તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર એક્સક્લૂઝિવ:ગુજરાતમાં એક બાજુ જળસંકટ ને બીજી બાજુ રણમાં નર્મદાના લાખો ગેલન પાણીનો વેડફાટ

પાટડી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતમાં એક બાજુ જળસંકટ, ને બીજી બાજુ રણમાં નર્મદાના લાખો ગેલન પાણીનો વ્યય અને રણની સેટેલાઇટ તસ્વીર - Divya Bhaskar
ગુજરાતમાં એક બાજુ જળસંકટ, ને બીજી બાજુ રણમાં નર્મદાના લાખો ગેલન પાણીનો વ્યય અને રણની સેટેલાઇટ તસ્વીર
  • સેટેલાઇટ તસ્વીરમાં બજાણા વોકળામાંથી નર્મદાનું પાણી ઓડું, દેગામ અને સુલ્તાનપુર રણ સુધી પહોંચ્યાની ચોંકાવનારી હકિકતો સામે આવી

હાલમાં રણમાં અગરિયાઓ દ્વારા મીઠું પકવવાની સીઝન પૂર્ણ થઇ હોવાથી તમામ અગરિયા પરિવારો પોતાના માદરે વતનમાં છે. ત્યારે આ વર્ષે ચોમાસામાં વરસાદ ખેંચાતા દર વર્ષે મીની સમુદ્રમાં ફેરવાઇ જતુ રણ આ વર્ષે સૂકુભઠ્ઠ જ રહેવા પામ્યું હતુ. ત્યારે ગુજરાતમાં એક બાજુ જળસંકટ, ને બીજી બાજુ રણમાં નર્મદાના લાખો ગેલન પાણીનો વ્યય થઇ રહ્યોં છે. સેટેલાઇટ તસ્વીરમાં બજાણા વોકળામાંથી નર્મદાનું પાણી ઓડું, દેગામ અને સુલ્તાનપુર રણ સુધી પહોંચ્યાની ચોંકાવનારી હકિકતો સામે આવી છે.

રાજ્યમાં એક તરફ વરસાદ ન થતાં જળસંકટની વિકટ પરીસ્થિતી દિવસેને દિવસે વિકરાળ બની રહી છે. અને પીવાના પાણીની સમસ્યાથી અડધું રાજ્ય પરેશાન છે. તેવા સમયે કચ્છના રણમાં નર્મદા કેનાલનું પાણી બેરોકટોક વેડફાઈ રહ્યું હોવાની અત્યંત ચોંકાવનારી હકીકતો સામે આવી છે. બીજી તરફ રણકાંઠાની બ્રાંચ કેનાલોના અધૂરા અને નબળા કામોથી ખેડૂતો પાણીના અભાવે આકાશ સામે મીટ માંડીને પોતાના ઉભા મોલને બચાવવા હવાતિયા મારી રહ્યાં છે.

મેઘરાજા ખેડૂતોથી રુઠ્યા છે અને ખેડૂતો વરસાદ ન થતા ત્રાહીમામ પોકારી ગયા છે. એમના વાડીઓના બોર માંડ બે-ત્રણ કલાક ચાલે છે. ત્યાં ડચકા લેવા માંડે છે. નર્મદાના પાણી સુરેન્દ્રનગર જિલ્લામાં પહોંચવાથી ઘણા વિસ્તારોને ફાયદો પણ થયો છે. પણ કેટલાય ગામોના બ્રાંચ કેનાલોના અધૂરા અને નબળા કામોથી સૂકાભઠ્ઠ રણકાંઠા વિસ્તારો પાણી ઝંખી રહ્યા છે. એક બાજુ નર્મદાના પાણી પહોંચે એ માટે ગામેગામથી ખેડૂતો સરકારને રજૂઆત કરી રહ્યા છે.

ત્યારે બીજી તરફ નર્મદા કેનાલના મિસ મેનજમેન્ટનુ પાણી અત્યારે વિરમગામ ડ્રેઈનથી બજાણા સવલાસ પાસેના ટૂંડી બેટ પાસેથી ઓડુ દેગામ સુલ્તાનપુરના રણ તરફથી લાખો ગેલન પાણી બેરોકટોક રણમાં વેડફાઈ રહ્યું છે. આ અંગે દિશા નિર્દેશ સમિતીના જીતેન્દ્રભાઇ રાઠોડે જણાવ્યું કે, રણમાં વેડફાતા નર્મદા કેનાલના પાણીની તસ્વીરો તારીખ 20 ઓગષ્ટથી આજના દિવસની ગુગલ અર્થમાંથી રણમાં વહીં જતા પાણીની મેળવેલી તસ્વીરો છે.

