કાર્યવાહી:સાયલાના સુદામડા ગામની સીમમાં રૂ. 34.64 કરોડનું ખનીજ પકડાયું

સાયલા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાના ઇતિહાસમાં સૌથી મોટી ખનીજ ચોરી પકડાઈ
  • 5 હીટાચી, 13 ​​​​​​​ડમ્પર જપ્ત: 33 સામે ગુનો દાખલ કરાયો

કાળી કપચીના વ્યવસાય માટે ગુજરાતમાં જાણીતા સાયલાના સુદામડા ગામની જમીનમાં ગેરકાયદે ખોદકામ કરીને ખનીજ ચોરીના મસ મોટા કૌભાંડનો પર્દાફાસ કરવામાં આવ્યો છે. પોલીસ અને ખાણ ખનીજની ટીમે સંયુક્ત રીતે પાડેલા આ દરોડામાં રૂ.34.64 કરોડની કિંમતના કુલ 8.67 કરોડ મેટ્રિક ટનથી વધુ કાળા પથ્થરનો જથ્થો તથા 13 ડંપર સાથે ખોદાકામ માટેના આધુનિક સાધનો પણ મળી આવ્યા હતા.

ખનીજ ચોરીના આ કૌભાંડમાં ખોદકામનો ગોરખધંધો કરનાર સહિત કુલ 33 શખસ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જિલ્લામાં સૌ પ્રથમવાર દરોડામાં આટલી મોટી ખનીજ ચોરી પકડાતા ખળભળાટ મચી ગયો છે.સાયલા તાલુકાના જશાપર, કેરાળા સહિત સુદામડાની સીમમાં ગેરકાયદે પથ્થરનું ખોદકામ ચિંતાજનક વધી રહ્યું છે. આ બાબતે ખનીજ વિભાગે નવાવર્ષના ગેરકાયદે ખનીજનું ખોદકામ કરતા શખસ સામે કાર્યવાહી હાથ ધરી છે.

સુદામડાની સીમ જમીનમાં આવેલી પથ્થરની ખાણમાં પ્રાથમિક ગેરકાયદે બ્લેક ટ્રેપનું ખોદકામ કરતા હોવાનું જાણ થઇ હતી.આથી માઇન્સ સુપરવાઇઝર એ.એન.પરમાર, લીંબડી ડીવાયએસપી અને સાયલા પોલીસ કર્મચારીઓએ સુદામડાના સરવે નંબર 638અને 639માં પ્રદીપભાઇ છેલભાઇ ખાચર ગેરકાયદે 5 હીટાચી મશીન દ્વારા ખોદકામ થતું હોવાનું બહાર આવ્યું હતું.

આથી તમામ હીટાચી મશીન અને 13 ડમ્પરને પોલીસે ઝડપી લીધા હતા. આ બાબતે ખનીજ વિભાગ દ્વારા સરવે નંબરની ખોદકામ થયેલી જમીનમાં 8,67,556.93 મેટ્રિક ટન અને મુદામાલ સાથે કિમત રૂ.34,64,34,984ની ખનીજ ચોરી થયાની સાયલા પોલીસને જાણ કરાઇ હતી. આથી ગેરકાયદે ખાણના સંચાલક પ્રદિપભાઇ ખાચર, 5 હિટાચી મશીનના ચાલક, માલિક અને 12 ડમ્પર સહિતના માલિક, ચાલકો સહિત 33 શખસ સામે સાયલા પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

18 વાહનને 21 લાખ કમ્પાઉન્ડ ફીનો દંડ
સાયલાના ગેરકાયદે ખનીજ ઓપરેશનમાં 5 હીટાચી મશીન, 1 બ્લેક ટ્રેપ અને 12 ડમ્પરમાં ભરેલા કાળા પથ્થર સાથે સાયલા પોલીસ સ્ટેશને મુકવામાં આવતા તમામ વાહન સામે રૂ.21,01,638નો દંડ ફટકારવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...