વિધાનસભા સંગ્રામ 2022:કૉંગ્રેસે ચોટીલા અને પાટડી પર બંને ધારાસભ્ય રીપીટ કર્યા, જ્ઞાતિના ગણિતની સાથે નવા ચહેરાને તક આપી

સાયલા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
કલ્પનાબેન મકવાણા સ્નાતક - Divya Bhaskar
કલ્પનાબેન મકવાણા સ્નાતક
  • કૉંગ્રેસે સુરેન્દ્રનગર જિલ્લાની 5માંથી ધ્રાંગધ્રા સિવાયની ચારેય બેઠકના ઉમેદવારોનાં નામ જાહેર કર્યાં
  • લીંબડી, ચોટીલાના કોળી મતદારોને રીઝવવા કૉંગ્રેસે પીઢ નેતાનાં સંતાનોને ટિકિટ આપી

ઝાલાવાડની 4 બેઠક વઢવાણ, લીંબડી, પાટડી અને ચોટીલા માટે કૉંગ્રેસે ઉમેદવારો જાહેર કર્યા છે. 3માંથી ચોટીલા અને પાટડી બેઠકો પર અપેક્ષા પ્રમાણે બંને ધારાસભ્યોને કૉંગ્રેસે રીપીટ કર્યા છે. બીજી તરફ કોળી જ્ઞાતિનું પ્રભુત્વ ધરાવતી લીંબડી બેઠક ઉપર પીઢ કૉંગ્રેસી અને કોળી આગેવાનની પુત્રીને ટિકિટ આપીને કૉંગ્રેસે જ્ઞાતિનું સમીકરણ સાચવવા સાથે મહિલા મતદારોને આકર્ષવાનો એક કાંકરે બે પક્ષી મારવાનો ખેલ કર્યો છે. બીજી બાજુ કૉંગ્રેસનું મોવડી મંડળ ધ્રાંગધ્રામાં કોને ટિકિટ આપવી, તેની ગડમથલમાં છે. જોકે મોડી રાત્રે નામો જાહેર થાય તો નવાઈ નહીં. હાલમાં જાહેર થયેલા ત્રણેય ઉમેદવારે પોતપોતાના સમર્થકો અને ટેકેદારો સાથે પોતપોતાના ઈષ્ટદેવનાં આશીર્વાદ લઈને પ્રચારકાર્ય આરંભી દીધું છે.

ભાજપમાં ચૂંટણી હારેલાં કલ્પનાબહેનને કૉંગ્રેસે ફરી તક આપી
સાયલા : ચોટીલા-સાયલા વિસ્તારમાં કૉંગ્રેસમાં પ્રભુત્વ ધરાવતા સ્વ. કરમશીભાઈ મકવાણાનાં સંતાનો ચૂંટણી લડી રહ્યાં છે. 2007માં ચોટીલા, વઢવાણમાં મહિલાને ટિકિટ આપીને ભાજપે રાજકીય સમીકરણો બદલ્યાં હતાં પરંતુ કરમશીભાઈનાં દીકરી કલ્પનાબહેન 26604 મતથી હારતાં ભાજપે બેઠક ગુમાવી હતી પરંતુ પેટાચૂંટણીમાં કલ્પનાબહેનના ભાઈ મહેશભાઈને લડાવીને સીટ હાથવેંત કરી હતી.

કલ્પનાબહેન ભાજપમાં રહીને 2010માં જિલ્લા પંચાયતની ડોળિયા બેઠક જીતીને ઉપપ્રમુખ બન્યાં હતાં. ત્યાર પછી ભાજપ સાથે છેડો ફાડીને કૉંગ્રેસમાં જોડાયાં અને 2015માં જિલ્લા પંચાયતના પ્રમુખ અને 2020માં વિરોધ પક્ષના નેતા બન્યાં હતાં.સાયલાના તળપદા મતદારો પરની પકડને કારણે કૉંગ્રેસે તેમને ટિકિટ આપીને ભાજપના કિરીટસિંહ રાણાને કાંટાની ટક્કર આપી છે.

લીંબડી : કોળી જ્ઞાતિના પ્રભુત્વવાળી બેઠક પર પીઢ કૉંગ્રેસીનાં દીકરીને ઉતાર્યાં
પસંદગીનું કારણ શું : લીંબડી વિધાનસભા મતવિસ્તારમાં લીંબડીની સાથે સાયલા તાલુકાનાં ગામોનો સમાવેશ કરવામાં આવે છે. આ વિધાનસભા વિસ્તારમાં સૌથી વધુ કોળી મતદારો છે. કોળી જ્ઞાતિનું પ્રભુત્વ ધરાવતી આ બેઠક ઉપર કૉંગ્રેસે પીઢ કૉંગ્રેસી આગેવાન કરમશીભાઈ મકવાણાનાં દીકરી અને ચોટીલાના વર્તમાન ધારાસભ્ય ઋત્વિક મકવાણાનાં બહેન કલ્પનાબહેન મકવાણાને મેદાનમાં ઉતાર્યાં છે.

કૉંગ્રેસ આ બેઠક ઉપર કોળી જ્ઞાતિના ઉમેદવારને જ ટિકિટ આપતી આવી છે ત્યારે આ વખતે મહિલા ઉમેદવારનો પણ ફાયદો લેવા કલ્પનાબહેનને ટિકિટ આપી છે. તેઓ જિલ્લા પંચાયતમાંથી ચૂંટાયેલા છે અને અગાઉ પ્રમુખ પણ રહી ચૂક્યાં છે. કોળી અને મહિલા મતદારોને આકર્ષવાનો પ્રયાસ છે.

