સાયલાના સામતપર પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીને શિક્ષિકાએ માર મારી તેની માતાને છરી બતાવતા ગ્રામજનોએ શિક્ષિકાની બદલી સાથે આક્રોશ વ્યક્ત કરીને રજૂઆત કરી હતી. આ બાબતે નાયબ ડીડીઓ સહિત શિક્ષણ તંત્રના અધિકારીઓ સામતપર સ્કૂલ પહોંચીને સરપંચ, ગ્રામજનો અને શિક્ષકોના નિવેદન લઇ કાર્યવાહી હાથ ધરતા ગ્રામજનોમાં સંતોષ અનુભવ્યો હતો.
સાયલાના સામતપર પ્રાથમિક શાળામાં છેલ્લા કેટલાક સમયથી શર્મિષ્ઠાબેન પંચાલ શિક્ષિકા દ્વારા ફરજ બજાવે છે અનેક વિદ્યાર્થીઓને માર મારવાની ઘટના બાબતે અનેક રજૂઆત થવા પામી હતી. પરંતુ ધો. 3માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને માર મારીને માતાને ચપ્પુ બતાવવાની ઘટનાથી ગ્રામજનોમાં રોષ જોવા મળતો હતો. આ બાબતે સાયલા તંત્રને લેખિત જાણ કરવા છતાં નિભંર શિક્ષણ તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી હાથ ધરવામાં ન આવતા ગ્રામજનોએ સાયલા શિક્ષણા અધિકારી આર.ડી.પાંચાણીને શિક્ષિકા સામે ઝડપભેર કાર્યવાહી બાબતે લેખિત રજૂઆત કરી હતી અને શાળાને તાળાબંધીની ચીમકી આપી હતી.
અનેક વિદ્યાર્થીના વાલીઓ સાથે શિક્ષિકા શર્મિષ્ઠાબેન હુસાતુંસી કરતા વિદ્યાર્થીના અભ્યાસ ઉપર અસર થતી હોવાની રજૂઆતના પરિણામે મંગળવારના રોજ જિલ્લાના ડીડીઓ રથવી સહિત શિક્ષણ તંત્રના અધિકારીઓએ સામતપર સ્કૂલમાં દોડી ગયા હતા અને સરપંચ ઘુઘાભાઇ અઘારા સહિતના ગ્રામજનો અને શિક્ષક સાથે બેઠક કરી હતી. આ બાબતે સરપંચના જણાવ્યા મુજબ પછાત વિસ્તારમાં શિક્ષણ સુધરી રહ્યું છે ત્યારે શિક્ષિકાના વર્તનથી બાળકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. શિક્ષિકા બેનની બદલી કરી અન્ય શિક્ષકને મૂકવાની પણ રજૂઆત કરાઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.