તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નંદનવન બનાવવાનો નિર્ધાર:સૂકાભઠ્ઠ રણકાંઠાનું કલંક હરિયાળી ક્રાંતિથી ભૂંસાશે

પાટડીએક મહિનો પહેલાલેખક: મનીષ પારીક
  • કૉપી લિંક
પાટડી નગરપાલિકા દ્વારા શક્તિમાતાના મંદિરના ફરતે તળાવ કિનારે લાઇનબધ્ધ 800 રોપાનું વાવેતર કરાયું. - Divya Bhaskar
પાટડી નગરપાલિકા દ્વારા શક્તિમાતાના મંદિરના ફરતે તળાવ કિનારે લાઇનબધ્ધ 800 રોપાનું વાવેતર કરાયું.
  • તાલુકા પંચાયતના પ્રમુખ, RSS, નિવૃત્ત શિક્ષકોનો પાટડી પથંકને નંદનવન બનાવવાનો નિર્ધાર

સૂકાભઠ્ઠ રણકાંઠાની ઉજ્જડ અને વેરાન જમીનમાં લીલોતરીની કલ્પના કરવી એ ધોળા દિવસે તારા જોવા જેવી બાબત છે. ત્યારે તાલુકા પંચાયતના પ્રમુખ, આરએસએસ અને નિવૃત શિક્ષકોએ વન વિભાગને સાથે રાખી પાટડી પથંકને નંદનવન બનાવવા કમર કસી છે. આથી વર્ષો બાદ સૂકાભઠ્ઠ રણકાંઠાનું કલંક હરીયાળી ક્રાંતિની ભૂંસાશે અને ચારેબાજુ વૃક્ષોની હરીયાળીથી પાટડી પથંક પહેલી વખત નંદનવન બનશે.

સૂકાભઠ્ઠ રણકાંઠાની વેરાન અને જમીનના કારણે અહીં ઝાલાવાડના અન્ય વિસ્તાર કરતા વરસાદ પ્રમાણમાં ખુબ ઓછો પડે છે. પરંતુ સૂકાભઠ્ઠ વિસ્તાર તરીકે પ્રચલિત પાટડી તાલુકાના 89 ગામોમાંથી 87 ગામોમાં નર્મદાના નીર પહોંચતા હવે ધીમે ધીમે રણકાંઠાની બંજર જમીનમાં હરીયાળી ક્રાંતિની પરિકલ્પના સાકાર થવાની સંભાવના વધી ગઇ હતી.

જ્યારે બીજી બાજુ બે દિવસ અગાઉ તાલુકા પંચાયતના પ્રમુખ પ્રકાશ ડોડીયાએ પાટડી વનવિભાગના કચેરીના રેંજ ફોરેસ્ટ ઓફિસર પટેલની મૂલાકાત લઇ વન વિભાગને સાથે રાખી ચોમાસા પહેલા સમગ્ર પાટડી પથંકના ગાંમડાઓમાં સઘન વૃક્ષારોપણ કરવાની કામગીરીની વ્યુહ રચના ધડી કાર્યવાહી હાથ ધરી હતી.

બીજી બાજુ પાટડી રઘુવિરસિંહજી પ્રાથમિક શાળાના નિવૃત આચાર્ય હર્ષદભાઇ જોશી અને વન વિભાગના નિવૃત કર્મચારી ઝીણાજી લેંચીયા સહિતના કર્મચારીઓ પણ નિવૃત્તિ બાદ પણ સમય કાઢીને વૃક્ષારોપણ કરવાની સાથે ઝાડવાઓની માવજત કરી પાટડી પથંકને નંદનવન બનાવવા કમર કસી છે. બીજી બાજુ પાટડી પથંકના માલણપુર ગામે 1400ની વસ્તી સામે 8500 વૃક્ષો અને પાટડી તાલુકાના સલી ગામે લાઇનવધ્ધ વૃક્ષોની હારમાળાની આ બંને ગામ આદર્શ ગામોની શ્રેણીમાં આવ્યા છે.

એજ રીતે પાટડીમાં એક જ મેદાનમાં આવેલી શ્રી સુરજમલજી હાઇસ્કુલ, શ્રી રઘુવિરસિંહજી પ્રાથમિક શાળા, શ્રી નાનુબાપા કન્યાશાળ‌ા અને શ્રી સુરજમલજી પ્રાથમિક શાળા મળી આ ચારેય શાળામાં 1637 વિદ્યાર્થીઓ સામે 1121 જેટલા ઘટાદાર વૃક્ષોની હારમાળાથી આકરા ઉનાળાની 45 ડીગ્રી ગરમીમાં શાળાના રૂમોનું તાપમાન બે ડીગ્રી ઓછું જોવા મળે છે.

પાટડી તાલુકાના દરેક ગામમાં વૃક્ષારોપણની કામગીરી હાથ ધરાશે

પાટડી તાલુકાના ગામે ગામ નર્મદાના નીર પહોંચી ગયા છે. ત્યારે ચોમાસા પહેલા પાટડી તાલુકાના ગામેં-ગામ વૃક્ષારોપણની કામગીરી હાથ ધરાશે એ માટે આજે પાટડી વનવિભાગની કચેરીની મુલાકાત લઇ આરએફઓ સહિતના સ્ટાફ સાથે મીટીંગ ગોઠવી આગોતરૂ આયોજન કરી એ દિશામાં કામગીરી કરવાની પણ શરૂઆત કરી દેવામાં આવી છે. > પ્રકાશભાઇ ડોડિયા, પ્રમુખ, દસાડા તાલુકા પંચાયત

21000ની વસતી સામે 21000 વૃક્ષની કલ્પના
પાટડી આરએસએસના સ્વયંસેવકો દ્વારા પાટડીને નંદનવન બનાવવાની એક અનોખી પહેલ રૂપે પાટડીમાં 21000ની વસ્તી સામે 21000 વૃક્ષોનું વાવેતર કરી પાટડીને એક આદર્શ નગર બનાવવાની શરૂઆત કરી છે. જે અંતર્ગત RSSના સ્વયંસેવકો દ્વારા વિશ્વેશ્વર મહાદેવ, મેલડી માતાના મંદિર અંબિકાનગર અને શ્રીનાથજી સીટીમાં વનવિભાગના સહયોગથી ઘેર-ઘેર રોપાઓનું વિતરણ કરી લોકામાં વૃક્ષ ઉછેરની જાગૃતિ ફેલાવવાનું આદર્શ કામની શરૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...