તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાણીની સમસ્યા:પાટડી તાલુકાની 4000ની વસતી ધરાવતા પાનવા ગામમાં ભરઉનાળે પાણીનો કકળાટ

પાટડી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પાટડી તાલુકાના પાનવા ગામે ભરઉનાળે પાણીનો પોકાર ઉઠયો છે. - Divya Bhaskar
પાટડી તાલુકાના પાનવા ગામે ભરઉનાળે પાણીનો પોકાર ઉઠયો છે.
  • પંચાયતના બોરની મોટર બળી જતાંં 10 દિવસથી ગ્રામજનોના પીવાના પાણી માટે વલખાં

પાટડી તાલુકાના 4000ની વસતી ધરાવતા પાનવા ગામે અનુસૂચિત જાતિનો બોર છેલ્લાં બે વર્ષથી બંધ છે. જ્યારે ગ્રામ પંચાયતના બીજા બોરની મોટર 10 દિવસ અગાઉ બળી જતાં ગામમાં આકરા ઉનાળામાં પાણીનો પોકાર શરૂ થયો છે. ગામની મહિલાઓને ભરબપોરે 45 ડિગ્રી તાપમાનમાં ગામને છેવાડે આવેલા કૂવે પીવાનું પાણી ભરવા જવા મજબૂર બન્યા છે.

પાનવા ગામે 2015માં ખાસ અંગભૂત યોજનામાં બનાવવામાં આવેલો અનુસૂચિત જાતિનો બોર છેલ્લાં બે વર્ષથી પણ વધારે સમયથી બંધ હાલતમાં છે. બીજી બાજુ પાનવા ગ્રામ પંચાયતના બોરમાં 10 દિવસ અગાઉ પેનલ બોર્ડમાં ખામી થવાની સાથે બોરની મોટર બળી જવાના લીધે પીવાના પાણીની સમસ્યા અતિ વિકટ બનવા પામી છે. પાનવા ગામની મહિલાઓને 45 ડિગ્રી તાપમાનમાં ભરબપોરે માથે બેડા ઉંચકી પીવાના પાણીની એક એક બૂંદ માટે વલખાં મારવા પડી રહ્યાં છે. ગામની મહિલાઓ ગામના છેવાડે આવેલા કૂવે પાણી ભરવા મજબૂર બની છે.

આ અંગે પાનવા ગામના રમેશભાઇએ જણાવ્યું કે,ગામનો બીજો એક કૂવો તૂટેલો છે. જેમાં ગ્રામજનો નહાવા-ધોવા અને કપડા ધોવા માટે જ ઉપયોગ કરે છે.બીજા એક કૂવામાંથી ગામની તમામ મહિલાઓ પીવાનું પાણી વાપરે છે. આ અંગે પાનવા ગામના તલાટી કમ મંત્રી મહેશભાઇએ જણાવ્યું કે, ગ્રામ પંચાયતના બોરની મોટર બળી જવાની સાથે પેનલ બોર્ડમાં ખામી સર્જાતા આ સમસ્યા ઉદભવી હતી. જે પાણી પુરવઠા વિભાગને સાથે રાખી રિપેરિંગ કરાવી લીધી છે. આજે બપોર બાદ રિપેરિંગ કરેલી મોટર બોરમાં ઉતારવાની છે અને કાલથી રાબેતા મુજબ પીવાનું પાણી પૂરું પડાશે.

અન્ય સમાચારો પણ છે...