6 દિવસમાં જ 71 ગામો ભરડામાં:સુરેન્દ્રનગરના 8 તાલુકાનાં 91 ગામોમાં જીવલેણ વાઇરસ પ્રસર્યો

સાયલા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લમ્પીને લીધે અત્યાર સુધીમાં 56 ગૌવંશનાં મૃત્યુ થયાં
  • 1007 ગૌધનને લમ્પી વાઇરસ થયો

સુરેન્દ્રનગર જિલ્લામાં દિવસે ને દિવસે લમ્પીનો રોગ એક પછી એક ગામને ભરડામાં લઈ રહ્યો છે. અઠવાડિયા પહેલાં જિલ્લાનાં 20 ગામોનાં ગૌવંશમાં જ લમ્પીનો રોગ જોવા મળ્યો હતો અને અત્યારે 8 તાલુકાનાં 91 ગામોમાં આ રોગ ચિંતાજનક રીતે પ્રસરી ચૂક્યો છે. માત્ર 6 દિવસમાં જ વધુ 71 ગામોનાં આ રોગ ફેલાઈ ચૂક્યો છે. અત્યાર સુધીમાં 1007 ગૌવંશને લમ્પીનો ચેપ લાગ્યો છે જ્યારે 56નાં મૃત્યુ થયાં છે. આ કારણે પશુપાલકોની સાથે પાંજરાપોળના સંચાલકોમાં પણ ચિંતા જોવા મળી રહી છે. અને આથી જ જિલ્લાની અંદાજે 10 જેટલી નાનીમોટી પાંજરાપોળોના સંચાલકોએ અત્યારે નવા પશુ ન સ્વીકારવાનો નિર્ણય લીધો છે.

પાંજરાપોળના પશુમાં રોગ ન પ્રસરે તે માટે નવાં પશુઓ ન સ્વીકારવા નિર્ણય
જિલ્લામાં વર્તમાન સમયે કુલ 8,39,295 પશુ છે, તેમાંથી 3,25,680 ગાય છે. જિલ્લામાં વર્તમાન સમયે ખાસ કરીને ગૌવંશમાં ફેલાયેલા લમ્પી રોગને કારણે પશુપાલનના વ્યવસાયને માઠી અસર થઈ છે. આરોગ્યની ટીમ કામે લાગી છે છતાં રોગ અટકવાનું નામ લેતો નથી. વર્તમાન સમયે જિલ્લાના 8 તાલુકાનાં કુલ 91 ગામમાં લમ્પીએ પગપેસરો કરી દીધો છે. રોગ નવો હોવાને કારણે તેની કોઈ ચોક્કસ દવા શોધાઈ નથી, જેથી ભોગ બનેલાં પશુઓની સારવાર કરવી મુશ્કેલ બની છે.

હાલના સમયે પશુપાલન ખાતા પાસે એક માત્ર રસી આપવાનો જ ઉપાય છે. આવા સમયે પાંજરાપોળમાં રહેલા પશુની મુશ્કેલી વધતી હોય છે. કારણ કે પશુ દુબળું કે બીમાર પડે ત્યારે જ તેને પાંજરાપોળમાં મુકાતું હોય છે. અત્યારે જિલ્લાની 10 જેટલી પાંજરાપોળમાં 30 હજારથી વધુ પશુને આશરો અપાઈ રહ્યો છે. સુખદ વાત એ છે કે પાંજરાપોળનાં પશુઓને લમ્પીનો ચેપ લાગ્યો નથી પરંતુ તેમને ચેપ ન લાગે તે માટે પાંજરાપોળના સંચાલકોએ આવી સ્થિતિમાં પાંજરાપોળમાં નવાં પશુ ન સ્વીકારવાનો નિર્ણય લીધો છે.

લીંબડીના પશુ ચિકિત્સક ડૉ. વી. જી. પટેલ અને ચુડાના પશુ ચિકિત્સક ડૉ. સુનિલ પ્રજાપતિએ જણાવ્યું કે ગેડી, ભોયકા, રાણાગઢ અને લીંબડી શહેરમાં 15 જેટલાં પશુમાં લમ્પીનાં લક્ષણો જોવા મળ્યાં છે. સરકારી, ડેરીઓ અને ખાનગી 4 હજારથી વધુ પશુને વેક્સિનેશન કરી દેવામાં આવ્યું છે. ભૃગુપુર, ચાચકા, ઝીંઝાવદર, ચુડા અને ચોકડી ગામે 10 પશુમાં લમ્પીનાં લક્ષણો દેખાતાં તાલુકામાં ગાય વર્ગના 1900 પશુધનમાંથી 1500 પશુને રસી અપાઈ છે.

