થોરીયાળી ડેમનું પાણી તળીયે:ખાણનું પાણી ખૂટ્યું અને નર્મદાનું પાણી નહિવત્

સાયલા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નર્મદાનું નહિવત પાણી આપતા તંત્રના મોટર અને પાઇપલાઇન આપવાના ગલ્લા તલ્લા

સાયલામાં ઉનાળાની શરૂઆતે જ થોરીયાળી ડેમ અને ખાણમાં પાણી ખૂટતા શહેરમાં પીવાની સમસ્યા વધતી જોવા મળે છે. અને મહિલાઓ પાણી માટે રઝળપાટ કરતા જોવા મળે છે. ખાણ અને નહિવત મળતું નર્મદાનું પાણી વિતરણ કરતા પંચાયત તંત્ર પાસે કરેલી પાઇપ લાઇન, મોટર અને બોર માટેની રજુઆતનો કોઇ ઉકેલ ન આવતા પાણી સંકટથી પ્રજાજનો ત્રસ્ત બની છે.

સાયલા શહેરમાં કરોડોના ખચે બનેલી વાસ્મો યોજનાને કાયમી પાણી કયાંથી મળશે તેવા અપૂર્ણ યોજનાથી ખરા ઉનાળે 16 હજારની વસ્તીને પીવાના પાણીની રામાયણ શરૂ થઇ છે. થોરીયાળી ડેમનું તળીયે રહેલું પાણી દુષિત પાણી સાથે નર્મદા અને ખાણનાં ત્રિવેણી સંગમ સાથે પાણી વિતરણ કરવામાં આવે છે 22 ઝોન મુજબ 15 દિવસે પાણી વિતરણ થતા પ્રજાજનો પાણી સમસ્યાથી પીડીત બની છે. અને મહિલાઓ પાણી સમસ્યાથી તંગ આવીને પાણી ભરવા માટે રઝળપાટ કરતા જોવા મળી રહ્યા છે.

આ બાબતે સાયલા સરપંચ અજયરાજસિંહ ઝાલાના જણાવ્યા મુજબ ડેમ ખાલી થતા પાણી પુરવઠા વિભાગને પાણીના આગોતરા આયોજન માટે રજુઆત કરી અને ધારાસભ્યના સુચનાથી નર્મદાનું પાણી આપવાનું શરૂ કર્યુ હતુ. પરંતુ થોડા દિવસ બાદ નર્મદાનું અપુરતા પાણી વિતરણથી અને પાણી મેળવતા ખાણ ખાલી થતા પાણી સમસ્યા વધુ વિકટ બની છે.

આ બાબતે ગ્રામ પંચાયતે અન્ય ખાણમાંથી પાણી ઉપાડવાની કાર્યવાહી શરૂ કરી છે. આ માટે પાણી પુરવઠા વિભાગને 4000 ફુટ પાઇપ લાઇન અને 25-30ની 1 મોટર આપવાની રજુઆત કરી છે. પરંતુ આ બાબતે તંત્ર કાર્યવાહી કરતું નથી. બીજી તરફ ખાણમાં પાણી ખૂટતા બીજી ખાણમાં પાણી હોવાના કારણે પાણી ઉપાડવા માટે વીજ કનેકશન ફેરવવા માટે પણ વીજ તંત્રને જાણ કરવા છતાં કોઇ કાર્યવાહી ન થતા પાણી, તંત્ર અને વીજ સમસ્યાથી પરેશાન પ્રજાજનો માટે પાણીનું સંકટ જોવા મળી રહ્યુ છે.

સાયલા પંચાયતે પાણીની સમસ્યાને દૂર કરવા માટે પાણીના વહેણનાં કારણે પંચાયતી બોરની બાજુમાં બીજો બોર, તળાવની બાજુમાં અને પાણીની ટાંકી પાસે પાણીનો બોર પાણી પુરવઠા વિભાગ દ્વારા કરવામાં આવે તેવી પણ રજુઆત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...