રણમાં વેડફાતા પાણીની સાચી પરિસ્થતિનો તાગ મેળવવા નર્મદા વિભાગના અધિકારીઓ કાદવ કીચડ ખુંદતા અથવા ટ્રેક્ટર લઇને ત્યાં સ્થળ ઉપર જવું જોઇએ કે, વગર વરસાદે રણમાં પાણી ક્યાંથી આવે છે. હાલમાં મેઘરાજા ખેડૂતોથી રૂઠ્યા છે તો ખેડૂતો સરકારથી રૂઠે એ પહેલા સરકાર કટિબદ્ધ બને એ સમયની માંગ છે.

છેલ્લા 3 વર્ષમાં રણમાં નર્મદા નીરના પાણી અગરિયાઓના પાટામાં ફરી વળ્યા : ભરતભાઇ સોમેરા
ખારાઘોડા, ઝીંઝુવાડા અને ધ્રાંગધ્રાના કૂડા રણમાં છેલ્લા 3 વર્ષમાં 14 વખત નર્મદાના નીર અગરિયાઓના પાટામાં ફરી વળતા હજારો અગરિયાઓ પાયમાલ બની ગયા હતા. ત્યારે પાટણ જીલ્લાની જેમ સુરેન્દ્રનગર જીલ્લામાં પણ નર્મદા વિભાગ દ્વારા અગરિયા અને સોલ્ટ એશોશીયેશને જાણ કરી રણમાં નર્મદા કેનાલનું પાણી છોડવામાં આવે તો દેવાના ડુંગર તળે દબાયેલા ખેડૂતોને નુકશાની ઉઠાવવાનો વારો ન આવે. છેવાડાનો માનવી ગણાતા એવા અગરિયાનું સાંભળનાર કોઇ નથી અને આદોલન કરવાનો એમની પાસે સમય નથી.

નર્મદાના નીરથી દેગામ સહિતના રણમાં દોઢસોથી વધુ પાટાઓ બનતા બંધ થાય : બચુભાઇ દેગામા
રણમાં દેગામ, સવલાસ અને હિંમતપુરા તથા અંબિકા રણમાં દર વર્ષે નર્મદાનું ચિક્કાર પાણી આવતા દેગામ સહિતના રણમાં દોઢસોથી વધુ જેટલા મીઠ‍ાના પાટા છેલ્લા ત્રણ વર્ષથી બંધ થતાં એ અગરિયા પરિવારોને મજૂરી કામ અર્થે સામુહિક હિજરત કરવાની નોબત ઉભી થઇ હતી.

સુરેન્દ્રનગર જીલ્લાની ખેતીને પુરૂ પાડી શકે એટલું નર્મદાનું નીર રણમાં વેડફાય છે
આ અંગે ઝીંઝુવાડા રણના ભરતસિંહ ઝાલાએ આક્રોશ સાથે જણાવ્યું કે, આખા સુરેન્દ્રનગર જીલ્લાની ખેતીને આખું વર્ષ જેટલું પાણી જોઇએ એનાથી પણ વધારે નર્મદાનું પાણી દર વર્ષે રણમાં બેરોકટોક વેડફાઇ રહ્યું છે. આ અંગે લાગતા વળગતા તંત્રને અનેકો વખત કરાયેલી રજૂઆત તંત્રના બહેરા કાને અથડાઇને પાછી ફરે છે.

2017માં રણમાં નર્મદાના નીરથી 136 અગરિયાઓને રૂ. દોઢથી બે કરોડનું નુકશાન પહોંચ્યું હતુ
2017માં રણમાં નર્મદાના નીર અગરિયાઓના પાટામાં ફરી વળતા કલેક્ટર દ્વારા એક કમિટી બનાવી રણમાં મીઠું પકવતા અગરિયાઓને નર્મદાના નીરથી થયેલી નુકશાનીનો સર્વે કરાયો હતો. જેમાં નર્મદાનું આ પાણી રણમાં 70 કિ.મી.સુધી ફરી વળતા સર્વેમાં અંદાજે 136 જેટલા અગરિયાઓને રૂ. દોઢથી પોણા બે કરોડનું નુકશાન આવ્યું હતુ. પરંતુ આજ દિન સુધી અગરિયાઓને રાતી પાઇ પણ સહાય મળી નથી એ પણ ચોંકાવનારૂ સત્ય છે.