તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દીકરીનાં વધામણાં:ત્રીજી પુત્રીનો જન્મ થતાં સુરેન્દ્રનગરના પ્રજાપતિ પરિવારે નકલંક ધામને રૂ. 2,22,222નું અનુદાન કર્યું

થાન15 દિવસ પહેલા
  • કૉપી લિંક
થાનગઢના પરિવારે દીકરીના જન્મને વધાવી ઉજવણી કરી હતી. - Divya Bhaskar
થાનગઢના પરિવારે દીકરીના જન્મને વધાવી ઉજવણી કરી હતી.
  • જન્માષ્ટમીના પાવન અવસરે ઈશ્વરના આશીર્વાદ ગણી લક્ષ્મીનાં વધામણાં કર્યાં

સમાજમાં હવે લક્ષ્મી અને દેવીશક્તિ સમાન ગણાતી દીકરીઓ પ્રત્યે જૂની રૂઢીઓ અને માનસિકતામાં મોટો બદલાવ આવ્યો છે. મોટા ભાગના શિક્ષિત અને સમજુ પરિવારના લોકો દીકરીના જન્મને દીકરાની જેમ જ હર્ષભેર ઊજવે છે. એટલું જ નહીં, દીકરીનું પણ પુત્રની જેમ જ લાલન-પાલન અને પોષણ કરે છે. આ બદલાવમાં પણ આજે સમાજ માટે નવો રાહ ચીધતી અને ક્રાંતિકારી પહેલ કરતી ઘટના સામે આવી છે. મોરબીના એક પ્રજાપતિ પરિવારના ઘરે બે દીકરી પર ફરી ત્રીજી દીકરીનો જન્મ થતાં પુત્ર ઘેલછાને બદલે ઈશ્વરના આશીર્વાદ સમજીને તેના જન્મને પણ ફૂલડે વધાવ્યો છે.

એટલું જ નહીં, તેમના મિત્રો તરફથી હડમતિયાના નકલંક ધામના ભૂમિદાન પેટે રૂ.2,22,222નું અનુદાન અપાયું છે. કોઈપણ પરિવારને પુત્રની મોટી આશા હોય છે. ખાસ કરીને જે પરિવારમાં અગાઉ બે દીકરી હોય તો તે પરિવારને ત્રીજા સંતાનમાં પુત્રનું અવતરણ થાય એવી અદમ્ય આશા હોય છે. કદાચ ઈશ્વર પુત્રને બદલે લક્ષ્મી સ્વરૂપા દીકરીની ભેટ આપે તો એ પરિવારમાં પુત્રી જન્મની ખુશીઓ હશે કે કેમ? આવી જ ઘટના મોરબીના એક પ્રજાપતિ પરિવારમાં બની છે. મોરબીમાં રહેતા થાનગઢમાં કારખાનું ધરાવતા કિરણ રિફેકટ્રીઝ નીતિનભાઈ સુંદરજીભાઈ મૈંજડિયાને સંતાનમાં અગાઉથી બે દીકરી છે. ત્યારે ફરી ઈશ્વરે દીકરીની ભેટ આપતાં નીતિનભાઈ અને તેમના પરિવારે ત્રીજી દીકરીના જન્મને ખુશીભેર મનાવ્યો છે. નીતિનભાઈ મૈંજડિયાના ઘરે જન્માષ્ટમીના પાવન અવસરે લક્ષ્મીજીનાં વધામણાં થયાં હતાં, આથી ઈશ્વરે આશીર્વાદરૂપે ત્રીજી દીકરીની ભેટ આપી હોવાનું સમજીને પ્રજાપતિ પરિવાર તથા મિત્રોએ ઉમંગભેર તેના જન્મનાં વધામણાં કરી પુત્ર કરતાં પણ સવાઈ રીતે તેના જન્મ પ્રસંગને ઊજવ્યો છે.

એટલું જ નહીં, નીતિનભાઈના મિત્રોએ લક્ષ્મીજીનાં વધામણાંની ખુશીમાં ટંકારાના હડમતિયા ગામે સમસ્ત વરિયા પ્રજાપતિ સમાજના આસ્થાના કેન્દ્ર સમાન નકલંકધામની જગ્યામાં ગુરુદેવને સેવકાર્યો માટે ભૂમિદાન પેટે રૂ.2,22,222નું અનુદાન આપ્યુ છે. આમ, આ પરિવારે દીકરી-દીકરો એકસમાન હોવાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે અને સમાજને દીકરીઓ પ્રત્યેની જૂની રૂઢિઓ તેમજ માનસિકતામાંથી બહાર આવી દીકરીને વહાલનો દરિયો ગણીને તેનું પુત્રની જેમ જ લાલન-પાલન કરવાનું ઉતમ ઉદાહરણ આપ્યું છે.