 11.34નો ભાવ વધારી દેવાતાં ઉદ્યોગને મરણતોલ ફટકો પડ્યો છે. આ ભાવવધારા અંગે પાંચાળ સિરામિક ઍસોસિયેશનની બેઠક પ્રમુખ સુરેશભાઈ સોમપુરા, શાંતિલાલ પટેલ, પ્રભુદાસ પ્રજાપતિ, નાનજીભાઈ પટેલ, કિરીટભાઈ પ્રજાપતિ સહિત આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. ગૅસના ભાવવધારાની કપરી પરિસ્થિતિમાં કેવી રીતે ટકી રહેવું, તે મુદ્દે ચર્ચા થઈ હતી.

ઇમરજન્સીમાં પ્રોડક્ટના ભાવ 20 ટકા વધારો કરવો પડશે. હજુ દિવાળી પછી પણ રૂ. 10 જેટલો ભાવ વધવાની પૂરેપૂરી શક્યતાને ધ્યાને લઈ ઉદ્યોગને ટકાવી રાખવા ઉપાય નક્કી કરાયો હતો, જેમાં 3 માસથી વધારે જે સિરામિક એકમ ચાલુ રહે તેને 1 મહિના માટે બંધ કરી પ્રોડક્શન ઘટાવાનું નક્કી કરાયું હતું. જ્યારે આગામી સમયમાં ગૅસમાં ભાવવધારો ન કરવા માટે સરકારને રજૂઆત કરાશે, જેમાં ગૅસ અને વીજળીના ભાવવધારાથી 50 ટકાથી વધુ કારખાનાં થાનમાં બંધ થવાનો ભય હોવાથી મજૂરોની રોજીરોટી જાય તેમ હોવા અંગે રજૂઆત કરાશે.

અન્ય સમાચારો પણ છે...