પાટડીમાં લાખોના ખર્ચે બનેલુ નવુ બસસ્ટેન્ડ ગામથી દૂર હોવાથી છેલ્લા 24 વર્ષથી ખંડેર હાલતમાં છે. ગુરૂવારે દસાડા ધારાસભ્યની ઓચિંતી મુલાકાત લઇ એસટી વિભાગના અધિકારીઓનો ઉધડો લેવાની સાથે ગંદકી દૂર કરી તાકીદે સમારકામ કરવાના સૂચનો કર્યા હતા.
પાટડીમાં વર્ષ 1996માં 15 લાખના ખર્ચે બનાવાયેલુ એસટી સ્ટેન્ડ હાલ શોભાના ગાંઠિયા સમાન બની જતાં ઠેરઠેર પારાવાર ગંદકીના લીધે આ સરકારી બસસ્ટેન્ડ ખંડેર બનવા પામ્યું હતુ. ગુરૂવારે દસાડા મતવિસ્તારના ધારાસભ્ય નૌશાદભાઇ સોલંકીએ કાર્યકરો સાથે બસસ્ટેન્ડની ઓચિંતી મુલાકાત લઇ અધિકારીઓ અને કર્મચારીઓને તાકીદે એસટી બસસ્ટેન્ડની તમામ ગંદકી દૂર કરી સમારકામ સહિતની તમામ કામગીરી ઝડપી કરવાના સૂચનો પણ કર્યા હતા.
બસસ્ટેન્ડની વધારાની જમીનમાં સ્પોર્ટસ સંકુલ બનાવવાની વિચારણા છે
પાટડી વેલનાથનગર સામેના બસસ્ટેન્ડમાં ખુબ વિશાળ જમીન છે. તો એસટી વિભાગ દ્વારા વધારાની જમીન સરકારને પાછી આપી દેવામાં આવે તો આ જગ્યામાં યુવાનો માટે વોલીબોલ, ટેનીશ અને જીમ સહિતની વિવિધ સુવિધાઓ યુક્ત સ્પોર્ટસ સંકુલ બનાવવાની વિચારણા છે. આ માટે એસટી વિભાગના આલા અધિકારીઓને સૂચન પણ કરવામાં આવ્યું છે. - નૌશાદભાઇ સોલંકી, ધારાસભ્ય, દસાડા-લખતર.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.