તસ્કરી:થાનમાં ચાલી રહેલા મકાનના બાંધકામના 1.35 લાખના સળિયાની ચોરી

થાન19 દિવસ પહેલા
  • કૉપી લિંક

થાનગઢની નંદનવન સોસાયટી નેશનલ કાંટા પાછળના પ્લોટમાં મકાનના બાંધકામના સળિયા પડ્યા હતા. જેને અજાણ્યા શખસો રાત્રી દરમિયાન આવી છકડામાં નાખી લઇ ગયા. આ બનાવની ભોગ બનનારે ફરીયાદ નોંધવતા પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે.

થાન પોલીસ સ્ટેશને રામાભાઇ ભરવાડે ચોરીની ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેઓ છેલ્લા 1 માસથી નંદનવન સોસાયટી નેશનલ કાંટાની પાછળ પ્લોટમાં મકાનનું બાંધકામ ચાલુ કર્યું છે. તેઓ 27-4-2022ના રોજ લોખંડના સળિયા ખરીદી નેશનલ કાંટાવાળા પ્લોટમાં રાખ્યા હતા.સેન્ટિંગ કામના કડિયા તે દિવસે કામ કરતા હતા. તા.28એ સાંજે સ્થળ પર સળિયા હતા.

તા.29ના રોજ સવારે 9 વાગ્યે કડિયા કામ પર આવતા લોખંડની ભારીઓ ઓછી થયેલી જણાઇ હતી. આથી ફોન કરતા તેઓ નેશનલ કાંટે આવેલા પ્લોટે દોડી ગયા હતા.જ્યાં જૂનું લોખંડ જેમનું તેમ પડ્યું હતું પણ તા.27ના રોજ ખરીદેલુ નવું લોખંડ હતું તેમાંથી અડધા લોખંડની ચોરી થઇ ગયાનું જણાયું હતું.

આસપાસમાં તપાસ કરતા સીસીટીવી કેમેરામાં રાત્રી દરમિયાન અજાણ્યા શખસો છકડામાં લોખંડ લઇ જતા જણાય છે. આથી રૂ.1,35,000ના મુદ્દામાલની ચોરીની ફરીયાદ નોંધાવી હતી. જેને લઇ થાન પોલીસે સીસીટીવી કેમેરા ફૂટેજની મદદથી આરોપી ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...