તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:નર્મદાથી ઝાલાવાડ તરબતર છતાં સાયલાની મહિલાઓને હવાડામાંથી પાણી ભરવાનો વારો

સાયલા20 દિવસ પહેલાલેખક: વિપુલ જોશી
  • કૉપી લિંક

ઝાલાવાડને નર્મદાનાં નીરનો સૌથી વધુ લાભ મળ્યો હોવાની વાતો કરવામાં આવી રહી છે. ધોળીધજા ડેમથી છેક સૌરાષ્ટ્ર અને કચ્છ સુધી પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. આથી ઝાલાવાડને સૌરાષ્ટ્ર-કચ્છનું પાણિયારું કહેવામાં આવે છે પરંતુ સાયલા તાલુકાનાં 13 ગામો તળાવકાંઠે તરસ્યાં હોવાની સ્થિતિ સર્જાઈ છે.

સાયલાનાં છેવાડાનાં આ ગામોના લોકો આજે પણ પાણી માટે રઝળપાટ કરી રહ્યા છે. તેમાં 7 ગામોના લોકો તો 6 વર્ષથી ટાંકાનું જ પાણી પીવા મજબૂર બન્યા છે. ગામની મહિલાઓ સવારથી જ ટાંકાની રાહ જોઈને બેસે છે અને ટાંકો આવે ત્યારે પાણી ભરવા દોડી આવે છે. નાનાં બાળકોને કાખમાં લઈ માથે બેડું મૂકીને પાણી ભરવા આવવું પડે તેવી સ્થિતિ છે. હાલના સમયે જે 7 ગામોમાં ટેન્કર દ્વારા પાણી પહોંચાડવામાં આવે છે, તેમાં ગામની વસ્તી મુજબ ટેન્કર ફાળવાય છે. 15000 હજાર લીટરના 3 ટેન્કર છે. જે દિવસ દરમિયાન 15 જેટલા ફેરા કરી શકે છે.

વર્ષ 2010ની વસ્તી ગણતરી મુજબ આ 7 ગામોની કુલ વસ્તી 15964 છે જ્યારે 20 હજારથી વધુ પશુધન છે. અત્યારે જે રીતે ટેન્કર મોકલવામાં આવે છે તે જોતાં રોજ 1 વ્યક્તિને માત્ર 14 લીટર પાણી મળે છે. આટલા ઓછા પાણીમાં ગામલોકોનું પૂરું નથી થતું ત્યાં આટલી મોટી સંખ્યામાં રહેલા માલઢોરનું કેવી રીતે પૂરું કરવું, તે ગ્રામજનોની મોટી સમસ્યા છે.

આ તાલુકાના અન્ય 9 ગામોમાં પણ પાણીની મોટી મુશ્કેલી છે. આમ કુલ 16 ગામના 33620 લોકો ભરચોમાસે પાણીની મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. બીજી બાજુ આ પંથકનાં ગામોમાં પાણી તો છે પરંતુ તે તૂરું અને પીવાલાયક નથી. સમ્પમાં પાણી હોય તો લાઇટ જવાને કારણે ટાંકા ભરી શકાતાં નથી.

સરપંચો શું કહે છે?
અનેક રજૂઆતો કરી છતાં પૂરતું પાણી મળતું નથી

‘ગામમાં પાણીની ઘણા વર્ષોથી સમસ્યા છે. આ બાબતે અમે અનેક વાર પાણી પુરવઠા વિભાગમાં રજૂઆત કરી છે. છતાં હજુ સુધી સમસ્યા હલ કરવામાં આવી નથી. ટેન્કરથી પાણી આવે તેમાં માણસો અને માલઢોરનું કેવી રીતે પૂરું કરવું, એ સમસ્યા છે.’> પાચાભાઈ લુણી, પૂર્વ સરપંચ, નિનામા

પશુને તરસ્યાં જોઈ જીવ કકળે
પાણીની મુશ્કેલીથી હવે તોબા પોકારી ઊઠ્યા છીએ. ગામમાં માણસો કરતાં પશુની સંખ્યા વધુ છે. માલિકીના પશુને પણ પૂરતું પાણી મળતું નથી ત્યાં ગામમાં જે રેઢિયાર ઢોર ફરે છે, તેમનું શું થાય? પશુને પાણી વગર ટળવળતાં જોઈ જીવ કકળે છે.’ > દેવાભાઈ ખાચર, પૂર્વ સરપંચ, નાના હરણિયા

તંત્ર શું કહે છે?
નિનામા સમ્પ, સુખભાદરમાંથી ગામોને પાણી આપવાનું આયોજન
‘મુશ્કેલીવાળાં ગામોને પૂરતા પ્રમાણમાં પાણી આપવા માટે નિનામા ખાતેના સબ હેડ વર્ક્સના સમ્પમાં 160 પીવીસી પાઇપ દ્વારા પાણી ઠાલવવામાં આવશે. અને બાકીનાં ગામોને સુખભાદરમાંથી પાણી આપવાનું આયોજન કરવામાં આવ્યુ છે.’> એન. ટી. પરમાર, ડૅપ્યુટી એન્જિનિયર, પાણી પુરવઠા

​​​​​​​આ છે કારણ મોઢુકા યોજનાનું પાણી બંધ થયું
સાયલાના નિનામા, શેખડોદ, નાના હરણિયા સહિતનાં ગામોને મોઢુકા જૂથ યોજનામાંથી પાણી આપવામાં આવતું હતું પરંતુ જસદણ અને વિંછિયા તાલુકાઓનાં ગામોમાં પાણીની સમસ્યા સર્જાતાં સાયલાનાં આ ગામોને પાણી આપવાનું બંધ કરી દેવાયું છે. આથી આ ગામોમાં પાણીની સમસ્યા સર્જાઈ છે.

આટલી ઘટ 15 લાખ લીટર પાણી ઓછું મળે છે
આ ગામોની તરસ છીપાવવા માટે ધાંધલપુર ગામે સમ્પ બનાવાયો છે, જેમાં નર્મદાનાં નીર ઠાલવવામાં આવે છે. સમ્પની ક્ષમતા 25 લાખ લીટરની છે, જેમાં રોજ 35 લાખ લીટર પાણીની આવક થાય છે. પરંતુ રોજ 50 લાખ લીટર પાણીની જરૂર રહે છે. રોજ 15 લાખ લીટર પાણીની ઘટ રહે છે.

અન્ય સમાચારો પણ છે...