રોગની ગંભીરતા પશુ તબીબોએ પાંજરાપોળની વિઝિટ ચાલુ કરી
રોગની ગંભીરતાને ધ્યાને રાખીને ગ્રામ્ય વિસ્તારોમાં રસીકરણ અને પશુઓને સારવાર આપવા માટેની કાર્યવહી ચાલુ જ છે. સાથેસાથે પશુપાલકોની એક ટીમ પાંજરાપોળોની પણ મુલાકાત લઈ રહી છે. સદ્્નસીબે પાંજરાપોળનાં પશુઓમાં આ રોગ દેખાયો નથી.’ > પી. ટી. કણઝરિયા, જિલ્લા પશુપાલન અધિકારી

પાંજરાપોળમાં ગુગળનો ધૂપ કરી પશુને સુરક્ષિત કરવાનો પ્રયાસ
સાયલા પાંજરાપોળમાં હાલના સમયે 1900થી વધુ પશુને આશરો અપાયો છે. હાલ પશુઓમાં રોગ જોવા નથી મળ્યો, છતાં પાંજરાપોળમાં ગુગળનો ધૂપ કરાય છે. પશુઓને એકબીજાથી દૂર રાખીને સતત મૉનિટરિંગ કરવામાં આવે છે.’ > જીતુભાઈ શાહ, સંચાલક, સયાલા પાંજરાપોળ

પશુપાલકો ચિંતિત : લીંબડી-ચુડાના પશુઓમાં લમ્પી વાયરસના લક્ષણો દેખાતા પશુપાલકો ચિંતિત બન્યા. પૃથ્વીરાજસિંહ ઝાલા

પાંજરાપોળોમાં સંચાલકોએ સ્વખર્ચે રસી આપવાનું ચાલુ કર્યું
જિલ્લામાં જે રીતે પશુઓમાં લમ્પી નામનો રોગ દેખાયો છે તેને કારણે પશુપાલકોની સાથે જિલ્લામાં આવેલી પાંજરાપોળોના સંચાલકોમાં પણ ચિંતા જોવા મળી રહી છે. અને આથી જ સંચાલકોએ પોતાના ખર્ચે પાંજરાપોળમાં રહેલા પશુને રસી આપવાની શરૂ કરી દીધી છે.

ચિત્રાલાંકમાં શંકાસ્પદ ગાયના મોતથી પશુચિકત્સક ટીમની દોડધામ
સાયલાના ધારાડુંગરી 3, જશાપર 1, ચિત્રાંલાક ગામનાં ગૌવંશમાં લમ્પી રોગે દેખા દીધા છે, જેથી 20 ગામોમાં 50 પશુમાં અસર જોવા મળે છે. ચિત્રાલાકમાં થોડા દિવસ અગાઉ ગાયનું લમ્પીથી મોત થયું હતું. સાયલાના પશુ ચિકિત્સક ડૉ. ઘનશ્યામભાઈ ગોહિલે જણાવ્યું કે, ચિત્રાલાંકની સીમ જમીનમાં વસવાટ કરતા પશુપાલકોના પશુઓમાં લમ્પીની અસર જોવા મળતી નથી. સાયલાના ધારાડુંગરી, જશાપર ગામોમાં પશુઓમાં લમ્પી રોગ જોવા મળે છે.

બીજી તરફ રાજ્ય સરકારની ગૌમાતા પોષણ યોજનાનો લાભ નહીં

3 મહિના પછી પણ 24 પાંજરાપોળનાં 30,000 પશુ માટે સહાય નથી મળી

ઝાલાવાડની 29 મહાજન પાંજરાપોળનાં 30,000 પશુને ધાસચારો, પક્ષીઓને ચણ, પીવાનાં પાણીની જરૂરિયાત રહે છે. જીવદાયા પ્રેમીઓના દાનના સથવારે ચાલતી દરેક પાંજરાપોળ દેવા હેઠળ છે. 3 મહિના પહેલાં સરકારે ગૌમાતા પોષણ યોજના હેઠળ રૂ. 500 કરોડની સહાયની જાહેરાત કરી હતી, જેમાં દર મહિને પશુ દીઠ દૈનિક રૂ. 30 આપવાની જોગવાઈ કરાઈ હતી. જોકે હજી સુધી સહાય ન મળતાં ઝાલાવાડ ફેડરેશનના મહામંત્રી જીતુભાઈ શાહ, મયૂરભાઈ વોરા, નરેન્દ્રભાઈ શાહ સહિતના પાંજરાપોળના આગેવાનોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ઝડપભેર સહાય આપવાની રજૂઆત કરી હતી.

પશુઓનો દૈનિક નિભાવ ખર્ચ રૂપિયા 100થી વધુ
29 પાંજરાપોળમાં 30,000થી વધુ અબોલ પશુ છે. જેમાં સરેરાશ પશુનો ઘાસચારો, દવા, પશુદાણ, મજૂરી સહિતનો નિભાવ ખર્ચ દૈનિક રૂ. 100થી વધુ રહે છે. બીજી તરફ પાંજરાપોળમાં વધુ રકમ કે ચેક આપનારા દાતાઓના પાન કાર્ડ, આધાર કાર્ડ જરૂરી અને રોકડ રૂ. 2000થી વધુ રકમ ન સ્વીકારવાના નિયમ છે, આ કારણે હાલમાં દાનના પ્રવાહમાં 30 ટકાનો ઘટાડો થતો જોવા મળી રહ્યો છે.
ढ{ કરોડોનો આર્થિક બોજ સાયલા મહાજન પાંજરાપોળને રૂ. 67 લાખનું દેવું છે ત્યારે પાંજરાપોળમાં દાનના પ્રવાહ ઘટાડાના કારણે તમામ પાંજરાપોળની આર્થિક સંકડામણ અનુભવે છે અને ઝાલાવાડની 24 પાંજરાપોળની સરેરાશ કરોડો રૂપિયાનું દેવું છે.

અન્ય સમાચારો પણ છે...