સાયલાના ધનાવાડી વિસ્તારમાં કણઝરિયા પરિવારના ઘર તસ્કરોએ હાથ અજમાવીને ચાંદી અને સોનું અને રોકડ સહિત અંદાજીત 6 લાખની ચોરી કરી ગયા હતા. આ બનાવની પરિવારજનો પોલીસ સ્ટેશને જાણ કરતા પોલીસમાં દોડધામ મચી હતી અને પોલીસે ગુન્હો દાખલ કરવા તજવીજ હાથધરી છે.
સાયલાના સૌથી છેવાડાના ધનાવાડી વિસ્તારમાં કણઝરિયા રમણીકભાઇ પ્રભુભાઇનું મકાન આવેલું છે. એક માસ પહેલા દિકરા ભાવેશભાઇના લગ્ન થતા નવદંપતી સાસરે હતા અને રમણીકભાઇ અને તેમના પત્ની શારદાબેન ઘરના એક રૂમમાં સૂતા હતા. આ દરમિયાન રાત્રિના સમયે કોઇ અજાણ્યા શખસોએ ઘરમાં ઘૂસી બીજા રૂમના કબાટ તોડીને તેમાં રહેલા અંદાજિત 500 ગ્રામ ચાંદી, 11 તોલા સોનું અને 35,000ની રોકડ સહિત અંદાજિત 6 લાખની ચોરી કરી હતી.
તસ્કરોએ ઘરના મુખ્ય દરવાજો તેમજ પાછળના રસ્તો બંધ કરીને નાસી ગયા હતા. વ્હેલી સવારે રમણીકભાઇને જાણ થતા બહારથી ઘર બંધ હોવાથી પાડોશીને મોબાઇલ કરીને પોતાનું બંધ ઘર ખોલાવ્યું હતું. રાત્રિના સમયે ચોરી થવાની આજુબાજુમાં જાણ થતા લોકો દોડી આવ્યા હતા અને વધુ તપાસ કરતા રહેણાક મકાન પાછળના વાડી વિસ્તારમાં બેગ મળી આવી હતી. જેમાં દસ્તાવેજી અને કાગળો હતા પરિવારજનો પોલીસ સ્ટેશને જાણ કરતા પોલીસમાં દોડધામ મચી હતી આ બાબતે પોલીસે ગુનો દાખલ કરવા તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.