2017નું પરિણામ :
કૉંગ્રેસના સોમાભાઈ પટેલ અને ભાજપના કિરીટસિંહ રાણા વચ્ચે ટક્કર જામી હતી, જેમાં 14651 મતે સોમાભાઈ જીત્યા હતા. જોકે પછી તેમણે રાજીનામું આપી દેતાં પેટાચૂંટણી યોજાઈ હતી અને તેમાં કિરીટસિંહ રાણા જીત્યા હતા.

ચોટીલા : કોળી જ્ઞાતિ અને લોકપ્રતિનિધિત્વને કારણે રીપીટ કરાયા

ઋત્વિક મકવાણા ડીબીએડ
ઋત્વિક મકવાણા ડીબીએડ

પસંદગીનું કારણ શું : આ વિધાનસભા વિસ્તારમાં ચોટીલા ઉપરાંત થાન અને મૂળી તાલુકાનાં ગામડાંનો સમાવેશ થાય છે. આ 3 તાલુકાનાં ગામડાંમાં કોળી જ્ઞાતિનું સૌથી વધુ પ્રભુત્વ છે. ઉપરાંત ચોટીલામાં મકવાણા પરિવારનું દાયકાઓ જૂનું રાજકારણ છે. ઋત્વિક મકવાણા મતવિસ્તારમાં ખૂબ સક્રિય રહ્યા હતા. લોકો સાથે સીધો સંપર્ક ધરાવે છે. પોતાના મતવિસ્તારની સમસ્યાઓના સમાધાન માટે સતત રજૂઆતો કરીને દોડતા રહ્યા છે. આથી કૉંગ્રેસે તેમને રીપીટ કર્યા છે.

2017નું પરિણામ : ભાજપના જીણાભાઈ ડેરવાડિયા અને કૉંગ્રેસના ઋત્વિક મકવાણા વચ્ચે સીધો જ જંગ હતો, જેમાં જીણાભાઈને આકરી હાર આપીને ઋત્વિકભાઈ 23887 જંગી મતની લીડથી જીત્યા હતા.

પાટડી ઃ મતવિસ્તારમાં પ્રભુત્વ ધરાવતા હોવાથી સોલંકી રીપીટ કરાયા
​​​​​​​

નૌશાદ સોલંકી સિવિલ એન્જિનિયર
નૌશાદ સોલંકી સિવિલ એન્જિનિયર

પસંદગીનું કારણ શું ઃ પાટડીની અનામત બેઠક ઉપર મૂળ ધ્રાંગધ્રાના વતની અને લોકોની વચ્ચે રહેનારા ધારાસભ્યની છાપ ધરાવતા નૌશાદ સોલંકીને કૉંગ્રેસે આ વખતે રીપીટ કર્યા છે. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં સોલંકીએ ભાજપના જૂના જોગી અને મંત્રી રહી ચૂકેલા રમણલાલ વોરાને કારમો પરાજય આપ્યો હતો. 5 વર્ષના કાર્યકાળમાં પાટડી વિધાનસભા મતવિસ્તારમાં નૌશાદ સોલંકી સક્રિય રહ્યા હતા. આ સાથે જ વિધાનસભા ગૃહમાં પણ વિસ્તારના અનેક સવાલો ઉઠાવીને ભાજપ સરકારને ભીંસમાં લીધી હતી.

2017નું પરિણામ ઃ કૉંગ્રેસના નૌશાદભાઈ સોલંકી અને ભાજપના રમણભાઈ વોરા વચ્ચે જંગ જામ્યો હતો, જેમાં 3728 મતથી સોલંકી જિત્યા હતા.

વઢવાણ ઃ ગત ચૂંટણીની ભૂલ સુધારી પક્ષે પાટીદારને બદલે નવા, યુવાને તક આપી
​​​​​​​

તરુણભાઇ ગઢવી સ્નાતક
તરુણભાઇ ગઢવી સ્નાતક

પસંદગીનું કારણ શું ઃ વઢવાણ વિધાનસભા આમ તો ભાજપનો ગઢ માનવામાં આવે છે. તેમ છતાં આ બેઠક ઉપર કૉંગ્રેસના પણ મોટી સંખ્યામાં કમિટેડ મતો છે. વિધાનસભાની ગત વર્ષ 2017ની ચૂંટણીમાં ભાજપ અને કૉંગ્રેસના પાટીદાર ઉમેદવારો વચ્ચ સીધો જંગ હતો, જેમાં કૉંગ્રેસની હાર થઈ હતી.

આ વખતે આપે પાટીદારને આ બેઠક ઉપરથી ટિકિટ આપી છે. ત્યારે જો કૉંગ્રેસ પાટીદારને ટિકિટ આપે તો મત કપાય. અને આથી જ કૉંગ્રેસે ગત ચૂંટણીની ભૂલનું પુનરાવર્તન કરવાને બદલે નવાને તક આપી છે. મૂળ સુરેન્દ્રનગરના વતની અને અમદાવાદ રહેતા નિવૃત્ત આઇપીએસ અધિકારીના પુત્ર તરુણ ગઢવીને ટિકિટ આપી છે. તેઓ સુરેન્દ્રનગરના લોકો સાથે સંપર્ક ધરાવાતા હોવાની સાથે યુવાનેતા તરીકે પણ જાણીતા છે.

2017નું પરિણામ
ભાજપના ધનજીભાઈ પટેલ અને કૉંગ્રેસના મોહનભાઈ પટેલ વચ્ચે સીધી ટક્કર હતી, જેમાં ધનજીભાઈએ મોહનભાઈને 19524 મતે હરાવ્યા હતા. પાટીદાર મતો મેળવવા જતાં કૉંગ્રેસને મતો ઓછા મળતાં બેઠક ગુમાવવી પડી હતી.

અન્ય સમાચારો પણ છે...