આત્મનિર્ભર મહિલાઓ:મંડળ જરૂરિયાતમંદ બાળકોના અભ્યાસ, વ્યવસાય, આકસ્મિક ખર્ચ આવી પડે તો બહેનોને ધિરાણ આપે છે

પાટડી14 દિવસ પહેલાલેખક: મનીષ પારીક
  • કૉપી લિંક
  • 10 બહેન દ્વારા દર મહિને રૂ. 30ની બચતથી પાટડી તાલુકાના વણોદ ગામનું સખી મંડળ શરૂ થયું હતું

પાટડી તાલુકાના વણોદ ગામનું સખી મંડળ કાપડ વેચાણ, અનાજ કરિયાણા અને હોટેલ જેવા વ્યવસાયો કરીને સારા એવા પ્રમાણમાં નફો મેળવી રહી છે. જ્યારે પાટડીના વણોદનું સખી મંડળ જરૂરિયાતવાળા બહેનોના બાળકોના અભ્યાસ માટે, વ્યવસાય માટે કે હોસ્પિટલ જેવો કોઈ આકસ્મિક ખર્ચ આવી પડે તો બહેનોને ધિરાણ આપે છે. ત્યારે વણોદ સખી મંડળની મહિલાઓ આત્મનિર્ભર મહિલાઓનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.

આ વાત છે પાટડી તાલુકાના વણોદ ગામના નગીના સ્વ. સહાય જૂથની બહેનોની. આ નગીના સ્વ.સહાય જૂથના પ્રમુખ મુમતાજબેન દીવાને જણાવ્યું કે, 2006માં અમે વણોદ ગામની 10 બહેને મળીને એક સખી મંડળની રચના કરી હતી. અમને 6 દિવસની તાલીમ અપાઈ હતી.

અમે દર મહિને રૂપિયા 30ની બચત કરીને દસ મહિલાનું સખી મંડળ બનાવી શરૂઆત કરી હતી. પછી અમે દર મહિને રૂ. 50ની બચત કરતા થયા હતા. અમારું મંડળ રેગ્યુલર બચત કરવાથી અમને સરકાર દ્વારા રૂ.10,000નુ રિવોલ્વિંગ ફંડ મળ્યું હતુ. ફંડના પૈસામાંથી અમે જરૂરિયાતવાળા બહેનોને રૂ.2,000ની લોન આપી હતી. આ લોન લઈને અમારા મંડળની બહેનોએ સિલાઈ મશીન લાવીને દરજી કામ કરવાની શરૂઆત કરી હતી. લોન લીધેલ બહેનોએ નાના પાયે ધંધાની શરૂઆત કરી હતી.

ત્યારબાદ અમારા ગામમાં બીજા સખી મંડળો પણ રચાયા અને 10 સખી મંડળો મળીને અમે એક વિલેજ ઓર્ગેનાઈઝેશન બનાવ્યું. આ વિલેજ ઓર્ગેનાઈઝેશન બનવાથી અમારા સખી મંડળોને રૂપિયા 50,000ની લોન આપવામાં આવી હતી. જેનો ઉપયોગ કરીને મંડળની બહેનોએ પોતાના ધંધામાં પૈસા રોકીને ધંધામાં વધારો કર્યો. ત્યાર બાદ અમારા મંડળને બેંક દ્વારા રૂપિયા 2 લાખનું ધિરાણ અપાયું હતુ. અત્યારના સમયમાં દાગીના ગિરવી મૂકવી ત્યારે ઊંચા વ્યાજે પૈસા આપવામાં આવે છે. એવા સમયમાં અમારા સખી મંડળ દ્વારા 1% ના વ્યાજે આ બહેનોને ધિરાણ આપવામાં આવી રહ્યું છે.

એક બહેને 87000 લોન લઇ બાળકોને ભણાવવાની સાથે દીકરીને પરણાવી
મધુબેન અજમલભાઇ ઠાકોર નામની વિધવા મહિલાએ રૂ. 87000 લોન લઇ બાળકોને ભણાવવાની સાથે દીકરીને પરણાવવાની સાથે પશુપાલનનો વ્યવસાય કરે છે. જ્યારે ફરીદાબેન જાબીરભાઇ સિપાઇ નામની મહિલાએ પણ રૂ. 87,000ની લોન લઇ સિલાઇ કામ થકી રૂ. 500 લેખે મહિને રૂ. 15,000 જેટલી આવક રળી છે.

અત્યાર સુધી 70 બહેનને 7થી 8 લાખનું ધિરાણ કર્યું છે
આ અંગે મિશન મંગલમના તાલુકા લાઇવલી હુડ મેનેજર તૃપ્તિબેન આચાર્યએ જણાવ્યું કે, આ 10 સખી મંડળોમાં કુલ 100 બહેન છે. જેમણે અત્યાર સુધીમાં 70 જેટલી બહેનને રૂ. 7થી 8 લાખનું 1 % વ્યાજ લેખે ધિરાણ કર્યું છે. અને એમની પાસે હાલ રૂ. 55,000 જેટલું બચત ભંડોળ છે અને બાકીનું બધુ એમણે ધિરાણ કરી વ્યાજની આવક ઊભી કરી છે.

અન્ય સમાચારો પણ છે...