તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાતાવરણમાં પલટો:ખારાઘોડા અને ઝીંઝુવાડા રણમાં 15 દિવસમાં બીજી વખત વરસાદ ખાબક્યો

પાટડી6 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મીઠું પકવતા અગરિયાઓની પડ્યા પર પાટું મારવાના ઘા જેવી કફોડી હાલત
  • રણમાં આવવા-જવાના રસ્તા પર પાણી ભરાતા વેપારીઓએ ટ્રેક્ટર લઇને રણમાં ગયા અનેે પાટામાં થયેલા નુકસાનના સ્થિતિની સમીક્ષા કરી હતી

ખારાઘોડા અને ઝીંઝુવાડા રણમાં અત્યાર સુધીમાં અંદાજે 11 લાખ મેટ્રિક ટન મીઠું તો રણમાંથી ખેંચીને ખારાઘોડા ગંજે આવી પણ ગયું છે. જ્યારે હજી પણ રણમાં અંદાજે 2થી 2.5 લાખ મેટ્રિક ટન મીઠું રણમાં છે. એવામાં 15 દિ’અગાઉ ‘તાઉતે’ વાવાઝોડાના પગલે રણમાં મુશળધાર વરસાદ ખાબકતા ઝીંઝુવાડા રણમાં 100થી વધુ મીઠાના પાટામાં વરસાદી પાણી ફરી વળતા અગરિયાઓ પાયમાલ બન્યાં હતા. એવામાં શુક્રવારે રાત્રે ફરી રણમાં વાવાઝોડા સાથે વરસાદ ખાબકતા અગરિયાની હાલત “પડ્યાં પર પાટું મારવાના ઘા” જેવી કફોડી હાલત થવા પામી હતી.

દેશના લોકોના ભોજનને મીઠા દ્વારા સ્વાદિષ્ટ બનાવતા અગરિયાઓના જીવનમાં હવે ખારાશ આવી ગઇ છે. ખારાઘોડા અને ઝીંઝુવાડા રણમાં આ વર્ષે અંદાજે વિક્રમ જનક 14 લાખ મેટ્રિક ટન મીઠ‍ાનું ઉત્પાદન થયું છે. જેમાંથી અત્યાર સુધીમાં અંદાજે 11 લાખ મેટ્રિક ટન મીઠું તો ખારાઘોડા અને ઝીંઝુવાડામાં ગંજે આવી પણ ચુક્યું છે.

અેવામાં 15 દિ’અગાઉ ગુજરાત પર ત્રાટકેલા ‘તાઉ-તે’ વાવાઝોડાના પગલે રણમાં બે દિવસ સુધી ખાબકેલા વરસાદના પગલે મીઠું પકવતા અગરિયાઓના પાટામાં વરસાદી પાણી ફરી વળતા અગરિયાઓને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો હતો. વેરાન રણ ભારે વરસાદના કારણે મીની સમુદ્રમાં ફેરવાઇ જતાં રણમાં આવવા-જવાનો રસ્તો પણ ઠપ્પ થઇ જવા પામ્યો હતો. આ કુદરતી પ્રકોપનો સામનો કરીને માંડ બેઠા થયેલા અગરીયા સમુદાયને ફરી ગત રાત્રે વાવાઝોડા સાથે મુશળધાર વરસાદનો સામનો કરવાની નોબત આવી હતી.

હજી ખારાઘોડા-ઝીંઝુવાડાના રણમાં 2થી 2.5 લાખ મેટ્રિક ટન મીઠું પડ્યું છે ત્યારે રણમાં 15 દિ’માં બીજી વખત વરસાદ ખાબકતા મીઠું પકવતા અગરિયાઓની હાલત “પડ્યા પર પાટું મારવાના ઘા” જેવી કફોડી હાલત થવા પામી છે. અને રણમાં ખાબકેલા વરસાદના પગલે આવવા-જવાનો રસ્તો પણ ફરી ઠપ્પ થઇ જવા પામ્યોં છે. જ્યારે રણમાં ચિક્કાર પાણી વચ્ચે મીઠાના વેપારીઓએ ટ્રેક્ટર લઇને રણમાં જઇને પાટામાં થયેલા નુકશાનની સ્થિતીની સમીક્ષા કરી હતી. આ વરસાદના પગલે આગામી 3-4 દિવસ સુધી તો રણમાં જવા આવવાનો રસ્તો પણ ચાલુ થવાની સ્થિતીમાં નથી.

અન્ય સમાચારો પણ છે...